કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): નરોડા ગામ હત્યાકાંડમાં (Naroda massacre) આખરે 67 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. આ ચુકાદો સ્પેશિયલ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે અને નિર્દોષ છુટનારાઓમાં રાજ્યના પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની, બજરંગ દળના નેતા બાબુ બજરંગી અને વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ આગેવાન જયદીપ પટેલ પણ છે. 21 વર્ષના અંતે અસંખ્ય સુનાવણી પછી આ ચુકાદો આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી રમખાણોના કેસમાં (Riots Case) નિર્દોષ છોડી મૂકવાની ચુકાદાઓ વધુ આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં પણ મેરઠ શહેરમાં 1986માં થયેલાં હત્યાકાંડનો ચુકાદો ગયા અઠવાડિયે આવ્યો અને તેમાં પણ 40 વ્યક્તિઓને નિર્દોષ છોડી મૂકવામાં આવી છે! મેરઠ શહેરમાં આવેલાં માલિઆના ગામમાં 72 લોકોની હત્યા થઈ હતી. આ બંને કેસમાં હત્યાકાંડમાં પીડિત મુસ્લિમો હતા. નરોડા પાટિયા અને દિલ્હી રમખાણોમાં પણ આ રીતે દોષીઓને મુક્ત કરવાના ચુકાદાઓ અપાયા છે. ઉપર ટાંકેલા બધા હત્યાકાંડમાં બસોથી વધુ મોત થયા હતા અને આવાં અન્ય હત્યાકાંડની વિગત પણ મૂકી શકાય. આ કેસોમાં ન્યાયાલયોમાં પીડિતો વર્ષોથી એ આશાએ બેઠા હતા કે તેમને ન્યાય મળશે, પરંતુ એવું ન થયું. ન્યાય મેળવવા અર્થે આગળ હાઇકોર્ટ (High Court) કે સુપ્રિમ કોર્ટના (Supreme Court) દરવાજાઓ પીડિતો ખખડાવશે, પરંતુ નીચલી કોર્ટ દોષીઓને છોડી મૂકે તે સાવ ‘નિર્દોષ’ ઘટના જણાતી નથી.
સભ્ય સમાજ ટકે તેનું મહત્ત્વનું લક્ષણ જ્યાં ન્યાય તોળાતો હોય અને ભેદભાવ ન થતો હોય તે છે. પણ આપણે તે લક્ષણોથી ખાસ્સા દૂર જઈ રહ્યા છે. અને તેમ થઈ રહ્યું છે તેનું કારણ રાજકરણ તો રહ્યું છે, પરંતુ હવે કોર્ટના ચુકાદાઓના પ્રત્યે પણ શંકા જન્મે છે. આવી શંકા જન્મે તેવો એક કેસ બિલ્કિસ બાનુનો છે. આ કેસમાં 2017માં ચુકાદો આવ્યો હતો અને તેમાં તત્કાલીન બોમ્બે હાઇકોર્ટના ન્યાયાધીશ મૃદુલા ભાટકર અને વી. કે. તહિલીરામાનીની બેંચે 11 આરોપીઓને આજીવન કેદની સજા ફરમાવી હતી અને તે ચુકાદાને સુપ્રિમ કોર્ટે પણ જાળવી રાખ્યો. પરંતુ તે પછી સરકારની ભલામણથી આ તમામ 11ને છોડી મૂકવામાં આવ્યા. આ નિર્ણયની ચારેકોરથી ટીકા થઈ. મતલબ કે સુપ્રીમ કોર્ટ પણ ચુકાદો માન્ય રાખે, તે પછી પણ ગુનેગારો છૂટી શકે. જોકે હાલમાં સુપ્રિમ કોર્ટે આ મુદ્દે ફરી હાથમાં લેશે તેમ કહ્યું છે ત્યારે થોડો હાશકારો થયો છે. તેમ છતાં ન્યાય મેળવનારને બે-બે દાયકા ન્યાયાલયની ઠોકર ખાધા પછી ફરી પ્રક્રિયામાં પડવાનું પોસાતું નથી.
રમખાણોમાં થયેલાં હત્યાકાંડમાં નિર્દોષ છોડી મૂકવાનો એક અન્ય કિસ્સો પંચમહાલ જિલ્લાના દેવોલ ગામનો છે. 2002માં ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેન સળગાવવાની ઘટના બાદ દેવોલ ગામમાં દોઢસો-બસ્સોના ટોળાએ મુસ્લિમો સમાજના 17 વ્યક્તિઓની હત્યા કરી હતી. આ કેસમાં 22 લોકો પર ચાર્ટશીટ તૈયાર કરવામાં આવી. આ કેસનો ચુકાદો પણ આ વર્ષની શરૂઆતમાં આવ્યો છે અને તેમાં પણ જેમના પર આરોપ ઘડાયાં હતા તે આઠના તો મૃત્યુ થઈ ચૂક્યા છે, જ્યારે 14 દોષીઓને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યાં. આશ્ચર્યની વાત એ છે કે આ કિસ્સામાં મૃત્યુ પામનારાં કોઈનો પણ મૃતદેહ મળ્યાં નથી. આમાંથી મોટા ભાગના લોકોની હત્યા કરીને તેમને સળગાવી દેવામાં આવ્યા હતા. અને તેમનાં જે કંઈક શરીરના અંશ મળ્યા તેને કોર્ટે પુરાવા તરીકે પુરતા ન ગણ્યા. કોર્ટે આ કિસ્સામાં બધો દોષનો ટોપલો પોલીસ ઉપર ધોળી દીધો. ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ કે દિલ્હીમાં થયેલાં રમખાણોમાં આ રીતે હત્યાકાંડોમાં કોઈનેય ન સજા થઈ હોય તેવાં કેસીસ ઘણાં છે.
સામાન્ય લોકો ન્યાયાલય પ્રત્યે હજુય આશા રાખે છે, પણ જ્યારે કોઈ કેસમાં રાજકારણ ભળે છે ત્યારે તે ન્યાયાલયો માટે પણ તે આશાને ટકાવી પડકાર બને છે. આવો એક કેસ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગાઈનો હતો. તેમના પર જાતીય સતામણીના આરોપ લાગ્યા હતા. આ કેસની તપાસમાં ખુદ રંજન ગોગાઈ જ હતા અને તે કેસમાં તેમને દોષમુક્ત કરવામાં આવ્યા હતા. રંજન તે પછી અયોધ્યાનો ચુકાદો આપવાનો થયો અને તેમને રાજ્યસભામાં પણ પદ મળ્યું.
નરોડા પાટિયાના કેસમાં પણ એમ થયું હતું. ટ્રાયલ કોર્ટમાં સૌપ્રથમ જ્યારે આ કેસ ચાલ્યો હતો ત્યારે તેમાં 61 આરોપીઓમાંથી 32 સજા સંભળાવવામાં આવી હતી જ્યારે 29ને દોષમુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરી ત્યારે 32માંથી 16ની સજા યથાવત્ રાખી અને કોડનાની, બાબુ બજંરગી સહિતને છોડી મૂકવામાં આવ્યા હતા. તેમાં પણ નવને 21 વર્ષની કડક સજા મુકરર કરવામાં આવી હતી. જોકે સજા પડ્યા પછીના એક જ વર્ષમાં જ્યારે તેમાંથી ચારને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા ત્યારે પણ ન્યાયાલયની ટીકા થઈ હતી.
કોર્ટમાં રમખાણોના કે અન્ય કોઈ આવાં હાઇપ્રોફાઇલ કેસ જાય છે ત્યારે તેમાં રાજકારણ ભળતું આવ્યું છે. આ કારણે તપાસ એજન્સી અને કોર્ટનું કાર્ય મુશ્કેલ બને છે અને તેના પરિણામ આવે છે ત્યારે સૌને તેના પર શંકા જાય છે. મુંબઈ રમખાણો અને સિખ રમખાણોમાં પણ મોટા પ્રમાણમાં આ રીતે હત્યાઓ થઈ હતી અને લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. કૉગ્રેસ આગેવાન સજ્જન કુમાર આજે પણ સિખ રમખાણોમાં આજીવનની કેદ ભોગવી રહ્યા છે. પરંતુ 2013માં દિલ્હીની કાર્કાડુમા કોર્ટે તેમને નિર્દોષ છોડી મૂક્યા હતા. તે પછી દિલ્હી હાઇકોર્ટ અને પછી સુપ્રિમમાં તેમને આજીવન સજા થઈ.
ન્યાયક્ષેત્રે જે કંઈ અજુગતું લાગે તે નીચલી કોર્ટોમાં થઈ રહ્યું છે અને આ અંગે હાલમાં જ સુપ્રિમ કોર્ટના ન્યાયાધીશ કૃષ્ણ મુરારી અને એ. અમાનુલ્લાહની બેંચે કર્ણાટક હાઇકોર્ટના એક કેસની સુનાવણી દરમિયાન એવી ટિપ્પણી કરી હતી કે, “એ અગત્યનું છે કે હાઇકોર્ટ અને નીચલી કોર્ટો સમજી-વિચારીને નિવેદન આપે.” અને સાથે એમ પણ કહ્યું કે કે ટિપ્પણી ત્યારે જ કરવી જોઈએ જ્યારે યોગ્ય ન્યાયિય ઉદ્દેશની પૂર્તિ થતી હોય. આ ઉપરાંત, હાલમાં સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાઇ. ચંદ્રચુડે એમ કહ્યું હતું કે, “નીચલી કોર્ટો જામીન આપતી નથી. એવું નથી કે તેઓને જામીન આપવા અંગે જ્ઞાન નથી બલકે તેમને એવી ભીતિ હોય છે કે અમે જામીન આપીશું તો અમને નિશાન બનાવવામાં આવશે.” આવાં અનેક નિવેદનો છે જેમાં ન્યાયક્ષેત્રની મર્યાદા કોર્ટ અથવા તો આ ક્ષેત્રની વ્યક્તિ જ દાખવતી હોય.
બીજું કે રમખાણોના કેસમાં આટલાં લાંબા સમય પછી ચુકાદાઓ આવી રહ્યા છે અને હજુ પણ અન્ય કેટલાંય કેસ જેમાં ચુકાદાઓ આવી જવા જોઈતા હતા તે નથી આવ્યા. દેશમાં ટ્રાયલ કોર્ટમાં અત્યારે અંદાજે સાડા ચાર કરોડ કેસ પેન્ડિગ છે. આ ઉપરાંત કેટલાંક કિસ્સામાં સુપ્રીમ કોર્ટના સુધ્ધાની ગાઇડલાઇનને માનવામાં નથી આવતી. જેમ કે ન્યાયાલયનો ટકરાવ વહિવટીતંત્ર અને પ્રજાના પ્રતિનિધિઓ સાથે થતો રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વાતાવરણમાં પ્રસરતાં પ્રદૂષણને લઈને દિવાળી પર ફટાકડાના વેચાણ પર સ્પષ્ટ ગાઇડલાઈન જાહેર કરવામાં આવી હતી. પરંતુ ન તો તે સુપ્રીમના ગાઇડલાઇન મુજબ વેચાણ થયું, ન તેના આધારે કોઈ સમયમર્યાદા નિર્ધારીત કરવામાં આવી.
સુપ્રીમ અને નીચલી કોર્ટની આ વાતો ટાંકવાનો મુદ્દો એટલો છે કે ન્યાયાલયમાં મુદ્દે એવું કહેવાય છે કે આ ક્ષેત્રમાં દેર છે પણ અંધેર નથી. પરંતુ અમૃતકાળના આ વર્ષમાં જેમ દરેક ક્ષેત્રનું મૂલ્યાંકન થઈ રહ્યું છે અને તેમ ન્યાયાલયોની કેટલીક ખામી સુપ્રીમ કોર્ટ સુધ્ધાએ જોઈ છે; તેમ લોકોએ પણ તે ક્ષેત્ર તરફ ધ્યાન રાખવું રહ્યું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








