નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: રાજ્યમાં દારૂબંધી(Liquor Ban) હોવા છતાં ગેરકાયદેસર દારૂનો વેપાર વિકસી રહ્યો છે. પોલીસ પકડથી બચી રાજ્યમાં દારૂ ઘુસાડવા(smuggling liquor) માટે બુટલેગરો અવનવા ભેજા લગાવતા હોય છે. ત્યારે આવા જ ભેજાબાજ બુટલેગરને ગીર સોમનાથ(Gir Somnath) જિલ્લાના વેરાવળમાંથી પોલીસે એક કારમાં છુપાવેલો 83 બોટલ અંગ્રેજી શરાબ સાથે ઝડપી પાડ્યા છે.
ગુજરાતના પડોશી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી રાજ્યમાં દારૂ ઘુસાડવા બુટલેગરો વિવિધ કિમિયા અજમાવતા હોય છે. એવો જ એક કિમિયો કરી બુટલેગર ગુજરાતમાં દીવથી દારૂ ઘુસાડવા નીકળો હતો. પરંતુ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડ પાસેથી પોલીસે તેને ઝડપી લીધો હતો. ગીર સોમનાથ LCBની ટીમે બાતમીના આધારે કાજલી માર્કેટીંગ યાર્ડ પાસે હિરણ નદીના પુલ પરથી પસાર થતી ફોક્સવેગન વેન્ટો કારને થોભાવી હતી. પોલીસે કાર થોભાવી તલાસી લેતા પ્રથમ દૃષ્ટીએ તો કાર આખી ખાલી જોવા મળી હતી. પરંતુ પાક્કી બાતમીના કારણે પોલીસે વધુ તપાસ કરતા ભેજાબાજ બુટલેગરના કિમિયાનો પર્દાફાશ થયો હતો.
પોલીસે કારમાં દારૂ છુપાવેલો હોવાની બાતમી હોય ઝીણવટ પૂર્વક તલાસી લેતા બુટલેગરનો ભાંડો ફૂટી ગયો હતો. બુટલેગરની કારમાં પોલીસે પાછળની સીટ અને પાછળના બમ્પર ખોલી તપાસ કરતા ધડાધડ દારૂની બોટલ સામે આવવા લાગી હતી. પોલીસે એક બાદ એક કુલ 83 બોટલ દારૂ શોધી કુલ રૂપિયા 1 લાખ 88 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે પ્રોહિબિશન એક્ટની જોગવાઈ હેઠળ ગુનો નોંધી આરોપી વિવેક દેવજીભાઈ જુંગી, રહે. પોરબંદર અને યાજ્ઞિક ભીમાભાઈ બાંભણિયા રહે. ઉનાની ધરપકડ કરી હોવાના અહેવાલ છે.
(માહિતી: ધર્મેશ જેઠવા. ગીર સોમનાથ)
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796