કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): માનવજાત માટે સૌથી અગત્યની બાબત સુખાકારી છે. તે આનંદીત હશે, ખુશ હશે તો તેના સુખાકારીનો આંક ઉપર રહેશે. સુખાકારી કહો કે ખુશીનો એક રિપોર્ટ દર વર્ષે જાહેર થાય છે; તેમ આ વર્ષે પણ ‘વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ-2025’ પ્રકાશિત થયો છે. સુખાકારી માટે માણસ પોતે કેટકેટલું કરે છે. તેનો રોજબરોજના પ્રયાસમાં તે આ સુખાકારી માટે જ મથતો હોય છે. પરંતુ સમાજમાં રહેતા માણસની સુખાકારી કે આનંદ માત્ર તેના પર નિર્ભર નથી. અનેક એવી બાબત છે જે તેને અસર કરે છે. એ સ્વાભાવિક છે કે હાલમાં યુક્રેન કે ગાઝાપટ્ટીમાં નિવાસ કરનારાઓ પાસે સંપત્તિ-સ્વાસ્થ્ય બધું જ હોવા છતાં પણ અહીંના રહીશો એક અજંપામાં જીવી રહ્યા છે. અસામાન્ય સ્થિતિમાં હેપિનેસનો આંક ઘટવો સામાન્ય બાબત છે. દર વર્ષે ‘વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ’થી એટલો ખ્યાલ આવી શકે કે આપણે જે માર્ગે જઈ રહ્યા છે – તે કેટલો યોગ્ય છે અને તેનાથી ખરેખર સુખાકારી આવશે કે નહીં?

હાલમાં આવેલા હેપિનેસ રિપોર્ટમાં આશ્ચર્યની બાબત એ છે કે આ વર્ષે પણ ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. છેલ્લા આઠ વર્ષથી હેપિનેસ રિપોર્ટમાં ફિનલેન્ડ નંબર વનનું સ્થાન ટકાવી રાખ્યું છે. સતત આઠ વર્ષથી આ સ્થાને ટકાવી રાખવા માટે ફિનલેન્ડમાં એ તમામ સંતુલન જોઈ શકાય છે – જે એક માણસને જીવવા માટે આદર્શ માહોલ પૂરો પાડે. આ રિપોર્ટમાં દેશના લોકોને આનંદિત હોવાના સ્થાન નક્કી કરવા માટે બેશક આર્થિક સ્થિતિનું મહત્ત્વ તો છે જ; પણ તેની સાથે સામાજિક સુરક્ષા કવચ, જીવન જીવવાની આઝાદી, સ્વસ્થ જીવન જીવવા માટેનો અવકાશ, ભ્રષ્ટાચાર પ્રત્યેનું વલણ અને સરેરાશ લોકોની ઉદારતાને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ દેશોમાં મહદંશે યુરોપના દેશો છે. ઇઝારાયલ છે અને મેક્સિકો પણ છે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા કે ન્યૂઝિલેન્ડ ટોપ ટેન દેશોમાં સ્થાન ધરાવતા નથી. આપણો દેશ કુલ 147માંથી 118માં ક્રમે આવે છે અને આશ્ચર્ય એ છે કે તેમાં નેપાળ, બાંગ્લાદેશ અને ચીન આ યાદીમાં આપણા કરતા વધુ આગળ છે. જ્યાં દાયકાઓથી સરમુખત્યારશાહી છે તે ચીન આપણા કરતા આગળ છે અને જ્યાં રાજકીય સ્થિરતા નથી તે બાંગ્લાદેશ પણ ભારત કરતાં આગળના ક્રમે છે.

સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે આ રિપોર્ટ તૈયાર કરનાર છે કોણ? આ રિપોર્ટ વિશ્વની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા ‘યુનિવર્સિટી ઑફ ઑક્સફર્ડ’ના વેલબિઇંગ રિસર્ચ સેન્ટર દ્વારા તૈયાર થાય છે. ઉપરાંત તેની સાથે સંયુક્ત રાષ્ટ્રનું ‘સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક’ પણ જોડાયેલું છે. આ સાથે એક અનુભવી એડિટોરિયલ બોર્ડ પણ છે – એટલે પ્રતિષ્ઠિત સંસ્થા અને વ્યક્તિઓ આ સાથે જોડાયેલા છે. અત્યાર સુધી તેમના અભ્યાસ તટસ્થ દર્શાતો રહ્યો છે – તેથી પણ ‘વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ’ પર ધ્યાન આપવું જોઈએ. 2012થી નિયમિત રીતે આ રિપોર્ટ પ્રકાશિત થયા છે અને વિશ્વના તમામ દેશો તેના પર ધ્યાન રાખે છે. આ રિપોર્ટમાં કેટકેટલી સૂક્ષ્મ બાબતો ટાંકવામાં આવે છે તે તેના રિપોર્ટમાંથી પસાર થઈએ ત્યારે જાણવા મળે. આ અભ્યાસમાં એવું તારણ આપવામાં આવ્યું છે કે જે પરિવારમાં ચાર વ્યક્તિ છે – તે પરિવાર પ્રમાણમાં વધુ આનંદિત રહી શકે છે. બીજું કે ખુશ રહેવા સૌથી પાયાની બાબત દર્શાવવામાં આવી છે તે પરિવાર સાથેના સંબંધો છે. બીજું કે જેઓ પોતાની દુનિયા બનાવીને રહેતા હોય અને એકલાઅટૂલાં હોય તો તેઓ પ્રમાણમાં વધુ ખુશ નથી રહી શકતા. ખૂબ મોટાં પરિવારમાં પણ હેપિનેસનો ઇન્ડેક્સ ઘટતો જોવા મળે છે. રિપોર્ટમાં ઠોસ રીતે એક વાત કહેવામાં આવી છે કે આનંદ સમૂહમાં બેવડાય છે.

હેપિનેસ રિપોર્ટમાં અમેરિકાનો ક્રમ પાછળ ગયો છે અને તે સંબંધિત કેટલીક વિગતો રિપોર્ટમાં ટાંકવામાં આવી છે. જેમ કે, અમેરિકામાં સામાજિક ભરોસાનું વાતાવરણ હતું – તે અગાઉ જેવું રહ્યું નથી. બોબ પુટનેમ નામના લેખકની ‘બોવલિંગ અલોન’ નામના પુસ્તકનો ઉલ્લેખ કરીને અહીં એ લખવામાં આવ્યું છે કે, અમેરિકામાં એકલા જમનારાઓની સંખ્યા ઘણી વધી છે. રાજકીય વ્યવસ્થા પણ તમારા આનંદ-ખુશીનું પ્રતિબિંબ છે. જેમ કે, જમણેરી અને ડાબેરી વિચારધારા ધરાવતા રાજકીય પક્ષો તરફ લોકોનું વલણ સકારાત્મક નથી રહેતું, જેટલું કેન્દ્ર-જમણેરી[સેન્ટર-રાઇટ] અને કેન્દ્ર-ડાબેરી[સેન્ટર-લેફ્ટ] તરફ હોય છે. બીજું કે અમેરિકાના સમાજમાં વિશ્વાસનો ગ્રાફ જે રીતે નીચે આવ્યો છે તેમ નિરાશાના કારણ વધ્યા છે અને પરિણામે વધુ લોકો લોકપ્રિય જમણેરી વિચારધારા ધરાવનારા રાજકીય પક્ષ તરફ વધ્યા છે- એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ તરફી.

આપણા દેશની વાત કરીએ તો કોમ્યુનિટી ફોક્સ્ડ કલ્ચર આપણે ત્યાં વિકસ્યું છે અને જેના કારણે દેશમાં મોટાં પરિવારોની સાથે રહેવાનું વધારે બને છે. આ બાબતે ભારતનો આંક સારો દર્શાવાય છે. પણ આપણી મસમોટી મર્યાદા આઝાદીના માનદંડને લઈને છે. આપણા દેશનો જેમ ક્રમ હેપિનેસ ઇન્ડેક્સમાં પાછળ આવે છે, તેમ પ્રમાણમાં જાપાન વિકસિત હોવા છતાં જાપાનનો ક્રમ 55મો આવે છે. આમ તો તેના અનેક કારણો છે – પરંતુ કેટલાંક જવાબો જાપાનીઝ તરફથી મળ્યાં તેમાં એક એવો છે કે જાપાનમાં તમે સારું એવું કમાતા હોવ, બચત કરતા હોવ તેમ છતાં ટોક્યો જેવા શહેરમાં ઘર ખરીદવું તે સરેરાશ જાપાનીઝ માટે ખૂબ મુશ્કેલ છે. બીજું કે જાપાનમાં વૃદ્ધ થયા પછી તમારા પેન્શનના જોરે ઓલ્ડએજ હોમમાં રહી શકતા નથી. અને તેથી જ જાપાનમાં આત્મહત્યાનો દર ખાસ્સો વધુ છે. ‘સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ’માં તો એવું લખવામાં આવ્યું છે કે, ‘જાપાન દેશ તરીકે એ રીતે નિર્માણ પામ્યો છે જ્યાં વ્યક્તિ ખુશ ન રહી શકે.’ જાપાન દુનિયાની સૌથી મોટાં અર્થતંત્ર ધરાવનારો દેશ છે. સરેરાશ આવક પણ જાપાનની અન્ય દેશોની સરખામણીએ વધુ છે. પરંતુ જ્યારે હેપિનેસની વાત આવે છે ત્યારે જાપાન પર અનેક સવાલો દેખાય છે. જાપાનના કિસ્સામાં સંપત્તિથી ખુશી નથી આવી – જે યુરોપમાં થયું છે.

આનંદ માટે સૌથી અગત્યની બાબત આ રિપોર્ટમાં સોશિયલ કનેક્શન દાખવવામાં આવ્યું છે. તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે અને સમાજમાં પ્રગતિના અવસર વધુ આવે છે. તમારી આસપાસ પણ નજર કરશો તો જેઓ સોશિયલી કનેક્ટેટેડ રહે છે – તેઓ વધુ આનંદી, વધુ સંતોષી અને ઓછા તણાવમાં જીવતા હશે. આ પ્રકારના વ્યક્તિ તેમનાં પ્રોફેશનમાં પણ વધુ સારો દેખાવ કરે છે. તેઓ વધુ સર્જનાત્મક હોય છે. તેઓ અન્ય લોકો પર વધારે વિશ્વાસ મૂકી શકે છે અને લોકો પણ તેમના પર વધુ વિશ્વાસ મૂકે છે. આમ તો આ બધા શાશ્વત સત્યો હેપિનેસ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યા છે. માત્ર તેમાં વર્તમાન સમયના થોડા દાખલા મૂકવામાં આવ્યા છે.
આવું એક ઉદાહરણ સાથે જમવાને લઈને છે. જ્યાં પરિવાર સાથે કે અન્ય લોકો સાથે જમવાનો કન્સેપ્ટ વિકસ્યો છે ત્યાં આનંદ વધુ ટકે છે. આ બાબતે હેપિનેસ રિપોર્ટમાં વિસ્તૃત નોંધ કરવામાં આવી છે. આપણા દેશના લોકોને ભલે એવું લાગતું હોય કે આપણે સાથે જમવાને પ્રાધાન્ય આપીએ છીએ, પરંતુ ભારતનો વિશ્વમાં આ ક્રમ 132મો છે, કારણ કે સરેરાશ ભારતીય એક અઠવાડિયામાં માત્ર ચાર વખત સમૂહ-પરિવારમાં ભોજન કરવા બેસે છે. સાથે જમવા ન બેસનારા દેશોમાં જાપાન, કોરિયા અને મોન્ગોલિયા પણ છે. આશ્ચર્ય થાય પણ અમેરિકા અને યુરોપના દેશોમાં સાથે જમવાનો કન્સેપ્ટ ખૂબ વિકસ્યો છે. અમેરિકાનો આ વર્ષે હેપિનેસ ઇન્ડેક્સમાં સ્થાન ગબડ્યું તેનું એક કારણે સાથે લંચ-ડિનર ન લેવાની ફ્રિક્વન્સી વધી તે છે.
આ અભ્યાસમાં આપણા દેશની એક અન્ય મર્યાદા આર્થિક અસમાનતા છે, જેના કારણે પણ હેપિનેસ ઇન્ડેક્સમાં આપણો ક્રમ ગગડ્યો છે. દેશ-સમાજમાં વધતી આર્થિક અસમાનતા હાંસિયામાં રહી ગયેલા સમૂહમાં રોષ પ્રગટાવે છે, જે આપણે ત્યાં થયું છે. ‘વર્લ્ડ હેપિનેસ રિપોર્ટ-2025’માં અનેક વિગત આવી રીતે ટાંકી શકાય. વાચકો જાતે પણ આ રિપોર્ટ વિનામૂલ્યે તેની જ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકે છે.