કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): વેપાર માટે જેમ વિદેશી કંપનીઓ માટે ભારતે દ્વારા ખુલ્લાં મૂક્યા છે તેમ હવે વિશ્વની શૈક્ષણિક સંસ્થાઓ પણ ભારતમાં આવીને પોતાનું કેમ્પસ નિર્માણ કરી શકશે. ‘નેશનલ એજ્યુકેશન પોલીસી 2020’ અંતર્ગત ફાઈનલી યુનાઇટેડ ગ્રાન્ટ કમિશને હાલમાં ‘કૅમ્પસ ઑફ ફોરેન હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા’ ડ્રાફ્ટ જાહેર કર્યો છે. બે દાયકાથી આ બિલ આગળ વધતું નહોતું. સૌપ્રથમ 1995માં આ પ્રકારનું બિલ લાવવામાં આવ્યું હતું અને તે પછી 2005માં; પણ ત્યારે તેનો અમલ થાય ત્યાં સુધી તે ન પહોંચ્યું. આ વખતે આ બિલને મંજૂરી મળી છે અને ટૂંક સમયમાં વિશ્વની ખ્યાતનામ યુનિવર્સિટીઓ કૅમ્પસ દેશમાં નજરે પડશે તેવું સરકારનું માનવું છે. પણ શું ખરેખર વિદેશની યુનિવર્સિટીઓ ભારતમાં કૅમ્પસમાં નિર્માણ કરશે? તે યુનિવર્સિટી કેવાં મૉડલ પર ચાલશે? ફી સ્ટ્રક્ચર અને માળખાગત સુવિધાને લઈને તેમાં કેવી રીતે નિર્ણય લેવાશે? આવાં અનેક પ્રશ્નો આ વિશે થશે. પરંતુ કેન્દ્ર સરકારે આ બાબતે ઉદારતા દાખવીને નિર્ણય લીધો છે તેવું ડ્રાફ્ટ જોઈને કહી શકાય.
દેશમાં એક જ ક્ષેત્રમાં વિપરીત સ્થિતિ જોવાનો સિલસિલો હજુ સુધી થંભ્યો નથી. એક તરફ આપણે ત્યાં શાળા સ્તરે સ્થિતિ દયનીય છે અને બીજી તરફ વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ માટે મેદાન ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. બેશક, છેલ્લા પાંચ દાયકામાં શૈક્ષણિક ક્ષેત્રે આપણી પ્રગતિ નોંધનીય છે, પરંતુ બીજી તરફ સમાજનો બહોળો વર્ગ તે પ્રગતિથી હજુય વંચિત છે. આ વિશે ‘એન્યૂઅલ સ્ટેટ્સ ઑફ એજ્યુકેશન રિપોર્ટ’નામની સંસ્થા દર વર્ષે અભ્યાસ કરે છે અને રિપોર્ટ પ્રકાશિત કરે છે. આ રિપોર્ટમાં દેશમાં શાળાના શિક્ષણની મસમોટી મર્યાદા જોવા મળે છે. તેમાં શિક્ષકોની અક્ષમતા, વર્ગખંડોની સ્થિતિ અને સાથે સાથે વિદ્યાર્થીઓની પણ મર્યાદા પુરાવા સાથે મૂકવામાં આવ્યા છે. રવિશ કુમારે ‘એનડીટીવી’ પર દેશનાં શિક્ષણ જગત વિશે સિરીઝ કરી હતી તેમાં પણ એવું જોવા મળ્યું હતું કે કૉલેજ- યુનિવર્સિટીઓની સ્થિતિ બદ્તર છે. શિક્ષણજગતમાં સ્પર્ધાના નામે જે ચાલી રહ્યું છે તેમાં ગત્ મહિને રાજસ્થાનના કોટા શહેરમાં એક દિવસમાં ત્રણ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું! આવા અસંખ્ય મુદ્દાઓ છે. એમાં બેમત નથી કે વિદેશનું શિક્ષણ ભારતીય વિદ્યાર્થીઓને સરળતાથી ઉપલબ્ધ થવું જોઈએ. જેઓ તે લેવા ઇચ્છુક છે અને પાત્રતા ધરાવે છે તેમને તે મળવું જોઈએ; પણ તે પહેલાં દેશના જે વિદ્યાર્થીઓને પાયાની સગવડ સુધ્ધા નથી મળતી તેઓને તે મળવી જોઈએ.
જાણે એ ટ્રેન્ડ બની ગયો છે કે સમાજના મોટા તબકાની અવગણના કરીને પ્રગતિ થઈ શકતી હોય તો કરવાની અને પછી તેમાં ભલે જૂજ લોકોને અવસર મળતા હોય. ‘કૅમ્પસ ઑફ ફોરેન હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઇન ઇન્ડિયા’ના વિચારનો અમલ એવો ન થવો જોઈએ. પણ અત્યારે તો ડ્રાફ્ટ જોઈને એવું લાગે છે કે આ યુનિવર્સિટીઓના કૅમ્પસમાં શિક્ષણ લેવું સરેરાશ ભારતીય વિદ્યાર્થીઓ માટે સસ્તુ નહીં હોય. કારણ કે તેમાં ફીને અંગે સરકારે બધી સત્તા આવનારી યુનિવર્સિટીને આપી દીધી છે. હા, તે ફી ‘પારદર્શી અને વાજબી’ હોય તેવો ઉલ્લેખ જરૂર કર્યો છે, પણ તે ઉલ્લેખ દ્વારા ફીનું નિયમન કરી શકાય તેવું સાબિત થતું નથી. એ પ્રમાણે એડમિશનની પ્રક્રિયા પણ સ્વતંત્ર રીતે વિદેશી યુનિવર્સિટી દ્વારા જ નિર્ધારીત થશે. આ કિસ્સામાં કયા બાળકોને લાભ થશે તેના પર પ્રશ્નાર્થ છે.
આ ડ્રાફ્ટમાં એક નિર્ણય યોગ્ય જણાય છે તે ફેકલ્ટી અંગેનો છે. ફેકલ્ટીને યુનિવર્સિટી પસંદ કરી સકશે. હા, તેમાં સ્થાનિક યોગ્યતાના માપદંડ લાગુ રહેશે તેમ જણાવ્યું છે છતાં ફેકલ્ટીને પસંદગી મામલે યુનિવર્સિટી સ્વતંત્ર હશે. જોકે આ કિસ્સામાં કેટલી પણ સ્વતંત્રતા હોય તેમ છતાં જ્યારે શાસનમાં રહેલી સરકારને કોઈ ફેકલ્ટી પ્રત્યે પૂર્વગ્રહ હોય તો તેને નિયમથી નહીં પરંતુ બહારના વિરોધથી પણ કૅમ્પસમાં આવતાં રોકવાની ઘટના આપણે ત્યાં બની છે. 2019માં જાણીતા લેખક-ઇતિહાસકાર રામચંદ્ર ગુહા અમદાવાદ યુનિવર્સિટી સાથે જોડાવાના હતા. પરંતુ ‘એપીવીપી’ અને ‘આરઆરએસ’ દ્વારા રામચંદ્ર ગુહાના એપોઇમેન્ટ અંગે જોરશોરથી વિરોધ થયા બાદ ખુદ રામચંદ્ર ગુહાએ પોતાનું નામ પાછું ખેંચ્યું હતું. અમદાવાદ યુનિવર્સિટી દેશની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં સ્થાન પામે છે અને તેમ છતાં જ્યારે ત્યાં આ રીતે કોઈ ફેકલ્ટીનો વિરોધ થાય છે તો તેમાં સરકારે સુરક્ષાની કોઈ બાંયધરી આપવાની વાત નહોતી કરી, ન તો તે અંગે કોઈ અફસોસ વ્યક્ત કર્યો.
ડ્રાફ્ટમાં વિદેશી યુનિવર્સિટીની યોગ્યતા વિશે પણ માપદંડ નક્કી કરવામાં આવ્યો છે, જેનાથી કોઈ પણ યુનિવર્સિટી અહીં ન આવી શકે. પ્રાથમિક ધોરણે વિશ્વની જે-તે ક્ષેત્રની શ્રેષ્ઠ પાંચસો યુનિવર્સિટી કે સંસ્થાને તેમાં પ્રધાન્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. મતલબ કે હાવર્ડ, યેલ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી ઇચ્છે તો ઝડપથી તેઓ પોતાનું કૅમ્પસ દેશમાં નિર્માણ કરી શકે.
સરકારના દાવા અને કેટલાંક ન્યૂઝમાં આ બિલ વિશેનું જે ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે તે અંગે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના જાણીતા કોલમિસ્ટ પ્રતાપ ભાનુ મહેતાએ કેટલાંક પાયાના પ્રશ્નો ઉપાડ્યા છે. તેમના મતે જેમ કે વિશ્વની ટોપ યુનિવર્સિટીઓ જેમ કે પ્રિન્સ્ટોન, સ્ટેનફોર્ડ, યેલ ભારતમાં કૅમ્પસમાં નિર્માણ કરવાનું કેમ વિચારે. આ યુનિવર્સિટીઓએ વિશ્વમાં ક્યાંય પણ પોતાની બ્રાન્ચ ઊભી નથી કરી તો તેઓ ભારતમાં કેમ કરે? તે સિવાય આ યુનિવર્સિટીઓની માળખીય સુવિધા માટે અને અન્ય બાબતો માટેના ખર્ચનો પણ પ્રશ્ન પ્રતાપ ભાનુએ ઊભો કર્યો છે. તેમના મતે આ યુનિવર્સિટીઓમાં સામાન્ય રીતે થતો જંગી ખર્ચ તેમની સરકાર પૂરી પાડે છે અને જ્યારે બીજા દેશમાં તેની શાખા લઈ જવાની વાત આવે ત્યારે તેનું આયોજન કેવી રીતે થાય તેની કોઈ સ્પષ્ટતા નથી. તે સિવાય તેમણે ફેકલ્ટી અંગે એવો સવાલ ઊભો કર્યો છે કે વિદેશની ફેકલ્ટી કે અન્ય સ્ટાફને અહીંયા એટલું વળતર આપવું અશક્ય છે કે તેઓ ભારતમાં રહીને તેમની જીવનશૈલી મુજબ જીવી શકે.
એક પ્રશ્ન એ પણ છે કે દેશમાં વર્લ્ડ ક્લાસ કહી શકાય એવી જૂજ શૈક્ષણિક સંસ્થાઓ ઉદ્યોગસાહસિકો દ્વારા નિર્માણ પામી છે. બીજું કે વર્લ્ડ ક્લાસ હોવા છતાં તેમાં નફા આધારીત કશુંય હોતું નથી. ઉપરાંત તેનું પરિણામ દેખાય તે માટે બે-ચાર વર્ષનો ગાળોય નાનો પડે, આ સ્થિતિમાં કોઈ બહારની યુનિવર્સિટી આવીને ભારતમાં ઇન્વેસ્ટ કરે એ શક્યતા જોજની દૂર લાગે છે. જોકે યુજીસીના ચેરપર્સન એમ. જગદેશ કુમાર આ બિલને આશાસ્પદ રીતે જુએ છે અને તે અંગે કેટલાંક યુરોપની યુનિવર્સિટીઓના દાખલાય ટાંકે છે, જેઓ ભારતમાં કેમ્પસ નિર્માણ માટે આતુર છે. તેઓ એ શક્યતા પણ ઊજળી રીતે જુએ છે કે વિદેશનું શિક્ષણ મેળવવા અર્થે હંમેશા ભારતીય વિદ્યાર્થીઓને મસમોટી રકમ ખર્ચવાની થાય છે. જો ઘરઆંગણે આ એજ્યુકેશન મળી રહેશે તો કમસે કમ તેમનો રહેવાનો-આહારનો ખર્ચ ઘટશે અને આ શિક્ષણ તેમના માટે કિફાયતી થશે. તેઓએ આ અંગે તેઓએ આંકડા ટાંકતાં કહ્યું કે, 2022માં 4.5 લાખ વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા અર્થે ગયા છે અને તેનાથી દેશની અંદાજે 30 બિલિયન ડૉલર જેટલું નાણું બહાર ઠલવાયું છે. તે પણ ભવિષ્યમાં અટકશે અને સાથે સાથે વિદ્યાર્થીઓની હાલાકી પણ. લાંબા ગાળે જ્યારે આ નિર્ણયોના પરિણામો આવશે ત્યારે આવશે પણ અત્યારે તેને લઈને હરખવાની જરૂર નથી. હા, તેને આવકાર આપીને તેનો અમલ કેવી રીતે થાય તે જોવું રહ્યું.