તુષાર બસિયા (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): એક વિખ્યાત ગુજરાતી અખબારમાં 29 માર્ચના એક જાહેરાત પ્રસિધ્ધ થયેલી જે ક્રિકેટ રમતના સટ્ટાની હોવાની માહિતી મળતા નવજીવન ન્યૂઝ એ તેને 31 માર્ચના રોજ આ સત્ય ઉજાગર કર્યું હતું. એટલું જ નહીં પણ પોલીસનું લગભગ અડધાથી વધુ કામ પત્રકારે કરી આ જાહેરાતનું ઈન્વેસ્ટીગેશન કરવા પોતાના સુત્રોને કામ લગાડ્યા હતા. જેમાં ખુલવા પામ્યું કે આ તો ક્રિકેટ સહિતના જુગારની વેબસાઈટ્સના સમુહ છે. આ અહેવાલ બાદ પણ પોલીસ કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરી હોવાનું ધ્યાને નહીં આવતા નવજીવન દ્વારા વધારે ઈન્વેસ્ટીગેશન કરતા ચોંકાવારી માહિતી સામે આવી રહી છે.
આ જાહેરાતમાં જે વોટ્સએપ નંબર આપવામાં આવ્યા છે તેના દ્વારા, laserbook247.com , betbook247.com , Tigerexch247.com , cricketbet9.com , jack9.io આમ 5 વેબસાઈટ પર રમવાની વાત કરાઈ છે. જેમાં અંદર જુગારની રમતો અને ક્રિકેટનો સટ્ટો રમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે. અને આ જુગાર ધામના સંચાલકોનો વટ પણ અનોખો હોય તેમ જુગાર રમવા અને જીતેલી રકમની આપ લે માટે પણ તેઓ બેંક અને ગુગલ પે, ફોન પે, પે ટીએમ અને યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરે છે. માટે સરકાર અને પોલીસ તંત્રને બુકીઓ દ્વારા ફેંકાયેલો પડકાર ગુજરાતના પત્રકારો માટે પણ પડકાર કહેવાય તે સ્વાભાવિક છે.
પરિણામે તંત્રની ઉંઘ ઉડાડવા આ મામલે નવજીવને પોતાના સુત્રો અને ઈન્વેસ્ટીગેટર્સને મારફતે આગળ વધારવાની ફરજ પડી છે. આ આખું જુગારનું સામ્રાજ્ય પત્તાના મહેલની મારફત પડી શકે તેવી શક્તિ ગુજરાત પોલીસ પાસે છે તેમાં કોઈ બે મત નથી. પરંતુ આવું કેમ નથી થતું તે સવાલ સૌથી મોટો છે.
કેટલાક સુત્રો પાસેથી માહિતી મેળવતા અને કેટલીક વિવિધ શહેરોની પોલીસ દ્વારા જુગાર રમતા રમાડતા આરોપીઓ પર થયેલી એફ.આર.આઈ. પરથી ખ્યાલ પડે છે કે, પોલીસ મોબાઈલમાં એપ્લિકેશન, વેબસાઈટ, આઈડી જેવા ઓનલાઈન પ્રકારના માધ્યમો પર જુગાર રમતા કેસમાં મોટેભાગે જુગાર ધારાની કલમ 3, 4 અને 12 લગાવી મેટર પુરી કરી દેતી હોય છે. પરંતુ કેટલાક વકિલો અને સરકારી સુત્રો પાસેથી ચર્ચાનો નિષ્કર્ષ મળે છે કે ખરેખર પોલીસ તેના મુખ્ય માથા સુધી પહોંચવા પ્રયાસ કરે અને આઈટી એક્ટ લગાવવો જોઈએ.
આ મામલે ગુજરાત હાઈકોર્ટના ખ્યાતનામ વકિલ આનંદ યાજ્ઞિક સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જુગાર પ્રતિબંધિત છે માટે તે રમવું/રમાડવું કે તેની પ્રેરણા આપવી તે પણ ગુનો છે. ઉપરાંત ઓનલાઈન જુગારની બાબતે તેમણે જણાવ્યું કે, આ બાબત ટેકનિકલ છે માટે પોલીસ જ્યારે રમતા આરોપીને પકડે છે ત્યારે જુગાર ધારાની કલમો લગાવે છે પરંતુ આઈ.ટી. એક્ટને પણ સામેલ કરી ઉંડી તપાસ થવી જોઈએ. સાથે જ જુગાર કાયદો અને વ્યવસ્થાનો ભાગ હોય તે જવાબદારી રાજ્ય સરકારની બને છે કે તેના પર કેવી રીતે પગલા લેવા અને તેને અટકાવવો.
આ મામલાની ગંભીરતા સમજાવતા અમદાવાદના વકિલ ઉવેશ મલિક જણાવે છે કે, રાજ્યમાં જો પોલીસ જુગાર અને ઓનલાઈન જુગાર અટકાવવા ઈચ્છે તો તેના માટે તેઓ એ આ વેબસાઈટ્સ ચલાવનારા મુખ્ય લોકો સુધી પહોંચવું પડે. વળી ઓનલાઈન જુગારના નાણાના સોર્સ પણ સમજવા જોઈએ, આ આતંકીઓ કે દેશ વિરોધી તત્વો સુધી તો નથી પહોંચતા ને ! માટે ઓનલાઈન જુગારની ફરિયાદોમાં પોલીસે આવા પાસાઓ બાબતે પણ તપાસ કરવી જોઈએ. જરૂર પડ્યે NIA જેવી એજન્સીઓએ પણ આવા કિસ્સામાં તપાસો આદરી ઓનલાઈન જુગાર રમાડતા મોટા માથાઓને ઝડપવા જોઈએ.
વળી વકિલ ઉવેશ મલિક સાથેની ચર્ચાનું પરિણામ મળે કે આ કોઈ સામાન્ય ગુનો નથી કારણ કે તેની નાણાકીય લેવડદેવડ મહત્વની બાબત કહેવાય. ખરેખર આ નાણાનો સ્ત્રોત અને તે ક્યાં સુધી જાય તેની તપાસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવી જોઈએ. આ રકમ દેશ વિરોધી તત્વોના હાથે પણ જતી હોય તો કોને ખબર છે?
ગુજરાતમાં જુગાર કે ગેમ્બલિંગ પ્રતિબંધીત એટલે કે કાયદેસરનો ગુનો છે. પરંતુ હવે જુગાર રમતા અને રમાડતા ગુનેગારો ડિજિટલ બની ગયા છે. જેમ ઓનલાઈન ફ્રોડ થાય તેમ હવે જુગાર પણ ઓનલાઈન રમી શકાય છે. પરંતુ આ મામલે પોલીસ અને રાજ્ય સરકાર જાણે નીરસ હોય તેમ જણાય છે. જેના પરીણામે હવે બુકીઓ એટલે કે જુગાર રમાડતા લોકો સરકારને જાણે ચેલેન્જ આપતા હોય તેમ અખબારમાં જાહેરાત આપતા થયા છે. પ્રથમ અહેવાલના ખુલાસા બાદ નવજીવન ન્યુઝ એ આ બીજો અહેવાલ રજૂ કરી તંત્રને જગાડવા પ્રયાસ કર્યો છે.
રાજ્યમાં પોલીસ પર જુગારના આરોપીઓ પાસેથી તોડ કરી ભીનું સંકેલવાના આક્ષેપો લાગતા રહ્યાં છે. ત્યારે ક્રિકેટના કે અન્ય જુગાર રમતા આરોપીઓ ઝડપાય ત્યારે જે તે વેબસાઈટનો માલિક ઝડપાય તેવું બનતું જોવા મળતું નથી. આમ પોલીસની ભૂમિકા પર પ્રજા સવાલ કરે તે વ્યાજબી જણાય છે. જો ખરેખર પોલીસ તેના માલિક સુધી પહોંચવા ધારે અને ન પહોંચી શકે એટલી નબળી પોલીસ ગુજરાત રાજ્યની તો નથી જ તે વાત સ્વિકાર કરવી પડે. છતાં પણ આવું કેમ થાય એ તો માત્ર સરકાર અને પોલીસ જ જાણતી હોવી જોઈએ.
આ અહેવાલ પરથી પેદા થતા સળગતા સવાલ
ગુજરાતના અખબારમાં જાહેરાત આપતા ઓનલાઈન જુગારધામના સંચાલકો કોણ ?
શું આ કાળી કમાણી આતંકી સુધી ન પહોંચતી હોય તેની ગેરંટી છે ?
શું રાજ્ય સરકાર અને સુરક્ષા વિભાગ સહિતની એજન્સીઓને બુકીઓ પડકારી રહ્યા છે ?
શું ગુજરાતમાં ઓનલાઈન જુગાર રમતા અને રમાડતા આરોપી પર IT ACT ના લાગુ પાડી શકાય ?
શા માટે આ મામલે પોલીસ ડમી ગ્રાહક મોકલી ખાત્રી કે તપાસ નથી કરતી ?
ઓનલાઈન બુકી કે જુગાર સંચાલકો સુધી પહોંચવામાં સરકાર કે પોલીસને કેમ રસ નથી ?
શું ઓનલાઈન જુગાર એ ભ્રષ્ટાચારનો નવો દ્વાર ખોલી આપ્યો છે ?
પર્યાપ્ત કાયદા અને ટેકનોલોજીનો ઉપયોગ આ બુકીઓને ઝડપી પાડવા કેમ નહીં ?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











