કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દિવસના કેટલાં કામ કરવું જોઈએ તે વિશેની ચર્ચા ઇન્ફોસિસના પૂર્વ સ્થાપક નારાયણમૂર્તિના નિવેદનના કારણે જોરશોરથી થઈ રહી છે. નારાયણમૂર્તિએ એક નિવેદનમાં કહ્યું કે ‘એક અઠવાડિયામાં 70 કલાક કામ’ કરવું જોઈએ. નારાયણમૂર્તિએ આ વાત તેમના અનુભવે કરી. પરંતુ આ અનુભવ સર્વત્ર અને સૌ પર લાગુ કરી શકાય કે નહીં તેને લઈને સૌ પોતપોતાનો મત દર્શાવવા માંડ્યા. નારાયણમૂર્તિએ જ્યારે ‘એક અઠવાડિયામાં 70 કલાક કામ’ની વાત એક પોડકાસ્ટ દરમિયાન કરી ત્યારે તેમણે સાથે એમ પણ કહ્યું કે, દેશના વિકાસને ગતિ મળે તે માટે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ માટે તૈયાર રહેવું જોઈએ. દેશની કાર્યની ઉત્પાદન ક્ષમતા વિશ્વમાં સૌથી ઓછી છે. જો આપણે તેને સુધારીશું નહીં તો જે દેશોએ અદ્વિતિય પ્રગતિ કરી છે તેના હરોળમાં આપણે ઊભા નહીં રહી શકીએ. અને તેથી પોતાના દેશ અર્થે 70 કલાક કામ કરવું જોઈએ.
આ નિવેદન જેવું આવ્યું તે પછી કેટલાંક તેમના સમર્થનમાં આવ્યા તો કેટલાંકે તેમના આ વિચારને કારણો સાથે ફગાવ્યો. આ નિવેદન વિશે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના ‘સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ સોશિયલ સ્ટડીઝના’ પ્રોફેસર અવિજિત પાઠકે ઇન્ડિયન એક્સપ્રેસમાં વિગતે લખ્યું છે. તેઓ નારાયણમૂર્તિના વિચાર સાથે જરાય સમંત નથી. તેઓ લખે છે કે, “હું મારી જાતને આળસુ ન માનતો હોવા છતાં નારાયણમૂર્તિના વિચાર સાથે હું સંમત નથી. નારાયણમૂર્તિ માને છે કે જીવનમાં તકનીકી વ્યવસ્થાપની સ્કીલ્સ સિવાય કશીય બાબત મહત્ત્વની નથી. આ સ્કીલ્સ માટે તમારે દિવસ-રાત મહેનત કરવી જોઈએ અને નફો વધારીને એ સ્થિતિએ પહોંચવું જોઈએ, જેથી શાસકો એ દેશ આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે તેનું ગૌરવ લઈ શકે.”
આ મુદ્દા અંગે અવિજિત ત્રણ મહત્ત્વની બાબતો નોંધે છે. પ્રથમ મુદ્દા વિશે તેઓ કહે છે કે આર્થિક સમૃદ્ધિ કે ઉત્પાદનક્ષમતાને સર્વસ્વ માની તેની પૂજા કરવી તે ખોટી જડવાદી માન્યતા છે. એ પણ વિચાર્યા વિના કે સમજદાર અને સમતાવાદી સમાજ તેના વિકાસ માટે ખરેખર શું ઇચ્છે છે. નારાયણ મૂર્તિ આંખ ઉઘાડીને આસપાસ જુએ તો તેમને દેખાશે કે ગરીબ લત્તા કે પિતૃસત્તાક પરિવારની મધ્યમવર્ગની ગૃહિણી, દૈનિક વેતન પર જીવન ગુજારનારા, મુંબઈ -દિલ્હી કે અન્ય શહેરોમાં કામ કરતાં સિક્યુરીટી ગાર્ડ-રિક્ષાચાલકો કે પછી યુનિવર્સિટીના ગેસ્ટ લેક્ચરર દિવસરાત કામ કરે છે અને તેમનું કામ 70 કલાકથી ઓછું નથી હોતું. તેઓ જરાપણ આળસુ નથી, તેમ છતાં તેઓ ગરીબીમાં જીવે છે. બિહાર જેવા રાજ્યોમાં જ્યાં અપાર કુશળતા છતાંય કારીગરો મહિનાના પંદર હજાર નથી કમાવી શકતા. તેમની ગરીબીનું કારણ એટલું જ છે કે સમાન ન્યાય કે વિકાસ વિના ઉત્પાદનક્ષમતાને તર્ક આધારીત બની શકાવાતી નથી. અવિજિત આગળ એમ પણ લખે છે કે સમાજની વ્યવસ્થાકીય હિંસા તમે કોમ્યુનિસ્ટ ન હોવ તો પણ જોઈ શકો છો. બલકે તમારે આ બાબતે વ્યક્તિ તરીકે આંતરાત્માનો અવાજ સાંભળવાનો છે. મૂર્તિ પોતે પણ કોર્પોરેટ જગતમાં પગારને લઈને જે વિસંગતા છે તેને જોઈ શકે છે. 2023ના અહેવાલ મુજબ ઇન્ફોસિસમાં જ એક ફ્રેશરને વર્ષના 3.72 લાખ રૂપિયા મળે છે, જ્યારે તેના સીઈઓ તેના કરતાં 2,200 ગણા નાણાં વર્ષે લઈ જાય છે.
બીજી દલીલ અવિજિત કામના પ્રકારને લઈને મૂકે છે, જેમાં એક કળાકાર પંદર-પંદર કલાક કામ કરીને પણ પોતાનું કાર્ય સારું કરી શકે છે અને તેને તે કાર્યનો સંતોષ પણ મળે છે, જ્યારે એક કમ્પ્યુટર એન્જિનિયર અઠવાડિયાના 70 કલાક કામ કરીને છતાંય કશુંય વિશેષ પામતો નથી કે નથી તેને કોઈ શોખ કરવાનો વખત મળતો. અને તેઓ ત્રીજી વાત એ મૂકે છે તે અવિરત કાર્ય અને તે પછીથી વિચાર્યાવિના બધું ભોગવવાનો કોઈ અર્થ નથી. આમ અવિજિત ત્રણ મુદ્દા મૂકીને નારાયણમૂર્તિની વાતનું ખંડન કરે છે.
નારાયણમૂર્તિએ જે સૂચન કર્યું તે પ્રકારે લોકો આપણે ત્યાં કામ કરે જ છે. આધુનિક યુગમાં ઓવરવર્ક કલ્ચરની વાત નવી નથી. ઓવરવર્કથી સ્વાસ્થને નુકસાન થાય છે તે સાબિત થઈ ચૂક્યું છે અને ‘વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન’ના એક અહેવાલ મુજબ અઠવાડિયામાં 55 કલાકથી વધુ કામ કરનારાઓ 100માંથી 35ને હૃદય સંબંધિત બીમારીની શક્યતા વધુ છે. જાપાનમાં ઓવરવર્કનો ટ્રેન્ડ સૌથી વધારે ચાલ્યો અને ત્યાં તે સંબંધિત મૃત્યુનું પ્રમાણ પણ વધુ છે. આ સિવાય ચીન, ભારત સહિત એશિયાના મોટા ભાગના દેશોમાં ઓવરવર્કથી મૃત્યુનું પ્રમાણ દુનિયામાં સૌથી વધુ છે. આ મામલે યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સારી સ્થિતિમાં છે. અત્યારે જે દેશોમાં મેન્યુફેક્ચરિંગ કામ સૌથી વધુ થઈ રહ્યું છે તે દેશોના લોકો ઓવરવર્ક કલ્ચરના ભોગ બની રહ્યા છે.
હવે આપણા દેશમાં ખરેખર એક વ્યક્તિ સરેરાશ કેટલા કલાક કામ કરે છે તેની વિગત તપાસીએ તો ખ્યાલ આવે કે સરેરાશ ભારતીય વિશ્વમાં સૌથી વધુ મહેનત કરનારાં સમૂહમાં આવે છે. ‘ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન’ મુજબ ભારતીયો એક અઠવાડિયામાં સરેરાશ 48 કલાક કામ કરે છે. જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા થયેલા એક સરવે મુજબ સરેરાશ ભારતીય અઠવાડિયામાં 62 કલાક કાર્યરત હોય છે. 70 કલાક કામના પક્ષકારો અને પ્રતિપક્ષકારો વચ્ચે જાણીતાં પત્રકાર રવિશકુમાર એક અન્ય મુદ્દો લઈ આવ્યા છે. તેઓ કહે છે કે, દેશનું નામ લઈને ખોટી વાત અત્યારે સાચી ઠેરવવામાં આવે છે. હાલમાં દેશમાં 80 કરોડ લોકો વિનામૂલ્યે અપાતાં અનાજ પર નિર્ભર છે અને તેમની આર્થિક સ્થિતિ બદ્તર છે. આ સ્થિતિ યુવાનોએ 70 કલાક કામ ન કરવાથી નથી થઈ બલકે તે સરકારની ખામી ભરેલી આર્થિક નીતિઓના કારણે થઈ છે. આ આર્થિક નીતિઓના કારણે મોટા ઉદ્યોગપતિ અને શ્રીમંતો વધુ સંપત્તિવાન થઈ રહ્યા છે.
નારાયણમૂર્તિએ મોટા ઉદ્યોગપતિઓને નથી કહ્યું કે આપણે 14.50 લાખ કરોડની લોન ચૂકવીશું તો દેશને લાભ થશે. આ અંગે નારાયણમૂર્તિ શું મત રાખે છે અને ઉદ્યોગપતિઓને તે કેમ લેક્ચર નથી આપતા? આવા મુદ્દા રવિશ કુમારે ઉપાડીને નારાયણમૂર્તિની 70 કલાક કામની વાત સાથે પોતાની અસંમતિ દાખવે છે. રવિશ કુમારની જેમ ઉદ્યોગપતિ હર્ષ ગોયનકાએ પણ નારાયણમૂર્તિની વાતનો અસ્વિકાર કર્યો છે. હર્ષ ગોયનકાનું કહેવું છે કે ઉત્પાદકક્ષમતાનું માપ કલાકોમાં માપી શકાય નહીં. તેમણે આ વાતને વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા અને ઉદ્દેશ સાથે જોડી છે.
કેટલાં કલાક કામ કરવું આ મુદ્દો સ્વાસ્થ્ય સંબંધિત છે, યુવાનોના કારકિર્દી સાથે સંબંધિત છે અને પરિવાર-સમાજ સાથે પણ તેનું જોડાણ છે. અહીં એક વાત નોંધવી જોઈએ કે નારાયણમૂર્તિએ માત્ર વન વિક-20 અવરની જ વાત નહોતી કરી, બલકે તેમણે અહીં અન્ય વાત પણ મૂકી હતી કે, યુવાનોએ પશ્ચિમી દેશોની જેમ શિસ્ત અને વર્ક એથિક્સ પણ શિખવા જોઈએ. અને સરકાર વધુ કુશળ અને રણનીતિકાર બનવી જોઈએ. 70 કલાકને અઠવાડિયાના હિસાબ જોઈએ તો પાંચ વર્કિંગ ડેના હિસાબે પ્રતિદિવસ 14 કલાક કામ કરવું પડે. છ વર્કિંગ ડેમાં 12 કલાક. જોકે અત્યારે આપણા દેશમાં છ દિવસમાં 9 કલાક મોટાભાગની કંપનીઓ કામ લે છે. આ વિશે ‘ન્યૂઝ 18’માં નવીન ચૌધરીએ થોડું વિગતે લખ્યું છે. તેઓ લખે છે કે 70 કલાક કામને લઈને સૌથી પહેલો મુદ્દો સ્વાસ્થ્યનો આવે છે. આજે મેટ્રો શહેરમાં ઓફિસ પહોંચવામાં કર્મચારીઓને સરેરાશ સમય 45 મિનિટનો છે. દરેક વ્યક્તિને કામ સિવાય ઓફિસ પહોંચવા માટે દોઢ કલાક લાગે છે. અને એ રીતે જોઈએ તો નારાયણમૂર્તિનો વધુ કામનો મુદ્દો વ્યવહારિક લાગતો નથી. જો એ રીતે કામ કરે તો વ્યક્તિ પોતાનું અંગત કામ, પરિવાર અને મનોરંજન માટે ક્યારે સમય ફાળવશે.
નવીન ચૌધરી અહીં એમ પણ લખે છે કે, ભારતીય કંપનીઓ હજુ પણ મુનિમ માનસિકતાઓથી પીડિત છે. કેટલી પણ મોટી કેમ ન થાય ત્યાં વર્કપ્લેસ કલ્ચર નિર્માણ થતું નથી. વળતરની વિસંગતા, પર્ફોમન્સ એપ્રેઝલ યોગ્યતા મુજબ મળતું નથી. ઉપરાંત એક કંપનીમાં કર્મચારીને વધુ એ માટે પણ બેસવું પડે છે કારણ કે તેના બોસની હાજરી ઓફિસમાં છે. આવાં અસંખ્ય મુદ્દા નારાયણમૂર્તિના નિવેદનની વિરોધમાં જાય છે. જોકે એટલું નક્કી કે આજના ઓપન માર્કેટમાં વ્યક્તિગત રીતે કોઈ પોતાના કાર્યના કલાકો ઠરાવી શકતું નથી, તેણે વ્યક્તિગત રીતે કંપનીની પોલિસી કે ઓફિસની વ્યવસ્થા પર જ આધાર રાખવાનું થાય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796