નવજીવન ન્યૂઝ, અમદાવાદ : છેલ્લાં એકાદ દસકાથી હિન્દી અને ગુજરાતી ફિલ્મો તેમજ નાટકોમાં અભિનય કરતા એક કલાકારની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ (Ahmedabad Crime Branch arrested the actor) કરી છે. છેલ્લાં 12 વર્ષથી પોલીસ ચોપડે ફરાર હેમંત નગીનદાસ મોદી (વૈષ્ણવ) ને પોલીસે અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2005માં નરોડા પોલીસ સ્ટેશનની હદમાં બનેલા હત્યાના ગુનામાં હેમંત મોદીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં સજા ભોગવી રહેલા હેમંત મોદીએ વર્ષ 2014માં એક મહિનાની પેરોલ રજા મેળવી હતી અને ત્યારબાદ ફરાર થઈ ગયો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 53 વર્ષીય હેમંત મોદીને ઝડપી લઈ પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. હેમંત મોદીએ ગુજરાત હાઇકોર્ટમાંથી પેરોલ રજા મેળવ્યા (Parole granted from Gujarat High Court) બાદ તે ભાગીને મુંબઈ ચાલ્યો ગયો હતો. મુંબઈમાં હેમંત મોદીએ હિન્દી, ગુજરાતી ફિલ્મો ઉપરાંત નાટક અને સીરિઝમાં કામ કર્યું હોવાની કબૂલાત કરી છે. આમિર ખાનની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન તેમજ જયેશભાઈ જોરદાર સહિતની ફિલ્મોમાં હેમંત કામ કરી ચૂક્યો છે.








