કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): દેશના ચિત્તા પ્રોજેક્ટ (Cheetah project) સમિતિમાં દક્ષિણ આફ્રિકા અને નામિબિયા દેશના નિષ્ણાતોએ સુપ્રિમ કોર્ટને (Supreme Court) લખ્યું છે કે, 20 ચિત્તાઓને ભારતમાં સ્થળાંતરીત કરવા અંગે તેમને અંધારામાં રાખાવામાં આવ્યા છે અને તેમણે ચિત્તા પ્રોજેક્ટના મેનેજમેન્ટ વિશે પણ ગંભીર પ્રશ્નો ઊઠાવ્યા છે. આ નિષ્ણાતોએ ચિત્તા ઉપરાઉપરી થઈ રહેલા મૃત્યુ (Cheetah Death)વિશે એવું સૂચન કર્યું છે કે, આ તમામ ચિત્તાને યોગ્ય સમયે સારવાર મળી હોત અથવા તો તેઓના મૃત્યુને ટાળી શકાયા હોત.
ગત્ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ નામિબિયાથી લાવેલા આઠ ચિત્તાને મધ્ય પ્રદેશના કુનો નેશનલ પાર્કમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છોડવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ વર્ષે બીજા 12 ચિત્તાને દક્ષિણ આફ્રિકાથી કુનો લાવવામાં આવ્યા હતા. બસ, ત્યારથી સમયાંતરે ચિત્તા મૃત્યુ પામી રહ્યા છે. ગત્ રોજ વધુ એક ચિત્તો માર્યો ગયો અને આ સંખ્યા નવ સુધી પહોંચી છે. 2013માં ચિત્તા પ્રોજેક્ટ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને ત્યાર બાદ 2020માં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટીએ સુપ્રિમ કોર્ટમાં અરજી કર્યા બાદ આ પ્રતિબંધને ઉઠાવી લેવામાં આવ્યો. સુપ્રિમ કોર્ટ સતત આ પ્રોજેક્ટ પર નજર રાખી રહી હતી.
15 જુલાઈના રોજ રેડિયો કોલર ઇજાના કારણે બે ચિત્તાના મોત થયાના કારણે દક્ષિણ આફ્રિકાના વાઇલ્ડલાઇફ સ્પેશિયાલિસ્ટ ડૉ. અદ્રિઆન તોર્ડિફે તેમના અન્ય સાથી ચિત્તાના વિશેષજ્ઞ વાન ડેર મેર્વે, પ્રાણીઓના ડૉ. એન્ડિ ફ્રેઝર અને ડૉ. માઇક તોફ્ટ વતી એક પત્ર લખ્યો છે. આ પત્રમાં લખ્યું છે કે, આ પ્રોજેક્ટમાં હાલનું મેનેજમેન્ટ કોઈ વિજ્ઞાની વલણ વિના કાર્ય કરે છે અને ખાસ તો તેમની રજૂઆતને ધ્યાને લેવામાં આવતી નથી. ઇન્ડિયન એક્સપ્રેસને આપેલી વિગત મુજબ ડૉ. આદ્રિઆન તોર્ડિફે એમ કહ્યું છે કે, કુનો સંબંધિત કોઈ જ વિગત તેમની સાથે ચર્ચવામાં આવતી નથી. અમે પ્રોજેક્ટની સમિતિમાં સામેલ હોવા છતાં અમને ક્યારેય બેઠકમાં સામેલ કરવામાં નથી આવતા.
આ પત્રમાં કેટલીક એવી વિગતો રજૂ થઈ છે જેનાથી ખ્યાલ આવે કે કુનોમાં ચિત્તાની સ્થિતિ શું હોઈ શકે. 11 જુલાઈના રોજ બનેલી આ ઘટનામાં કુનો નેશનલ પાર્કના સ્ટાફે નર ચિત્તાને પીઠ અને ગળામાં ઇજા જોઈ અને એવું માની લીધું કે આ ઇજા માદા ચિત્તા દ્વારા કરવામાં આવી છે. સ્ટાફ નર ચિત્તાની સારવાર કરવા વિના માદા ચિત્તાને શોધવા નિકળી પડ્યો, તેમણે એવું કલ્પી લીધું કે માદા ચિત્તા પણ ઇજાગ્રસ્ત થઈ હશે. આમ ધારણા બાંધીને સ્ટાફે નર ચિત્તાનો જીવ જોખમમાં મૂક્યો અને તેની સમયસર સારવાર ન કરી, છેલ્લે તે ચિત્તાનું મૃત્યુ થયું.
વડા પ્રધાને જ્યારે ગત્ વર્ષે કુનો નેશનલ પાર્કમાં પહેલાંવહેલાં ચિત્તાઓને જંગલમાં છોડ્યા ત્યારે દેશભરનું મીડિયા ત્યાં આવીને તેનું ટેલિકાસ્ટ દિવસભર બતાવ્યું હતું અને તે દિવસને ઐતિહાસિક દિવસ ગણાવવામાં આવ્યો હતો. પરંતુ હવે કુનોમાં એક પછી એક ચિત્તા જ્યારે મૃત્યુ પામી રહ્યા છે ત્યારે તેનું રિપોર્ટીંગ કરવા માટે ગણ્યાગાંઠ્યા મીડિયા હાઉસમાંથી ખબરો આવી રહી છે અને નવ-નવ મૃત્યુ થયા છતાં ચિત્તાઓનાં મૃત્યુ કયા કારણથી થયા છે તેનું કોઈ કારણ સ્પષ્ટ રીતે સરકાર દ્વારા આપવામાં આવતું નથી. ચિત્તાઓને લાવવાના અત્યાર સુધીના ઘટનાક્રમથી એવું તો એવું લાગે છે કે સરકારને ચિત્તાનું સ્થળાંતર કરીને અહીંયા તેમનો વિસ્તાર બને તેમાં રસ નહોતો, બલકે માત્ર એક સરકારી કાર્યક્રમ હતો, જેનો ભોગ અત્યાર સુધી નવ ચિત્તા બની ચૂક્યા છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








