પ્રશાંત દયાળ (શતરંજ-93, નવજીવન ન્યૂઝ): ઇન્દ્રસિંહ જાડેજા ખેલાડી હતા, પણ કોણ જાણે આજે તેમને ગભરાટ થઈ રહ્યો હતો. સવારે જ ગાંધીનગર પોલીસ સ્ટેશનથી તેમને લઈ આવવામાં આવ્યા, પણ હમણાં સુધી વછરાજાનીની જ પૂછપરછ કરવામાં આવી હતી. બહાર બેઠા બેઠા અને ખરાબ વિચારોએ તેમને ઘેરી લીધા હતા, હવે અચાનક બોલાવી વછરાજાનીને બહાર મોકલી પોતાને કેમ બેસાડ્યો હશે તેના વિચારો આવી રહ્યા હતા. વછરાજાનીએ ક્યાંક કંઈક લોચો તો નહીં મારી દીધો હોય ને! આમ પણ વછરાજાની પોતાને પસંદ કરતા નથી તે વાત જાડેજા સારી રીતે જાણતા હતા. તેના કારણે જ ડર એવો હતો કે, વછરાજાની કંઈક બોલી ગયા ના હોય. જાડેજા બેઠા પછી પંત ફાઈલ જોઈ રહ્યા હતા, પણ તે પંતનો ડોળ હતો. તે અવારનવાર જાડેજાને ત્રાંસી આંખે જોઈ રહ્યા હતા. તેમનો ઇરાદો સફળ થઈ રહ્યો હોય તેવું લાગ્યું. જાડેજાની અંદરની બેચેની તેમનો ચહેરો છુપાવી શકતો ન હતો. પરમાર રાહ જોઈ બેઠા હતા કે ક્યારે પંત સાહેબ શરૂઆત કરે.
પંતે એકદમ જ ફાઈલ બંધ કરતાં જાડેજાને પૂછ્યું, “ખાના તો ખા લિયા ના આપને?” “સર…” કહી તેમણે હા પાડી. પછી પંતે પરમાર સામે એક નજર નાખી અને જાડેજાની સામે જોતા પરમારને સંબોધી કહ્યું, “પરમાર, બતાઓ ઇન્હેં વછરાજાનીને હમેં ક્યા બતાયા?” પરમાર પંત સામે જોવા લાગ્યા. કારણ કે વછરાજાનીએ તો કોઈ જ વાત કરી ન હતી. જાડેજા પણ પરમારની સામે જોઈ રહ્યા હતા. તેમના મનમાં ધ્રાસકો પડ્યો કે, વછરાજાનીએ શું કહ્યું હશે? જાડેજાએ ખિસ્સામાંથી રૂમાલ કાઢી પોતાના ચહેરા ઉપર ફેરવ્યો. તેમને પરસેવો થયો ન હતો. છતાં તેવું લાગી રહ્યું હતું કે પરસેવાને કારણે ચહેરો ભીનો થયો છે. જાડેજાની જેમ પરમાર પણ મૂંઝાઈ ગયા હતા. પંતે તેમની તરફ બૉલ ફેંક્યો હતો તેને રમવો જ પડે તેમ હતો. જો પરમાર કંઈ પણ સવાલ પંતને પૂછે તો પંત ખોટું બોલી રહ્યા છે તેની જાડેજાને ખબર પડી જાય. અને પંત આવું કેમ બોલ્યા તેની હજી પરમારને ખબર પડતી ન હતી. તેના કારણે હવે શું બોલવું તે પરમાર માટે સમસ્યા હતી. પરમારે તેમની સામે જોતાં પંતે ફરી કહ્યું, “પરમાર, બતાઓ હમે વછરાજાનીને ક્યા બતાયા હૈ?” પંત એક પછી એક ફુલટૉસ બૉલ નાખી રહ્યા હતા અને તે બધા જ બૉલ રમવા પડે તેવી સ્થિતિ પરમારની હતી. જાડેજા પોતે પોતાના હૃદયના ધબકારા સાંભળી શકે એટલી ઝડપે હૃદય ધબકી રહ્યું હતું.
પરમારને લાગ્યું કે હવે રમી જ નાખવું પડશે. તે જે કંઈ બોલવાના હતા તે સદંતર ખોટું જ હતું, છતાં તે જે કંઈ બોલે તે ખોટું પણ ના લાગે અને અને તેનો કોઈ પણ અર્થ નીકળી શકે તેવો કોઈ ઉત્તર તેમને આપવાનો હતો. પરમારે પોતાની પાસે ટપકાવેલી વિગતોમાંથી કંઈક કહે છે તેવો ડોળ કરતા કાગળો સામે જોતાં કહ્યું, “નિઝામને સોલાપુરથી ઉઠાવી લાવી તેને પાડી દીધો ત્યાં સુધી વછરાજાની સરે બધું જ કહી દીધું છે.” જાડેજા પરમાર અને પંત સામે જોવા લાગ્યા. કારણ કે આખી વાત બહુ મોઘમ હતી. બધું જ કહી દીધું પણ શું કહ્યું તે સ્પષ્ટ ન હતું. જાડેજા બધું જ એટલે શું કહ્યું હશે તેનો વિચાર કરવા લાગ્યા. તે પોતે અને વછરાજાની જ જાણતા હોય તેવી કઈ કઈ વાતો હતી તેનો એકસાથે એક જ ઝડપે વિચાર કરી લીધો. પણ તરત કંઈ યાદ આવ્યું નહીં. પંતને લાગ્યું કે પરમાર બૉલ તો રમી ગયા પણ નબળો રમ્યા. જોકે વાંધો નહીં. ક્યારેક ઇન્ટ્રોગેશનની રમતોમાં આવું થયા કરે.
પંત પાસે મહત્ત્વનાં બધાં પત્તાં હોય તેવી અદામાં તેમણે કહ્યું, “જાડેજા, આપ ભી ખાના ખાતે હો ઔર મૈં ભી. મૈં ઘાસ તો નહીં ખાતા!” જાડેજાને લાગ્યું કે પંત નારાજ થઈ રહ્યા છે. પણ પોતે નારાજ છે તેવું દર્શાવવાનો પંતનો ડોળ જ હતો. જાડેજા ખરેખર ગભરાઈ ગયા. “નહીં સર, ઐસી બાત નહીં. લેકિન આપ મુઝે બતાઓ તો સહી કિ વછરાજાની સા’બને ક્યા બતાયા?” પંતે પોતાનો અવાજ ઊંચો કરતાં કહ્યું, “તો આપ ચાહતે હો મૈં આપકો ઉનકા સ્ટેટમેન્ટ પઢવાઉં ઔર ફિર આપ અપની બાત રખેંગે.” જાડેજાએ માફી માગતા હોય તેવા સ્વરમાં કહ્યું, “નહીં નહીં, સર, મેરા ઐસા મતલબ નહીં થા. મૈં તો સિર્ફ આપકી બાત સમજને કી કોશિશ કર રહા હૂં.” જાડેજા ડરી ચોક્કસ ગયા હતા પણ આટલી જલદી હાર માને તેવો ખેલાડી પણ ન હતો.
પંતે શાંત થતાં કહ્યું, “દેખો જાડેજા સા’બ, નિઝામ કો પિક કરને સે લેકે ઍન્કાઉન્ટરની નકલી સ્ટોરી કે રાઇટર, ડિરેક્ટર ઔર પ્રોડ્યૂસર આપ હી હો. ઐસા વછરાજાનીને હમેં બતાયા હૈ. વહ તો ખામોખા ઇસમેં ફસ ગયે ઐસા ઉનકા કહના હૈ.” જાડેજા સ્તબ્ધ થઈ ગયા. તેમને લાગ્યું કે તેમનો ડર સાચો પડ્યો. વછરાજાનીએ વટાણા વેરી દીધા હતા. જોકે પંત ખોટું બોલે છે, તે વાત તે પોતે અને પરમાર સિવાય હાલમાં કોઈ જાણતું ન હતું. બહાર બેઠેલા વછરાજાનીને પણ ખબર ન હતી કે તેમના નામે અંદર શું થઈ રહ્યું છે. જાડેજા કંઈ જ બોલ્યા નહીં. તેમનું શેતાની મન કામે લાગી ગયું. તે પોતે પણ એક પોલીસ-અધિકારી હતા. પંત તેમની સાથે જે રીતરસમ અપનાવી રહ્યા હતા તેવી જ રસમો તે પણ બીજા આરોપીઓ સાથે અજમાવી ચૂક્યા હતા. જોકે જાડેજા હજી નક્કી કરી શકતા ન હતા કે પંત કેટલું સાચું બોલે છે.
તેમને એવી પણ ખબર હતી કે, વછરાજાની દોષનો ટોપલો તેમના ઉપર ઢોળી દે તેનાથી તે બચી શકતા ન હતા. વછરાજાની પણ કાયદાનો ખાં માણસ હતો. તે મોઢું ખોલી નાખવાની ભૂલ કરે તે વાતમાં માલ ન હતો, પણ પંતે જે છેલ્લું વાક્ય કહ્યું કે, “રાઇટર, ડિરેક્ટર અને પ્રોડ્યૂસર તે વાત સો ટકા સાચી હતી.” જો વછરાજાનીએ કહ્યું નથી તો પંતને કઈ રીતે આ વાતની ખબર પડે તેનો તાળો મળતો ન હતો. જાડેજાને શાંત જોઈ પંતે નારાજ થતા હોય તેમ કહ્યું, “અરે જાડેજા, આપ વક્ત બહુત બરબાદ કરતે હો. જો કહના હૈ, બતાઓ, અગર આપને કો-ઑપરેટ કિયા તો ફિર મૈં આપ કો જલ્દ હી કોર્ટ મેં પેશ કર દૂંગા. દસ દિન યહાં રખને કી કોઈ જરૂરત નહીં હૈ.” જાડેજાએ આત્મવિશ્વાસ સાથે કહ્યું, “નહીં સર, યહ બાત સહી નહીં. હમને જો ઑપરેશન કિયા વહ તો રાજસ્થાન પુલિસ કી ઇન્ફર્મેશન સે. હમ તો લૉજિસ્ટિક સપૉર્ટ દે રહે થે.”
પંતને સામેનો ખેલાડી કયું પતું ફેંકશે તેની ખબર હતી, પણ અપેક્ષા કરતાં જુદાં જ પત્તાં ખેલાડી ઊતરી રહ્યો હતો! ગેમ અઘરી થઈ રહી હતી. પંત પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. પોતાની ચેમ્બરમાં આંટા મારવા લાગ્યા, જાડેજાને ડર પણ લાગી રહ્યો હતો. તેમને ખાતરી હતી કે તે પોલીસ-અધિકારી હોવાને કારણે તેમની સાથે સામાન્ય આરોપી જેવો વ્યવહાર તો નહીં થાય, પણ મનમાં લાગી રહ્યું હતું કે, પંતનો કોઈ ભરોસો નહીં. તે હાથ સાફ પણ કરી નાખે. પંત ચાલતાં ચાલતાં પાછા પોતાના ટેબલ સુધી આવ્યા. ફાઈલમાં કંઈક વાંચ્યું અને ત્યાં જ ઊભા ઊભા પૂછ્યું, “અગર ઑપરેશન રાજસ્થાન પુલિસ કી ઇન્ફર્મેશન કે આધાર પે હુઆ તો રામ ક્યા કર રહા થા આપકી કસ્ટડી મેં…?” પંતે ગૂગલી બૉલ ફેંક્યો. જાડેજાએ તરત કહ્યું, “નહીં સર, રામ તો હમારે પાસ થા હી નહીં. આપ ઉસ વક્ત કા લૉકઅપ રેકર્ડ દેખ લો.”
પંત સામેની તરફથી જાડેજાની ખુરશી સુધી આવ્યા. તેમનો એક હાથ જાડેજા જે ખુરશી ઉપર બેઠા હતા, તેની પીઠ તરફ અને બીજો હાથ ખુરશીના હૅન્ડલ ઉપર ટેકવ્યો. પોતાનો ચહેરો સહેજ નીચે કરી જાડેજાની નજીક આવ્યા. પરમારને પણ લાગ્યું કે પંત હવે જાડેજાને એક લાફો ઝીંકી દેશે. પણ પંતે તેવું કંઈ કર્યું નહીં. પોતાનું મોઢું જાડેજાના ચહેરા પાસે લાવી કહ્યું, “જાડેજા, અપને આપ કો જિતના હોશિયાર સમજે હો, ઇતને આપ હો નહીં. કંઈ સાલોં સે લંકા મેં રાવણ કા રાજ ચલા. લેકિન અબ લંકા મેં આગ લગેગી. આગ લગાને કે લિયે હનુમાનજી કી જરૂર નહીં, ક્યોંકિ લંકા મેં આગ તો મૈં તુમ્હારે હાથોં સે લગવાઉંગા.”
આટલું કહી પંત પાછા આંટા મારવા લાગ્યા. તે થોડી થોડી વારે જાડેજા સામે જોતા હતા. તે પાછા પોતાની ખુરશી ઉપર આવીને બેઠા અને જાડેજાની આંખોમાં જોતાં કહ્યું : “દેખો… જિસ ગેમ કો આપને શુરૂ કી હૈ ઉસકો મુઝે ખતમ કરની હૈ. અગર ગલતી હી કરના થા, તો ગલતિયોં કી નિશાની નહીં છોડની થી. તુમને કાફી સારી ગલતિયાં કી હૈ. તુમ તો મરોગે… તુમ્હારા વહ મોટા હોમ મિનિસ્ટર ભી મરેગા.”
(ક્રમશઃ)








