નવજીવન ન્યૂઝ. અમદાવાદ : ગરમી અસહ્ય છે. આંકડા પણ કહે છે કે આ વખતની ગરમી વધુ દઝાડી રહી છે. 122 વર્ષના ઇતિહાસમાં માર્ચનો મહિનો ક્યારેય આટલો તપ્યો નથી. આવું દેશના મોટા ભાગના રાજ્યોના હાલ છે. સવારના દસ વાગ્યામાં જ સૂરજનો પ્રકોપ જમીન પર પડવા માંડે છે અને તેમાં ઠંડકભર્યો ખૂણો શોધી લેવા સિવાય કોઈ ઉપાય નથી. જે ગરીબ-મજૂર કે અન્ય વર્ગને તાપમાં જ પોતાના કામ પૂરું કરવાનું હોય છે તેઓની સ્થિતિ ઓર બદતર થઈ છે. છેલ્લા દસેક વર્ષના રેકોર્ડથી કહી શકાય ભારતમાં ગરમીનો પારો સતત વધ્યો છે અને તે કારણે હિટવેવનું પ્રમાણ વધ્યું છે. ‘ઇન્ડિયા મિટિઓરોલોજિકલ ડિપાર્ટમેન્ટ’ના અભ્યાસ મુજબ 1981થી 1990ની વચ્ચે હિટવેવની સંખ્યા 413 હતી. તે પછી 2001થી 2010 સુધી હિટવેવ 575 થઈ અને હવે ગત્ દાયકામાં 2011થી 2020 સુધીમાં તેની સંખ્યા છસ્સો સુધી પહોંચી. દેશના 103 હવામાન સ્ટેશન પર છેલ્લા વર્ષોમાં ગરમીનો પારો સતત ચઢતો દેખાય છે.

કોટ્ટયામ ખાતે આવેલાં ‘ઇન્સ્ટિટ્યૂટ ફોર ક્લાઇમેટ ચેન્જ સ્ટડીઝ’ ખાતેના ડિરેક્ટર ડિ. એસ. પાઇના મતે વધતી ગરમીનું એક કારણ ક્લાઇમેટ ચેન્જ છે. તદ્ઉપરાંત બીજાં કારણોમાં તેઓ સ્થાનિક હવામાનની સ્થિતિને જવાબદાર માને છે. તે સિવાય વધતું શહેરીકરણ, ઘટતાં જંગલો અને બદલાતી જમીની સ્થિતિ પણ ગરમી માટે કારણભૂત છે. ડિ. એસ. પાઇનો અભ્યાસ એમ પણ કહે છે કે ભારતમાં ઉત્તર, પૂર્વીય અને મધ્ય ભારતમાં ખાસ કરીને હિટવેવનો પ્રકોપ જોવા મળે છે. અને મહદંશે તેનો સમય મે મહિનાનો હોય છે. એ રીતે ગરમીને લઈને હજુ પણ આપણી પરીક્ષા થવાની બાકી છે.

ભારતનું હવામાન ખાતું હિટવેવની એલર્ટ ત્યારે આપે છે જ્યારે સામાન્ય તાપમાનથી સાડા ચાર ડિગ્રી સેલ્સિઅસ તાપમાન વધુ હોય અને મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ પહોંચે. અને જ્યારે સામાન્ય તાપમાન કરતાં પારો 6.5 ડિગ્રી સેલ્સિઅસ ઉપર જાય ત્યારે હિટવેવને વધુ ઘાતક તરીકે દર્શાવાય છે. દેશમાં વધી રહેલાં તાપમાનનો સ્વીકાર પ્રાઇવેટ ફોરકાસ્ટર પણ કરી રહ્યા છે. તેના ઠોસ કારણો પણ છે. એક છે કે આ ગરમીથી હિમાલયના ક્ષેત્ર પણ બાકાત રહ્યા નથી. સામાન્ય રીતે ભારતમાં ગરમીનો પ્રકોપ દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને ઓરિસ્સામાં વધુ ઘાતકી હોય છે. પણ આ વખતે હિમાચલ પ્રદેશ ને ઉત્તરાખંડમાં પણ ગરમીના લહેરથી બાકાત નથી.
હિટવેવનું સર્વવ્યાપી કારણ ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગ માનવામાં આવે છે. આ ઉપરાંત હિટવેવ ભારતમાં એકાંતરે વર્ષે ત્રાટકતી રહી છે. છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ જોઈએ તો 2015, 2016 અને 2019માં હિટવેવ પ્રસરી છે. હિટવેવની મૃત્યુઆંક તરફ ધ્યાન નથી અપાતું પણ 2015માં હિટવેવમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા 2500 સુધી પહોંચી હતી. આ હિટવેવમાં સૌથી વધુ અસર આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં થઈ હતી. આંધ્ર પ્રદેશનો જ હિટવેવથી મૃત્યુઆંક 1735 હતો. તે સિવાય પ. બંગાળ, ઓરિસ્સા, ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ અને કર્ણાટકમાં પણ હિટવેવની અસર થઈ હતી. એ વખતે આ રાજ્યોના અનેક શહેરોના તાપમાન 47 થી 44 ડિગ્રી સેલ્સિઅસ સુધી રહ્યા હતા. ઓરિસ્સાના જારસુગુડાનું તાપમાન તો 49.4 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. એ રીતે 2016માં પણ હિટવેવે પંદરસોથી વધુ લોકોની જાન લીધી હતી. આ વર્ષે રાજસ્થાનના ફલોડીમાં તાપમાન 51 ડિગ્રી સેલ્સિઅસ સુધી પહોંચ્યું હતું. 2019નો પણ ઉનાળો એ રીતે જ તપતો રહ્યો હતો.

અસહ્ય ગરમી પડે છે ત્યારે તેની ચર્ચા ખૂબ થાય છે પણ જ્યારે તેનાથી રાહત મળતાં જ તે વાત ભૂલાઈ જાય છે. તે પછી ગરમી ન પડે તેવાં પ્રયાસો વર્ષભર નથી જોવા મળતાં. આ ફાવટ આપણને માત્ર કુદરતી મુદ્દા પર જ નહીં, બલકે માનવીય ભૂલોમાં પણ આપણું વલણમાં પણ જોવા મળે છે. જેમ કે દિલ્હીમાં માનવીય ભૂલના કારણે જ તાપમાન વધ્યું છે. દિલ્હીની ગરમી પર થયેલાં એક અભ્યાસ મુજબ દિલ્હીમાં 2018થી સરેરાશ દૈનિક વિજળીની ખપત વધી રહી છે. માત્ર એપ્રિલના મહિનાની વાત કરીએ તો આ ખપત સતત વધી રહી છે અને તેનું મુખ્ય કારણ એરકન્ડિશન છે. એપ્રિલ મહિનામાં દિલ્હીનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિઅસ સુધી પહોંચે છે. જોકે આ મહિનામાં પણ રાતનું તાપમાન 20ની આસપાસ રહેતું. આનો અર્થ એ જ કે રાતના સમયે વીજળીની ખપત પ્રમાણમાં ઓછી રહે છે અને લોકોને સુવા માટે એરકન્ડિશન્ડ ચાલુ રાખવાની જરૂરિયાત વર્તાતી નહોતી. જોકે હવે છેલ્લા કેટલાંક વર્ષોથી રાતનું તાપમાન પણ વધી રહ્યું છે અને તેનું એક કારણ લાખો લોકો એરકન્ડિશનના ઉપયોગ તરફ વળ્યા તે છે. હવે રાતનું તાપમાન પણ ત્રીસ ડિગ્રીથી નીચે જતું નથી, જેથી પૂરા દિવસ ગરમીથી કંટાળેલો માણસ એરકન્ડિશન્ડના શરણે જાય છે. અને તે જ કારણે હવે દિલ્હીની સરેરાશ વીજળીની ખપત ખૂબ વધી રહી છે.

સ્થાનિક કારણોની વધુ વાત કરીએ તે અગાઉ ‘વર્લ્ડ મેટેરોલોજિકલ ઓર્ગેનાઇઝન’ દ્વારા તૈયાર થયેલાં અહેવાલમાં પાંચ બાબતોને વધતી ગરમીના મુખ્ય કારણો તરીકે દર્શાવ્યા છે. જેમાં પહેલું છે ગ્રીનહાઉસ ગેસીસમાં સતત થઈ રહેલો વધારો છે. સૂર્યમાંથી નીકળતો તાપ પૃથ્વીની સપાટી પર જ્યારે પડે છે ત્યારે તેનું રિફ્લેક્શન ફરી અવકાશમાં થાય છે. પરંતુ ગ્રીનહાઉસ ગેસ વધવાના કારણે ગરમીનું રિફ્લેક્સન અવકાશમાં પડતું નથી અને પૃથ્વી વધુ ને વધુ તપતી જાય છે. બીજું કારણ છે તપી રહેલાં મહાસાગરો. પૃથ્વી પર દરિયાના પાણીનો હિસ્સો ત્રણ ભાગ જેટલો છે તેથી જ્યારે દરિયાનું પાણી ગરમ થાય તો તેની અસર પૃથ્વી પર સારી પેઠે થવાની. એ જ રીતે ત્રીજું કારણ છે દરિયાની વધતી સપાટી જે કારણે પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહી છે અને તેની એક મુખ્ય અસર વધતી ગરમી છે. ચોથું ને પાંચમું કારણ આર્કિટિક અને એન્ટાર્ટિકાનો જે ભાગ પીગળી રહ્યો તે છે. આ વાત વર્ષોથી ચાલી રહી છે કે જેમ જેમ આર્કિટિક અને એન્ટાર્ટિકાનો બરફ પીગળશે તેમ પૃથ્વીના અન્ય હિસ્સામાં ગરમી વધશે અને હવે તે થઈ રહ્યું છે. ખાસ કરીને ભારતમાં તેની અસર કાળઝાળ રૂપે પડી રહી છે.
આડેધડ જંગલોની કપાત પણ તાપમાન વધવાનું એક કારણ છે. 2020ના વર્ષમાં જ ભારતમાં વૃક્ષોનો વિસ્તાર 14 ટકા સુધી ઘટ્યો હતો. આ કારણ અવારનવાર આપણી સામે ધરવામાં આવે છે પરંતુ તેમ છતાં તેનો કોઈ ઠોસ ઉપાય મળ્યો નથી. અને જે રીતે કહેવાતાં વિકાસમાર્ગે આપણે આગળ વધી રહ્યા છે તેમાં તેવી કોઈ શક્યતા દેખાતી નથી. આવું માત્ર ભારતમાં નથી થતું બલકે ગાઢ જંગલો ધરાવતાં ઇન્ડોનેશિયા અને બ્રાઝિલે છેલ્લા વીસ વર્ષમાં જંગલોનો મોટો હિસ્સો ગુમાવ્યો છે. એ પછીનો મુદ્દો આવે છે તે શહેરીકરણ અને તેમાં બેફામ રીતે થઈ રહેલાં બાંધકામોનો. અને ભારતના કિસ્સામાં ખાસ કરીને જે સૌથી અગત્યનો મુદ્દો બને છે તે વસતી વધારાનો. વધુ વસતીના કારણે સંસાધનોનો વધુને વધુ ઉપયોગ થઈ રહ્યો છે અને તે કારણે ગરમી હવે અસહ્ય થઈ છે.
ઘણી વખત એવી દલીલ થાય છે કે અત્યારની જેમ શહેરીકરણ નહોતું થયું અને સંસાધનો વધ્યા નહોતાં તે વખતેય ગરમી પડતી હતી અને અન્ય કુદરતી આફતો આવતી હતી. પરંતુ તેનો જવાબ હિટવેવની વર્ષમાં વધી રહેલાં સંખ્યામાં જોવા મળે છે. ઉપરાંત, જે રીતે ગરમીનો ગાળો વધ્યો છે તે પરથી પણ એમ કહી શકાય કે પહેલાં કરતાં વાતવરણમાં ધરખમ ફેરફાર વિપરીત રીતે આવ્યા છે. આનાથી સુરક્ષિત થવા માટેનું સૌથી અગત્યનું પરિબળ પરંપરાગત જીવનશૈલી છે. એ જીવનશૈલીમાં પર્યાવરણની સુરક્ષાની પૂરતી કાળજી લેવાતી હતી. હજુ પણ મહદંશે લોકો પર્યાવરણ પ્રેમી છે, પરંતુ તેની સગવડ માટે આજે બીજા કોઈ પર્યાવરણને હાનિ પહોંચાડે છે. સરેરાશ લોકોને એમ લાગે છે કે તે સીધી રીતે પર્યાવરણને હાનિ પહોંચાડતો નથી, પરંતુ તેની સગવડ તે પર્યાવરણની નાની-મોટી હાનિ કરે જ છે.
![]() |
![]() |
![]() |











