નવજીનવ ન્યૂઝ. નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં દવા માટે એક રૂપિયો લેનાર પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉ. સુશોવન બેનર્જી હવે નથી રહ્યા. કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું છે, તેઓની ઉંમર 83 વર્ષના હતા. ગરીબોના મસીહા તરીકે ઓળખાતા હતા, તબીબના મૃત્યુના સમાચાર સાંભળતા જ સમગ્ર જિલ્લામાં શોકનો માહોલ છવાયો હતો.
ડૉ. સુશોવન બેનર્જી ઉદ્દેશ્ય માત્ર ગરીબોની સેવા કરવાનો હતો. કોરોનાના સમયમાં પણ તેઓ ગરીબ અને લાચાર લોકોની સેવા કરતા રહ્યા હતા. ગરીબોની સેવા કરવામાં તે ક્યારેય હાર્યા ન હતા પણ આજે તે પ્રભુની સામે હારીને સૂઈ ગયા. ડૉ. સુશોવન બેનર્જીનો જન્મ 30 સપ્ટેમ્બર 1939ના રોજ થયો હતો. પોતે ડૉક્ટર બન્યા પછી તેઓ 57 વર્ષ સુધી બોલપુરના હરગૌરીતલામાં માત્ર એક રૂપિયામાં દર્દીઓની સારવાર કરતા હતા. તે દરરોજ સરેરાશ 150 દર્દીઓને ચેકઅપ કરતા હતા. તે ફીના નામે માત્ર એક રૂપિયો લેતા હતા.
તેમની અવિરત સેવાને ધ્યાનમાં રાખીને સરકારે તેમને 2020માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. કોરાના સમય હોય કે સામાન્ય સમયગાળો હોય તેમણે હંમેશા લોકોની સેવા કરવાનું ચાલુ રાખ્યું હતું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સુશોવન બેનર્જી છેલ્લા કેટલાક મહિનાઓથી કિડનીની સમસ્યાથી પીડિત હતા. થોડા દિવસો પહેલા તેને કોલકાતાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં મંગળવારે સવારે સાડા અગિયાર વાગ્યે તેમનું મૃત્યુ થયું હતું.








