Husband of female sarpanch caught taking bribe of lakhs in Gujarat : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો (Gujarat Local Body Election Results) જાહેર થયા બાદ હવે એક નવો વિવાદ શરૂ થયો છે. જો કે, ચૂંટાયેલી મહિલાઓના નામે પતિ દેવો તેમજ પરિવારના અન્ય સભ્યો વહીવટ કરતા હોવાની ફરિયાદો અગાઉ પણ સામે આવી ચૂકી છે. ગુજરાત એસીબી (Gujarat ACB) એ બે દિવસમાં નોંધેલા લાંચ કેસોમાં બે મહિલા સરપંચના પતિ અને એક દિયરની લાખો રૂપિયા લેતા રંગે હાથ પકડી પાડ્યા છે. અત્રે નોંધનીય છે કે, અમદાવાદ શહેરના સરખેજ વૉર્ડની સમિતિ બેઠકમાં મહિલા કોર્પોરેટરના બે પતિઓ હાજરી આપતા વિવાદ થયો હતો.
મહિલા સરપંચના પતિ અને દિયર 5 લાખ લેતા ઝડપાયા
દેવભૂમિ દ્વારકાના હરીપર ગામે આવેલી કાળા પથ્થરની ખાણમાં ખનન કરવા દેવા માટે હેરાનગતિ નહીં કરવા માટે લીઝધારક પાસે 30 લાખની માગણી થઈ હતી. હરિપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પમ્મીબહેનના પતિ ડાયાભાઈ અરજણભાઈ પરમાર સાથે લીઝધારકે રકઝક કરતા 20 લાખ નક્કી થયા અને તોડનો પ્રથમ હપ્તો 5 લાખ આપવાનો નક્કી થયો. આ અંગે એસીબી જામનગરમાં ફરિયાદ કરતા એક ટ્રેપનું આયોજન કરી Team ACB Jamnagar એ ડાયા પરમાર (ઉ. 55) અને તેમના નાના ભાઈ જીવા પરમાર (ઉ. 41) ને સોમવારે 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધા.
મહિલા સરપંચના પતિ 1.10 લાખ લેતા ઝબ્બે
બનાસકાંઠાના ડીસા તાલુકાની ધરપડા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અણદીબહેનના પતિ વદુજી સુરાજી સોલંકી 1.10 લાખની લાંચ લેતા પકડાયા છે. ધરપડા ગામના તળાવમાં માટી કાઢવા માટે પંચાયત અને સિંચાઈ વિભાગમાં ફરિયાદીએ પ્રક્રિયા હાથ ધરી હતી. તળાવમાંથી માટી ખોદકામ કરવા દેવા માટે મહિલા સરપંચના પતિ વદુજી સોલંકી 1.10 લાખનો તોડ કરવા માગતા હોવાથી એસીબી બનાસકાંઠા પોલીસ સ્ટેશન (ACB Banaskantha Police Station) માં ફરિયાદ થઈ હતી. જેના આધારે છટકું ગોઠવીને વદુજી સોલંકીને આજે મંગળવારે એસીબીની ટીમે ઝડપી લઈ ધરપકડ કરી છે.








