Saturday, June 13, 2026
HomeGujarat2009માં અમદાવાદના લઠ્ઠાકાંડ પછી તે IPS અધિકારીએ કહ્યું 'હવે તમારે મારા નામે...

2009માં અમદાવાદના લઠ્ઠાકાંડ પછી તે IPS અધિકારીએ કહ્યું ‘હવે તમારે મારા નામે દારૂના હપ્તા લેવાના નથી’-

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ગુજરાતની દારુબંધી અંગે કઈ કહેવા જેવું નથી કારણ કોઈ પણ સરકાર કોઈ પણ દાવો કરે અને કાયદો કડક બનાવે પણ ગુજરાતમાં દારૂ પીનારો ક્યારેય તરસ્યો રહ્યો હોય તેવું 1960 પછી એક પણ દિવસ બન્યું નથી, દોષ માત્ર સરકારના માથે નાખી નીકળી જવું પણ યોગ્ય નથી કારણ ગુજરાતમાં પ્રત્યેક દસમાંથી સાત લોકો દારૂ પીતા હશે છતાં દારૂબંધી ઉપર જાહેરમાં કડક મત પણ રજુ કરી શકે છે. ગુજરાતની દારૂબંધી અને તેના વર્તુળને નાથવુ અશક્ય એટલા માટે છે કે ગુજરાત પોલીસ જે પ્રકાર અન્ય ગુનાને નાથવા કામ કરે છે તે કામગીરી માટે પણ અપ્રત્યક્ષ રીતે પૈસા પોલીસ પાસે દારૂમાંથી જ આવે છે. સામાન્ય છાપ એવી છે કે પોલીસ પાસે દારૂના પૈસા આવે છે તે તમામ પોતાના ઘરે લઈ જાય છે પણ તે સંપૂર્ણ સત્ય નથી, પોલીસ પાસે આવતા પૈસામાંથી મોટો હિસ્સો પોલીસની રોજબરોજની કામગીરીમાં પણ ખર્ચાય છે જેની જાણ પોલીસની કામગીરીને નજીકથી જોનારને જ સમજાય તેવું છે.

પરંતુ આ પ્રકારની ઘટના ઘટે ત્યારે સામાન્ય રીતે સ્થાનિક પોલીસ ઈન્સપેક્ટર અને તેમના સ્ટાફને દોષીત માની નાની મોટી ખાતાકીય સજા ફટકારી સરકાર પોતાની કામગીરી કરી હોવાનો સંતોષ માને છે, પણ ચક્ર શું કામ અને કેવી રીતે ચાલે છે તેનો વિગતે અભ્યાસ કોઈ ગૃહમંત્રી કરતા નથી. શહેર હોય કે જિલ્લો હોય જો પોતાના તાબાના વિસ્તારમાં કોઈ આઈપીએસ અધિકારી નક્કી કરે કે હું દારૂનો ધંધો કરવાની મંજુરી નહીં આપુ તો એક પણ પોલીસ ઈન્સપેક્ટરની હિંમત નથી કે દારૂનો ધંધો ચાલવા દે, પરંતુ નોકરી સિવાયની સેવાઓની જે યાદી પોલીસ ઈન્સપેક્ટર્સને મળે છે તેના કારણે ઈન્સપેક્ટર્સ દારૂના ધંધાને મંજુરી આપે છે, જ્યારે આફત આવે ત્યારે તેમના આઈપીએસ અધિકારી ઈન્સપેક્ટર અને તેમના સ્ટાફને આગળ ધરી સરકી જાય છે, દારૂના એક પણ દરોડા પછી કોઈ પણ આઈપીએસ અધિકારી સામે પગલાં ભરવામાં આવ્યા હોય તેવું આજ સુધી બન્યું નથી.

- Advertisement -



2009માં પણ આ જ પ્રકારે અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો હતો જેમાં 123 લોકોના મોત નિપજ્યા હતા, આ ઘટના પછી સ્થાનિક પોલીસ સહિત વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી હતી, આવી જ એક એજન્સીમાં ફરજ બજાવતા આઈપીએસ અધિકારી જ્યાં લઠ્ઠાકાંડ થયો તે વિસ્તારની મુલાકાતે ગયા હતા, જ્યાં તેમણે સતત નીકળી રહેલી નનામીઓ અને રડતા કકળતા બાળકો અને સ્ત્રીઓને જોઈ હતી, અમદાવાદમાં દેશી દારૂનું આ મોટું હબ ગણાય, સ્થાનિક પોલીસ સહિત તમામ એજન્સીઓને મોટું ભરણ જતુ હતું, પરંતુ ઘટના સ્થળે દેશી દારૂના કારણે સ્માશન બની ગયેલી સ્થિતિ આ આઈપીએસ અધિકારી જોઈ ત્યારે તેઓ અંદરથી હચમચી ગયા, તેઓ પોતાની ઓફિસમાં પાછા આવ્યા પછી તેમણે પોતાના ઈન્સપેક્ટર્સ અને સબઈન્સપેક્ટર્સને બોલાવ્યા અને કહ્યું આજથી મેં દારૂના ધંધામાંથી મળતો હપ્તો નહીં લેવાનો નિર્ણય કર્યો છે.



- Advertisement -

એજન્સીની તપાસનો મોટો મદાર પણ દારૂમાંથી મળતો પૈસો હોય છે, એટલે આઈપીએસ અધિકારીએ પોતાના તાબાના અધિકારીઓને કહ્યું કોઈની જીંદગીના ભોગે મળતા પૈસા મારે જોઈતા નથી, તમારે લેવા કે નહીં તે તમારો નિર્ણય છે પરંતુ આજ પછી મારા નામે દારૂના હપ્તા તમારે લેવા નહીં. આવી જ સ્થિતિ અત્યારે બરવાળાની છે, અત્યારે ગૃહ વિભાગે આ મામલે એક એએસઆઈની બદલી કરી છે હજી પાંચ દસ સસ્પેન્ડ થશે પણ આ વિસ્તારના સિનિયર અધિકારીએ પોતાની છાતી ઉપર હાથ મુકી પ્રશ્ન પુછવાની જરૂર છે કે આ અડ્ડા પાસેથી આપણે હપ્તા મળતા હતા કે નહીં.

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular