પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): બરવાળામાં બનેલા લઠ્ઠાકાંડની ઘટના એ કાંઈ ગુજરાતનો પહેલો લઠ્ઠાકાંડ નથી, પરંતુ દેશી દારુનું ચલણ અલગ અલગ જિલ્લાઓમાં યથાવત રહ્યું છે. ખાસ કરીને જે દેશી દારુ ઝેરી બની જાય છે તેના કારણે માણસ દ્રષ્ટિહીન થવાની સાથે મોત પણ નિપજે છે, પરંતુ રાજ્યના ખૂણે ખૂણે બનતો આ દેશી દારુ ક્યારે લઠ્ઠો બની જાય છે તેના કારણો આ પ્રમાણેના છે.
1- સામાન્ય રીતે દેશી દારુ બનવા માટે સળેલો ગોળ અને નવસારને એકત્ર કરી ત્રણ દિવસ સુધી પાણીમાં રાખવો પડે છે, ત્રણ દિવસ પછી જ્યારે તેમાં આથો આવવાની શરૂઆત થાય ત્યારે આ પાણીને ઉકાળી તેની વરાળને એક વાસણમાં એકત્ર કરાય છે. આ દારુ બનાવવાની જુની અને જાણીતી પરંપરા છે. પરંતુ આ વેપારમાં આંધળી કમાણી હોવાના કારણે દેશી દારુ બનાવનારને આખી પ્રક્રિયા માટે ત્રણ દિવસની રાહ જોવી પડે છે, આ ત્રણ દિવસ ઘટાડવા માટે ઘણા દેશી દારુ બનાવનારા તેમાં મિથાઈલ નામનું કેમિકલ ભેળવે છે. મિથાઈલ યોગ્ય માત્રામાં હોય ત્યાં સુધી તે મોટું નુકસાન કરતું નથી કે જીવ પર આવી બને પણ દેશી દારુ બનાવનાર અભણ માણસ પાસે કોઈ ફાર્મસીની ડિગ્રી હોતી નથી તેથી જ્યારે મિથાઈલનું પ્રમાણ જળવાય નહીં અને નિયત માત્રા કરતા વધુ મિથાઈલ દેશી દારુમાં ઉમેરી દેવામાં આવે ત્યારે તે ઝેરી દારુ બની જાય છે.
2- ઘણા દેશી દારુ બનાવનાર લોકો ત્રણ દિવસ રાહ જોવાને બદલે ગોળ અને નવસારના એકત્ર પાણીમાં યુરિયા ખાતર અને ઉંઘની ગોળીનો મોટો જથ્થો ઉમેરી દે છે. જ્યારે વ્યાપક પ્રમાણમાં ઉંઘની ગોળીઓ દેશી દારુમાં ઉમેરી દેવાય ત્યારે આ દેશી દારુનું સેવન કરનાર ઘેનમાં આવી તેનું મોત નિપજે છે. આ જ પ્રકારે પશુઓને આપવામાં આવતા કેટલાક ઈન્જેક્સન્સનો ઉપયોગ પણ દેશી દારુ બનાવનાર કરતા હોય છે. આમ દેશી દારુમાં જો કોઈ કેમિકલની ભેળસેળ ન થાય તો તે વધુ ઘાતક બનતો નથી, ગુજરાતમાં કેટલીક જ્ઞાતિઓનો પારંપરિક દારુ બનાવવાનો વ્યવસાય છે. જ્યારે આદિવાસી વિસ્તારમાં મહુડાનો દારુ બનાવવાનું ચલણ છે, પરંતુ આ વિસ્તારમાં કેમિકલનો ઉપયોગ નહીં થતો હોવાને કારણે લઠ્ઠાકાંડ જેવી ઘટનાઓ ઘટતી નથી. જ્યાં માગ વધારે છે તેવા વિસ્તારોમાં ઝડપથી શ્રીમંત થવા દેશી દારુ બનાવનાર મિથાઈલની ભેળસેળ કરે છે અને આ પ્રકારનો દેશી દારુ લઠ્ઠાકાંડનું સર્જન કરે છે.








