Friday, March 29, 2024
HomeGujaratકોઈનો વ્યવહાર સારો લાગે તો તેનો આભાર બનાવમાં આપણે કંજુસાઈ કરવી જોઈએ...

કોઈનો વ્યવહાર સારો લાગે તો તેનો આભાર બનાવમાં આપણે કંજુસાઈ કરવી જોઈએ નહીં

- Advertisement -

આપણને કાયમ તડ અને ફડ કરવાનું જ શિક્ષણ મળે છે,આપણી આસપાસ એવા અનેક મિત્રો છે કે વાતચીતમાં કહે છે કે મેં તો પછી ફલાણાને મોંઢા ઉપર ચોપડાવી દીધુ, આવુ કહેવામાં અનેક વખત આપણને બહાદુરી પણ લાગે છે, વર્ષો સુધી હું પણ આવો જ વ્યવહાર કરતો રહ્યો, હું માનતો હતો કે કોઈને પણ પછી તે પદ અને ઉમંરમાં ગમે એટલો આપણા કરતા મોટો હોય પણ તેના મોંઢે તેમને જવાબ આપવો તે આપણી બહાદુરી છે, આપણે સ્વીકારી લીધુ છે કે આપણી સાથે ખરાબ વ્યવહાર કરનાર અથવા આપણને જયારે પણ માંઠુ લાગે ત્યારે તેનો તરત તે જ ભાષામાં પ્રત્યુતર આપી દેવો અને બહુ જ સહજ બાબત છે તેમાં કઈ ખોટુ પણ નથી, આમ જયારે આપણને ખરાબ લાગે ત્યારે કેવો વ્યવહાર કરવો તેની તાલીમ તો આપણને આપણા ઘર અને મિત્રો પાસેથી જાણે અજાણે મળે છે, પરંતુ આપણા જીવનમાં કઈ રોજ ખરાબ લાગે તેવી જ ઘટનાઓ ઘટતી નથી, આપણા જીવનમાં ખરાબ લાગે તેવી ઘટનાઓ કરતા સારી લાગે તેવી અનેક બાબતો ઘટે પરંતુ આપણે તેની નોંધ જ લેતા નથી.



આપણી આસપાસ આપણા જીવનમાં જે રોજ સારૂ થાય છે તેની પાછળ આપણા પરિવારજનો,આપણા મીત્રો, સાથી કર્મચારીઓ, આપણા હાથ નીચે કામ કરતા કર્મચારી અને આપણે બજારમાં જઈએ ત્યારે સાવ અપિરીચત લોકો પણ આપણા મનને ટાઢક થાય તેવુ કરતા હોય છે પણ ભાગ્યે જ આપણે તેમની નોંધ લેતા હોઈએ છીએ, જયારે તેમની નોંધ જ ભાગ્યે જ લેવામાં આવતી હોય ત્યારે તેમનો આભાર માનવાનો તો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, ઘરમાં રહેલી સ્ત્રી તે પછી માતા હોય કે પત્ની તે આપણી બારીક બારીક બાબતોનું ધ્યાન રાખે છે, આપણા ગમ-અણગમા પણ કયારેય તેના ધ્યાન બહાર જતાં નથી, પરંતુ આપણે તેના સારાપણાની કયારેય નોંધ લેતા નથી, હા તેમના દ્વારા જાણે અજાણે કોઈ ચુક થાય તો ઠપકો આપવામાં અને નારાજગી વ્યકત કરવામાં જરા પણ વિલંબ કરતા નથી, પરંતુ આજે શાક સારૂ થયુ છે, જમવાની ખુબ મઝા આવી તેવુ કહેતા આપણી જીભ ઉપર કોઈ એક મણનો પથ્થર મુકયો એટલે ભાર આવી જાય છે. મને પણ જમવાનું સારૂ થયુ છે તેવુ કહેવાની આદત ન્હોતી, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી રસોઈ કરવાની લત લાગી છે, તેના કારણે જયારે જમવાનું પીરસાય અને બાળકો પહેલો કોળીયો મોંઢામાં મુકે ત્યાં સુધી મારી નજર તેમના ચહેરા ઉપર હોય છે

- Advertisement -

તેમના ચહેરા ઉપરનો ભાવ જોઈ હું સમજી જાઉ છુ કે જમવાનું તેમને પસંદ પડયુ છે કે નહીં, આમ છતાં હું રોજ તેમને કહુ છુ કે અરે યાર કયારેક તો તમે મારી રસોઈના વખાણ કરો, ત્યારે સામેથી જવાબ મળે છે રોજ શુ વખાણ કરવાના તમે બેસ્ટ જ બનાવો છે, આમ છતાં મન ઝંખે છે કે કોઈ મારા વખાણ કરે, મને સમજાયુ કે મારા કારણે તેમને મઝા આવી તેવુ કોઈ કહે ત્યારે ખુબ સારૂ લાગે છે, એટલે જ હું કોઈ પણ નાની મોટી રેસ્ટોરન્ટમાં પણ જાઉ ત્યારે જમવાની મઝા આવે તો અચુક હું રેસ્ટોરન્ટના સ્ટાફને બોલાવી કહુ છુ કે મેનું બનાવનાર કુકને મારા તરફથી જરૂર થેંકસ કહેજો.આપણે બીજાનો આભાર માનતા જ નથી,. એવુ પણ નથી આપણે કોઈ મોટો અમલદાર હોય, કોઈ નેતા હોય તો આપણને મળેલા સહયોગ માટે આપણે તેમનો જરૂર આભાર માનીએ છીએ પરંતુ આપણે કયારેય સફાઈ કામદારનો આપણે આપણા શબ્દો અને વ્યવહાર દ્વારા કહેતા નથી કે તારા કારણે અમારૂ જીવન સરળ બન્યુ છે, આપણે શાક ખરીદીએ ત્યારે શાકવાળાને કે પછી આપણે ત્યાં દુધ આપવા આવતી વ્યકિતને આપણો આદર વ્યકત કરતા નથી, કારણ આપણને એવુ લાગે કે સફાઈ કામદાર, દુધ અને શાકવાળાએ શુ ઘાડ મારી છે, પણ આપણે કલ્પના કરતા નથી આપણને જે સહજતાથી મળે છે તેના માટે તે કેટલી મહેનત કરે છે.




આજે હું પિતા છુ કયારેક હું પુત્ર હતો, પણ મને ત્યારે સમજાયુ જ નહીં, મારા સુખ માટે મારા માતા પિતા તેઓ જે કષ્ટ સહન કરે છે તે તેમને કષ્ટ લાગતુ જ નથી, કારણ તેમને પોતાના સંતાન માટે પણ કષ્ટ કરવામાં સુખ મળે છે, પરંતુ આ તો તેમનો પક્ષ હતો, પણ મને એક પુત્ર તરીકે એવુ લાગ્યુ જ નહીં કે મારા વ્યવહાર દ્વારા તેમને હું અનુભુતી કરાવુ કે તમારા કષ્ટની મારે મન મોટી કિમંત છે અને હું તમને પ્રેમ કરૂ છુ, કારણ દરેક વ્યકિત આભાર અને પ્રેમ વ્યકત કરવા શબ્દોની જરૂર પડતી નથી, આજે અંગ્રેજી માધ્યમની સ્કુલના ચલણને કારણે થેંકસ અને વેલકમ શબ્દો બાળકના જીવનમાં આમ બન્યા છે, પણ થેેંકસ માત્ર શબ્દ બની રહી જાય છે, આજના સ્કુલની તાલીમમાં માત્ર પોતાને ગમતી વસ્તુ અને ભેટ મળે ત્યારે થેંકસ કહેવાની ટેવ પડે છે, પણ દિવસ દરમિયાન આપણુ જીવન સરળ બનાવવામાં અનેક લોકો હિસ્સોદાર બને છે પણ આપણે તેમનો આભાર શબ્દો અને વ્યવહારમાં કયારેય માનતા નથી, ઓફિસમાં રહેલો પટાવાળો જો પોતાના સાહેબને પાણીનો ગ્લાસ આપે તો સાહેબે તેનો આભાર શુ કામ માનવો જોઈએ કારણ પટાવાળાનું કામ જ પાણી આપવાનું છે તેવુ મોટા ભાગના સાહેબ માને છે, એટલે સાહેબ તેનો આભાર માનતા નથી અને પટાવાળાને કયારેય એવી અનુભુતી થતી નથી કે તેનું કામ પણ ઓફિસમાં એટલુ જ મહત્વનું છે..

જેમ માફી માગવી અધરી હોય છે તેમ આપણા જીવનમાં સારૂ કરનારને બે શબ્દમાં સારૂ કહેવુ પણ મુશ્કેલ કામ હોય છે ખાસ કરી જયારે આપણા જીવનમાં સારૂ કરનાર કોઈ પરિવારજન હોય અથવા કોઈ અત્યંત નજીકની વ્યકિત હોય ત્યારે આપણે તેમનો આભાર માની શકતા નથી, પરંતુ વખાણ કરવાની ટેવ પણ પાડવી જોઈએ કારણ જયારે આપણે કોઈનો આભાર માનીએ અથવા તેમની સારી બાબતના વખાણ કરીએ ત્યારે આપણે પોતાના કરતા તેમને એક પદ ઉપરનું સ્થાન આપીએ છીએ, એટલે આ થોડુક અધરૂ છે કારણે આપણા કરતા ઉપરના પદ ઉપર કોઈને સ્થાન આપવુ સહેલુ પણ નથી છતાં અશકય નથી જેમ ખરાબ ટેવો અથવા ખોટી પંરપરા આપણને વેલાની જેમ વળગી જાય છે તેવી રીતે બીજાના માટે સારૂ બોલાવાની ટેવને જ આપણી જીવનની આદત બનાવવી પડશે,. આ પ્રયોગ કરી જુઓ, આજે તમારી ઓફિસના પટાવાળો ચ્હા આપે ત્યારે તેને થેંકસ કહી જુવો અથવા તમે જમવા બેસો ત્યારે તમારી પત્નીની રસોઈના વખાણ કરજો ઈલેકટ્રીક સર્કીટની જેમ એક સાથે બંન્નેના ચહેરા ઉપર આનંદ અને ઉષ્માનો સંચાર થશે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular