Friday, June 5, 2026
HomeGujarat₹226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ: આતંકવાદી ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્ક સાથે...

₹226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ: આતંકવાદી ફંડિંગ અને ડ્રગ્સ નેટવર્ક સાથે કનેક્શન, ભાવનગરના બે આરોપી ઝડપાયા

- Advertisement -

Bhavnagar crime News: ગુજરાત CID ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે આતંકવાદી ફંડિંગ, આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને ડાર્ક વેબ સાથે જોડાયેલા ₹226 કરોડથી વધુના ક્રિપ્ટોકરન્સી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. તપાસ દરમિયાન “ડર્ટી ક્રિપ્ટો”ને USDTમાં કન્વર્ટ કરતી ટોળકીના વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસ મહાનિદેશક સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલવેઝ તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી આ સમગ્ર નેટવર્કનો ભાંડો ફોડવામાં આવ્યો હતો. અગાઉ આ જ કેસમાં 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે વધુ બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

- Advertisement -

સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટેક્નિકલ ટીમે ક્રિપ્ટોકરન્સી અને તેના વ્યવહારોનું બ્લોકચેઇન એનાલિસિસ કરતા આંતરરાષ્ટ્રીય નાણાકીય નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્ક ડાર્ક વેબ પર નાર્કોટિક્સ ડ્રગ્સના વેચાણ, મની લોન્ડરિંગ અને આતંકવાદી સંગઠનોના ફંડિંગ સાથે સંકળાયેલું હતું.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સબ્બીર અલી સરાનીના નામે રહેલા ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ તેમના નાના પુત્ર હાદીરજા શબીરઅલી સરાની અને તેના મિત્ર મોહમંદ ઝામીન અબ્બાસઅલી જીગર દ્વારા કરવામાં આવતો હતો. બંનેએ કેવાયસી વિગતો મેળવી બાયનાન્સ વોલેટ ખોલીને ગેરકાયદેસર રીતે ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું સામે આવ્યું છે. તપાસમાં OFAC દ્વારા પ્રતિબંધિત ગણાતી Ansarullah (Houthi) અને Garantex સાથે જોડાયેલા વ્યવહારોમાંથી લગભગ 5000 USDT મેળવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે.

આ કેસમાં આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 111(2)(B), 153, 61 તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2008ની કલમ 66(C) અને 66(D) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

ધરપકડ કરાયેલા આરોપીઓમાં ભાવનગરના સવાઈ ઘરની શેરી, ખંભાતી ડેલોમાં રહેતા 23 વર્ષીય હાદીરજા શબીરઅલી સરાની અને અંબાચોક, ખોજાવા ગલી નં-2માં રહેતા 36 વર્ષીય મોહમંદ ઝામીન અબ્બાસઅલી જીગરનો સમાવેશ થાય છે.

CID ક્રાઇમે જનતાને અપીલ કરી છે કે થોડા કમિશન કે લાલચમાં આવીને પોતાના બેન્ક એકાઉન્ટ અન્ય લોકોને ભાડે ન આપે, અજાણ્યા ક્રિપ્ટોકરન્સી વ્યવહારોથી દૂર રહે, સોશિયલ મીડિયા પર મળતી લોભામણી રોકાણ યોજનાઓથી સાવધાન રહે અને ડાર્ક વેબ પર કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ ન થાય. કોઈપણ પ્રકારનો સાયબર ફ્રોડ અથવા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન જણાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવવાની પણ અપીલ કરવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular