Demolition drive in Viramgam : અમદાવાદ જિલ્લામાં આવેલા વિરમગામ શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પાસે થયેલા ગેરકાયદેસર બાંધકામોને તંત્રએ તોડી પાડ્યા (Encroachments on Viramgam State Highway removed) છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ વિરમગામના ગંગાસર તળાવ નજીક રોડ પર રહેલી દરગાહ, કબ્રસ્તાન, મંદિર અને દુકાનોને જમીન દોસ્ત કરી દેવાઈ હતી. વર્ષોથી રહેલા ગેરકાયદેસર દબાણો દૂર કરાતા અંદાજે 4 હજાર ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. રોડ વિસ્તરણ અને જાહેર હિતના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટીતંત્ર, માર્ગ અને મકાન વિભાગ તથા અમદાવાદ જિલ્લા પોલીસ (Ahmedabad Rural Police) દ્વારા છેલ્લા બે મહિનાથી સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું હતું.
મંદિર, દરગાહ અને કબ્રસ્તાનના દબાણ હટાવતી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડે નહીં તે હેતુથી ધાર્મિક પ્રતિનિધિઓ અને સ્થાનિક આગેવાનો સાથે બેઠકો યોજી ચર્ચા કરી વિશ્વાસમાં લીધા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક ડીવાયએસપી, 15 પીઆઈ સહિત 550થી વધુ પોલીસ અધિકારી/કર્મચારી બંદોબસ્તમાં જોડાયા હતા.








