Violent student protests in France : ફ્રાન્સમાં શાળાઓની જર્જરિત સ્થિતિ, શિક્ષકોની અછત અને વિદ્યાર્થીઓની વધતી સંખ્યાના કારણે શરૂ થયેલું આંદોલન ચારેય તરફ ફેલાઈ ગયું છે. 5.40 લાખ કરોડ રૂપિયાના ખર્ચકાપનો પ્રસ્તાવ સરકારે મુકતા વિદ્યાર્થીઓ સહિતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પેરિસ, માર્સેઈ સહિત અનેક શહેરોમાં આગચંપી, તોડફોડના બનાવ બન્યા છે. પોલીસ સાથે અથડામણ કરનારા 450 જેટલાં લોકોની અટકાયત કરવામાં આવી છે.
વડાપ્રધાન સેબાસ્ટિયન લેકોર્નુની સરકારનો 5.4 લાખ કરોડ રૂપિયા (54 અબજ યુરો)નો ખર્ચકાપનો પ્રસ્તાવ છે. ફ્રાન્સનું જાહેર દેવું 2026ના મધ્ય સુધીમાં 359.6 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું છે. જે GDP ના અંદાજે 119 ટકા જેટલું છે. સરકારના પ્રસ્તાવમાં વિવિધ સરકારી વિભાગોના ખર્ચમાં ઘટાડો, માળખાકીય વિકાસ માટેના ભંડોળમાં રોક અને શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓના મૂળ પગારમાં 2027 સુધી વધારો સ્થગિત કરવાનો સમાવેશ થાય છે. સરકારના ખર્ચકાપના પ્રસ્તાવ સામે વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ અને વિવિધ ક્ષેત્રના કામદારો રસ્તા પર ઉતરતાં અનેક શહેરોમાં તંગદિલી સર્જાઈ છે. દેશભરમાં 400થી વધુ હાઈસ્કૂલ અને અનેક યુનિવર્સિટી કેમ્પસ બંધ રહ્યા અથવા શિક્ષણ કાર્ય ખોરવાયું છે.
પેરિસ આસપાસના કામદાર વિસ્તારોમાંથી શરૂ થયેલું આંદોલન લિલ, લિયોન, નાંતે, માર્સેઈ, બોર્ડો, રેન, તુલૂઝ અને સ્ટ્રાસબર્ગ જેવા શહેરો સુધી પહોંચ્યું છે. શરૂઆતમાં વિદ્યાર્થીઓ શાળાના પ્રવેશદ્વાર સામે કચરાના ડબ્બા, લાકડાં અને ધાતુની વાડ ગોઠવીને વર્ગો અટકાવતા હતા. બાદમાં કેટલાંક સ્થળોએ સ્થિતિ વધુ ઉગ્ર બની હતી. માર્સેઈમાં લિસે સેન્ટ-એક્ઝ્યુપેરી નજીક તોફાનીઓએ રસ્તા પર આગ લગાવી હતી. આગ બુઝાવવા પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીને કેટલાંક લોકોએ આગ ચાંપી દીધી હતી. અન્ય એક શાળામાં આગચંપીના પ્રયાસ દરમિયાન શાળાના પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ પણ દાઝ્યા હતા.








