Dholera Express way Accident: ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર પીપળી ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઉતરીને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થયાં છે, જ્યારે અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, કારમાં કુલ છ લોકો સવાર હતા અને તમામ અમદાવાદના જમાલપુર વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને 112ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત ચારેય લોકોને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મતમાં મૃત્યુ પામેલા એક વ્યક્તિની ઓળખ અમદાવાદના જમાલપુરના 32 વર્ષીય નઝીરહુસેન અબ્દુલકાદિર મેમણ તરીકે થઈ છે. જ્યારે અન્ય એક મૃતકની ઓળખ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાથમિક તપાસમાં કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.








