Sunday, November 15, 2026
HomeInternationalઅમેરિકામાં ચમત્કાર! 180 મુસાફરોથી ભરેલી ક્રૂઝ બોટ ટેન્કરની ટક્કરથી પલટી, તમામનો બચાવ:...

અમેરિકામાં ચમત્કાર! 180 મુસાફરોથી ભરેલી ક્રૂઝ બોટ ટેન્કરની ટક્કરથી પલટી, તમામનો બચાવ: Video

- Advertisement -

America cruise accident news video: અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં મિસિસિપી નદી પર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. એક ટેન્કરે ડોક પર ઊભેલી ક્રૂઝ બોટને જોરદાર ટક્કર મારતાં બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતને કારણે અનેક મુસાફરો નદીમાં પડી ગયા હતા. જોકે, મોટા પાયે હાથ ધરવામાં આવેલા રેસ્ક્યૂ ઓપરેશનને કારણે ક્રૂઝમાં સવાર તમામ 180 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો આબાદ બચાવ થયો હતો. આ ઘટનાને ન્યૂ ઓર્લિયન્સના મેયરે ‘મિસિસિપીનું ચમત્કાર’ ગણાવી હતી.

ન્યૂઝ એજન્સી APના અહેવાલ મુજબ, આ ઘટના ન્યૂ ઓર્લિયન્સમાં બની હતી. ‘એટલાન્ટિક એસ્ફાલ્ટ’ નામના ટેન્કરની સ્ટિયરિંગ સિસ્ટમ ફેલ થતાં તેણે ડોક પર ઊભેલી ‘અમેરિકન હેરિટેજ’ ક્રૂઝ બોટને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ક્રૂઝ બોટના કેટલાક ભાગોને નુકસાન પહોંચ્યું હતું અને તેમાં પાણી ભરાવા લાગ્યું હતું. ત્યારબાદ બોટ એક તરફ નમવા લાગી અને અંતે પલટી ગઈ હતી.

- Advertisement -

અકસ્મતાના વીડિયો પ્રત્યક્ષદર્શીઓએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ આસપાસ હાજર ટગબોટ ઓપરેટરો, બંદર કર્મચારીઓ, પોલીસકર્મીઓ અને બચાવ ટુકડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. જોકે, બચાવ કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન જ ક્રૂઝ બોટ પલટી ગઈ હતી. આ દરમિયાન ડઝનબંધ મુસાફરો અને ઓછામાં ઓછા બે પોલીસ અધિકારીઓ મિસિસિપી નદીમાં પડી ગયા હતા.

નદીના પાણીનું તાપમાન આશરે 19 ડિગ્રી સેલ્સિયસ હતું. બચાવકર્મીઓએ નજીકમાં હાજર અન્ય જહાજોની મદદથી નદીમાં પડેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. લાંબા અને મોટા રેસ્ક્યૂ ઓપરેશન બાદ ક્રૂઝમાં સવાર તમામ 180 લોકોનો હિસાબ મળી ગયો હતો. કોઈ વ્યક્તિ ગુમ થઈ ન હોવાનું પણ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું.

ન્યૂ ઓર્લિયન્સનાં મેયર હેલેના મોરેનોએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે એક પણ વ્યક્તિ ગુમ નથી. તેમણે આ ઘટનાને ખરેખર ‘મિસિસિપીનું ચમત્કાર’ ગણાવી હતી. અકસ્માતમાં કુલ 32 લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, કોઈની પણ હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું નહોતું.

- Advertisement -

આ અકસ્માતમાં અનેક મુસાફરોના ઓળખપત્રો, મોબાઈલ ફોન અને વાહનોની ચાવીઓ ખોવાઈ ગઈ હતી. મોટાભાગના મુસાફરો અન્ય શહેરોમાંથી આવ્યા હોવાથી તેમને પોતાના પરિવારજનોનો સંપર્ક કરવામાં પણ મુશ્કેલી પડી રહી હતી. કેટલાક મુસાફરો પાસે મોબાઈલ ફોન પણ બચ્યા નહોતા. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પ્રશાસને અસરગ્રસ્ત મુસાફરો માટે ભોજન, હોટેલમાં રહેવાની વ્યવસ્થા અને પરિવહનની સુવિધા શરૂ કરી હતી.

આમ, ટેન્કરની જોરદાર ટક્કરથી ક્રૂઝ બોટ પલટી જવા છતાં તમામ 180 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સનો બચાવ થતાં અમેરિકામાં આ ઘટનાની ભારે ચર્ચા થઈ રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular