Supreme Court’s significant verdict in the Bilkis Bano gang-rape case : ગુજરાતમાં વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સભ્યોની હત્યા માટે 11 શખ્સોને દોષિત ઠેરવી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. બિલ્કીસ બાનો ગેંગ રેપ અને હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે બે દોષિતની આજીવન કેદની સજા સ્થગિત કરી (Supreme Court stayed the life imprisonment sentences of two convicts) છે. 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા બાદ તેમને જામીન આપવામાં આવ્યા છે. એક દોષિતની ગંભીર અપંગતાને રાહત માટેનો આધાર ગણાવવામાં આવ્યો હતો. જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને જસ્ટિસ પ્રસન્ન બી. વરાલેની ખંડપીઠે ગત 28 ઓક્ટોબરે આ આદેશ આપ્યો હતો. અત્રે નોંધનીય છે કે, ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે (Government of Gujarat) આ કેસના તમામ 11 દોષિતોને સમય પહેલાં જેલમુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવતાં સર્વોચ્ચ અદાલતે 8 જાન્યુઆરી 2024 ના રોજ ગુજરાત સરકારના આદેશને રદ્દ કરી તમામ દોષિતોને ફરીથી જેલમાં ધકેલી દેવા હુકમ કર્યો હતો.
બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) ના 2017ના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે અપીલો હકીકત અને કાયદાના મુદ્દાઓ ઉભા કરે છે જેનો વિચાર કરવાની જરૂર છે. કોર્ટે તેના આદેશમાં જણાવ્યું હતું કે બંને અપીલકર્તાઓ 17 વર્ષથી વધુ સમયથી જેલમાં છે અને તેમાંથી એક ગંભીર રીતે અક્ષમ છે. નિઃશંકપણે, અપીલ હકીકત અને કાયદાના મુદ્દાઓ ઉભા કરે છે જેનો નિર્ણય લેવાની જરૂર છે.
દોષિતોનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ સિદ્ધાર્થ લુથરા (Siddharth Luthra) એ દલીલ કરી હતી કે બંનેએ 17 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યો છે. એક દોષિતનું નામ FIR માં નહોતું અને ઘટનાના લગભગ ત્રણ વર્ષ પછી તેના પર આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો હતો. એડિશનલ સોલિસિટર જનરલ રાજા ઠાકરે (Raja Thakare Additional Solicitor General) એ જામીન અરજીઓનો સખત વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે નીચલી અદાલત અને બોમ્બે હાઈકોર્ટ બંનેએ કેસમાં ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાનમાં લીધા પછી દોષિતોને સજા ફટકારી હતી. ખંડપીઠે જણાવ્યું હતું કે સંબંધિત ટ્રાયલ કોર્ટ બંને દોષિતો માટે જામીનની શરતો નક્કી કરશે.








