ST Certificate Madhya Pradesh: મધ્યપ્રદેશ હાઈકોર્ટે અનુસૂચિત જનજાતિ (ST)ના પ્રમાણપત્રને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતા અથવા પરિવારના અન્ય સભ્યો પાસે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર હોવાના આધારે બાળકોને આપમેળે તે જનજાતિના સભ્યનો દરજ્જો મળી જતો નથી. જનજાતિ પ્રમાણપત્રનો દાવો ઉપલબ્ધ દસ્તાવેજો અને અન્ય સંબંધિત સંજોગોના સમગ્ર મૂલ્યાંકનના આધારે નક્કી કરવો જરૂરી છે.
જસ્ટિસ મિલિંદ રમેશ ફડકેની બેન્ચે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે પૂર્વજો અથવા પરિવારના અન્ય સભ્યોની જાતિ કે જનજાતિની સ્થિતિ દર્શાવતા કેટલાક દસ્તાવેજો માત્ર હોવાના કારણે કોઈ વ્યક્તિને અનુસૂચિત જનજાતિના સભ્ય તરીકે માન્યતા મેળવવાનો આપોઆપ અધિકાર મળી જતો નથી.
આ મામલે અરજદારોએ હાઈ પાવર સ્ક્રૂટિની કમિટીના 21 ઓગસ્ટ, 2012ના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. કમિટીએ અરજદારોને મોગિયા જનજાતિના અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો આપવાનો દાવો ફગાવી દીધો હતો. અરજદારોના વકીલે દલીલ કરી હતી કે મોગિયા જનજાતિ મધ્યપ્રદેશની અનુસૂચિત જનજાતિઓની યાદીમાં સામેલ છે. અરજદારોએ પ્રમાણપત્ર મેળવવા માટે અરજી સાથે જરૂરી દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા, જેમાં તેમના પિતાના નામે જારી કરવામાં આવેલું જાતિ પ્રમાણપત્ર પણ સામેલ હતું.
અરજદારોના વકીલે વધુમાં જણાવ્યું હતું કે અગાઉ પણ તેમના દાવા પર વિચારણા કરવામાં આવી હતી અને 13 ઓક્ટોબર, 2008ના આદેશથી કમિટીએ તેને ફગાવી દીધો હતો. આ ઉપરાંત 21 ઓગસ્ટ, 2012નો વિવાદિત આદેશ પસાર કરતાં પહેલાં અરજદારોને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવી નહોતી. વકીલના જણાવ્યા અનુસાર, આદેશમાં નિર્ણય પાછળનાં પૂરતાં કારણો પણ દર્શાવવામાં આવ્યાં નહોતાં.
બીજી તરફ, રાજ્ય સરકાર તરફથી દલીલ કરવામાં આવી હતી કે સક્ષમ સ્ક્રૂટિની કમિટીએ કાયદાકીય અને વહીવટી સત્તાઓનો ઉપયોગ કરીને અરજદારોના દાવાની તપાસ કરી હતી. પરિવારના કેટલાક સભ્યોને જનજાતિનું પ્રમાણપત્ર મળ્યું હોય એટલા માત્રથી અરજદારોની જનજાતિની સ્થિતિ સાબિત થઈ જતી નથી.
હાઈકોર્ટે જણાવ્યું હતું કે અરજદારો વિવાદિત આદેશમાં કોઈ ગેરકાયદેસરતા, પ્રક્રિયાગત ખામી કે અધિકારક્ષેત્ર સંબંધિત ભૂલ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પરિવારના અન્ય સભ્યોની જનજાતિની સ્થિતિ દર્શાવતા દસ્તાવેજો એકલા નિર્ણાયક બની શકતા નથી. કાયદાકીય જોગવાઈઓ હેઠળ અન્ય સંબંધિત સંજોગો સાથે તેમનું મૂલ્યાંકન કરવું જરૂરી છે.
આ ચુકાદામાં હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના વર્ષ 1994ના ‘કુમારી માધુરી પાટિલ વિરુદ્ધ એડિશનલ કમિશનર, ટ્રાઇબલ ડેવલપમેન્ટ’ કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે પુનરોચ્ચાર કર્યો હતો કે સ્ક્રૂટિની કમિટીએ દરેક દાવાની નવેસરથી તપાસ કરીને ઉપલબ્ધ પુરાવાઓના આધારે સ્વતંત્ર નિષ્કર્ષ પર પહોંચવું જરૂરી છે.
અંતે હાઈકોર્ટે નોંધ્યું હતું કે અરજદારો વિવાદિત આદેશમાં કોઈ કાયદાકીય કે પ્રક્રિયાગત ખામી સાબિત કરી શક્યા નથી. આથી કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.








