Got Govt. Job at time of retirement: ઉત્તર પ્રદેશના બાગપતના રહેવાસી વિજય કુમાર શર્માનું 59 વર્ષની ઉંમરે સરકારી શિક્ષક બનવાનું સપનું સાકાર થયું છે. 27 વર્ષના લાંબા સંઘર્ષ બાદ તેમની પસંદગી TGT સંસ્કૃત શિક્ષકના પદ પર થઈ છે. લખનઉમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને નિમણૂક પત્ર આપ્યો હતો. ખાસ વાત એ છે કે વિજય કુમાર અનેક વખત શિક્ષક ભરતીની પરીક્ષામાં ક્વોલિફાય થયા હતા, પરંતુ ઇન્ટરવ્યૂમાં બહાર થઈ જતા હતા. આ વખતે ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ ન હોવાથી તેમની પસંદગી થઈ ગઈ.
બાગપતના બદહવાદ ગામના રહેવાસી વિજય કુમાર શર્માએ વર્ષ 1999માં સરકારી નોકરી મેળવવા માટે પ્રયાસ શરૂ કર્યો હતો. લગભગ 27 વર્ષ બાદ 2026માં તેમનું સપનું પૂરું થયું. તેમણે અનેક વખત શિક્ષક ભરતી માટે અરજી કરી અને લેખિત પરીક્ષા પણ પાસ કરી, પરંતુ ઇન્ટરવ્યૂની પ્રક્રિયામાં તેમની પસંદગી થઈ શકતી નહોતી. આ વખતે ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યૂ ન હોવાથી તેમને તેનો લાભ મળ્યો અને TGT સંસ્કૃત શિક્ષક તરીકે તેમની પસંદગી થઈ. લખનઉમાં યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમને નિમણૂક પત્ર આપ્યો હતો. નિમણૂક પત્ર મળ્યા બાદ વિજય કુમારે મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
વિજય કુમાર છેલ્લા આશરે 26 વર્ષથી બડૌત નજીક આવેલી દૂન પબ્લિક સ્કૂલમાં ખાનગી શિક્ષક તરીકે બાળકોને ભણાવી રહ્યા છે. તેમના પિતા લક્ષ્મણ સિંહ પણ સરકારી શિક્ષક હતા. વિજય કુમારને પાંચ સંતાનો છે, જેમાં બે પુત્રો ઉત્તર પ્રદેશ પોલીસમાં સેવા આપી રહ્યા છે અને ત્રણ પુત્રીઓ છે. તેમની એક પુત્રીની પસંદગી પણ શિક્ષણ ક્ષેત્રે થઈ છે, જોકે તે હાલમાં વેઇટિંગ લિસ્ટમાં છે. વિજય કુમારની સફળતાને લઈને સ્કૂલ પરિવાર અને તેમના ગામમાં ખુશીનો માહોલ છે.
સ્કૂલ મેનેજર પ્રશાંતના જણાવ્યા મુજબ, વિજય કુમારે નોકરી કરતા હોવા છતાં અભ્યાસ અને સરકારી નોકરીની તૈયારી છોડ્યા નહોતા. વિજય કુમારનું કહેવું છે કે ઉંમર કેટલી પણ હોય, જો વ્યક્તિ સતત મહેનત અને સંઘર્ષ કરતો રહે તો સફળતા મેળવી શકાય છે. 27 વર્ષની મહેનતનું પરિણામ તેમને 59 વર્ષની ઉંમરે મળ્યું છે. નોકરી મળ્યા બાદ વિજય કુમારે પોતાના સંઘર્ષ વિશે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલો નિમણૂક પત્ર મળવાથી તેમને ખૂબ ખુશી થઈ હતી અને તેઓ તેને પોતાના જીવનની મોટી ઉપલબ્ધિ માને છે. તેમણે યુવાનોને પણ પોતાના લક્ષ્ય માટે સંપૂર્ણ મહેનત કરવાની અપીલ કરી હતી.
વિજય કુમારે જણાવ્યું કે તેમણે 1999થી સરકારી નોકરી માટેની પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું હતું. તેમને આઠ વખત ઇન્ટરવ્યૂ માટેના પત્ર મળ્યા હતા, પરંતુ દર વખતે ઇન્ટરવ્યૂમાં તેમની પસંદગી થઈ શકતી નહોતી. તેમણે ચાર વખત PGT અને છ વખત TGT પરીક્ષા પાસ કરી હોવાનું જણાવ્યું હતું. દરેક વખતે પોતાની ભૂલો સુધારવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી કોઈ પ્રશ્નનો જવાબ ન મળે ત્યાં સુધી તેઓ જમવાનું પણ લેતા નહોતા. પોતાની સફળતામાં તેમણે જે શાળાઓમાં કામ કર્યું ત્યાંના અનુભવ અને બાળકોના સહયોગને પણ મહત્વપૂર્ણ ગણાવ્યો હતો. બાળકો તેમની વાત માનતા અને ભણવામાં ધ્યાન આપતા હતા. બાળકોની સાથે રહીને તેઓ પોતે પણ સતત શીખતા રહ્યા હોવાનું તેમણે જણાવ્યું.








