Tech Mahindra Asia region head Paramjit Dhankhar shot dead : ધનતેરસની રાતે હરિયાણાના ફરીદાબાદ (Faridabad Haryana) માં પાર્કિંગના વિવાદને લઈને પાડોશીએ પાડોશી પર ગોળીઓનો વરસાદ વરસાવી દીધો હતો. ટેક મહિન્દ્રાના એશિયા હેડ પરમજીત ધનખડ અને પાડોશી વચ્ચે પાર્કિંગમાં ઝઘડો થતા મોનુ શર્માએ ઉપરાછાપરી ફાયરિંગ કરતા ધનખડને 9 ગોળીઓ વાગતા સ્થળ પર જ મોત (Paramjit Dhankhar Murder) થયું હતું. આરોપી મોનુ શર્માએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલમાંથી અંદાજે 15 રાઉન્ડ ફાયર કર્યા હતા. હત્યા કર્યા બાદ આરોપી ઘર બંધ કરીને પરિવાર સાથે ફરાર થઈ ગયો છે.
ફરીદાબાદ સેક્ટર 21C માં એક બહુમાળી ઇમારતમાં રહેતા પરમજીત ધનખડ અને મોનુ શર્માના પરિવાર વચ્ચે કૂતરાની હરકતો અને પાર્કિંગના મુદ્દે ઝઘડા ચાલતા હતા. પરમજીત ધનખડનો પરિવાર બહુમાળી ઇમારતમાં પહેલા માળે રહેતો હતો, જ્યારે આરોપી મોનુ શર્માનો પરિવાર ત્રીજા માળે રહેતો હતો. સૂરજકુંડ પોલીસ સ્ટેશન (Surajkund Police Station) ના જણાવ્યા અનુસાર બંને પરિવારો વચ્ચે ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે મોનુ શર્માનો પુત્ર વારંવાર તેના પાલતુ કૂતરાને પાર્કિંગ વિસ્તારમાં મળત્યાગ કરાવતો હતો. પરમજીતનો પુત્ર સૂર્ય વારંવાર આ મામલે વિરોધ કરતો હતો. પાંચેક દિવસ અગાઉ આ મામલે બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. જોકે આ મામલે સમાધાન થઈ ગયું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર પરમજીત ધનખડ કામ માટે સિંગાપોરમાં રહેતા હતા અને અવારનવાર સિંગાપોર-ભારત અવરજવર કરતા હતા. ગત 5 નવેમ્બરના રોજ સિંગાપોરથી પરમજીત તેમના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા ફરીદાબાદ આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર લગ્ન આગામી 24 નવેમ્બરના રોજ થવાના હતા.
સૂરજકુંડ પોલીસના જણાવ્યા અનુસાર પરમજીત 6 નવેમ્બરના શુક્રવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ જીમમાંથી પાછા ફર્યા હતા. જ્યારે તેઓ પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે મોનુ શર્માની કાર તેના નિયુક્ત પાર્કિંગ સ્થળે પાર્ક કરેલી હતી. પરમજીતે મોનુને તેની કાર ખસેડવા કહેતા બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો અને તે લોહીયાળ બન્યો હતો.








