પ્રશાંત દયાળ (શતરંજ-39, નવજીવન ન્યૂઝ): ગુજરાત એટીએસ દ્વારા જે રીતે તપાસ કરવામાં આવી હતી, તેના કારણે ખરેખર હવે કિરણ મર્ડર કેસમાં ક્રાઇમ-બ્રાન્ચને કંઈ કરવાનું જ ન હતું. ક્રાઇમ-બ્રાન્ચની કસ્ટડીમાં રહેલો કમરૂદ્દીન પોતે હત્યા કર્યાની કબૂલાત કરતો હતો. કમરૂદ્દીનને લાવ્યા બાદ વછરાજાની દ્વારા વિનયને ચાની કીટલીવાળા છનાને બોલાવી લેવાની સૂચના આપી હતી. કારણ કે કમરૂદ્દીન હત્યા વખતે જોનાર એકમાત્ર છનો હતો, નાયરની ચેમ્બરમાં પહેલાંથી છનાને બેસાડ્યા બાદ, કમરૂદ્દીનને ત્યાં લાવવામાં આવ્યો, તેને જોતાં છનાએ તરત કહ્યું : “હા સાહેબ, આ એ જ માણહ છે જેણે કિરણભાઈ ઉપર ગોળી ચલાવી હતી.” છનાએ તેને આઇડેન્ટિફાય કરતાં કમરૂદ્દીન નીચી નજર કરી ઊભો રહ્યો હતો. નાયરે છનાને અનેક પ્રશ્નો પૂછ્યા. તે કન્ફ્યૂઝ થઈ જાય તેવા… પણ દરેક પ્રશ્નનો તે યોગ્ય જવાબ જ આપી રહ્યો હતો. કારણ છનો જે બોલી રહ્યો હતો તે સાચું હતું અને તેને કંઈ યાદ કરી બોલવું પડતું ન હતું.
બપોરે નાયરે સ્ટાર હોટલના મૅનેજર અને વેઇટરને બોલાવ્યા હતા. પહેલાં નાયરે તેમના દ્વારા સાથે લાવવામાં આવેલા હોટલના રજિસ્ટરોને તપાસ્યા. જેમાં કમરૂદ્દીનની એન્ટ્રી હતી. તેણે પોતાના અક્ષરોમાં કમરૂદ્દીનના નામની સહી કરી હતી. મૅનેજરને હોટલમાં સીસીટીવી હોવાનું પૂછતાં, તેણે ના પાડી હતી. તરત નાયરે ઊભા થઈ તેને એક લાફો ફટકારી દેતાં કહ્યું, “સાલે તુમ લોગોં કો સૌ બાર બોલા હૈ કિ સીસીટીવી લગાઓ. આપ માનતે નહીં.” નાયરે ત્યાં ઊભા રહેલા વિનયને આદેશાત્મક ભાષામાં કહ્યું, “ઇનકો ભી સાલોં કો અંદર ડાલો.” મૅનેજર અને વેઇટર ડરી ગયા. તેમણે હાથ જોડતાં નાયરને વિનંતી કરી : “સા’બ, હમ તો નોકર આદમી હૈ. હમ ક્યા કરે? શેઠ સીસીટીવી ડલવાતા નહીં હૈ.” નાયરે ફરી આદેશ આપતાં કહ્યું, “વિનય, ઇસ કે શેઠ કો લે આ, યે લોગ પ્યાર કી ભાષા નહીં સમજતે.” થોડી વારમાં ત્યાં કમરૂદ્દીનને લાવવામાં આવ્યો. નાયરે મૅનેજર અને વેઇટર સામે જોયું, તેઓ બંને કમરૂદ્દીનને જોઈ રહ્યા હતા. તેમના ચહેરાઓ ઉપર શૂન્ય અવકાશ હતો. નાયરે તેમને પૂછ્યું, “યહી તુમ્હારી હોટલ મેં ઉતરા થા?” મૅનેજર અને વેઇટર એકબીજાની સામે જોઈ રહ્યા. કદાચ તે આને ઓળખે છે તેવું કહેતા મનમાં ડર પણ લાગતો હતો. નાયરના મોઢામાંથી મોટી ગાળ નીકળી. બંને ધ્રૂજી ગયા. તરત વેઇટરે માથું હલાવ્યું, આખરે બંનેએ કમરૂદ્દીન હોટલમાં આવ્યો હોવાનું જણાવ્યું.
કમરૂદ્દીનને લઈ ગયા બાદ, નાયરે તેમને એક ફોટો દેખાડ્યો. તે મૌલવી જલાલુદ્દીનનો હતો, જે પોલીસ તેના ઘરેથી જ લઈ આવી હતી. આ વ્યક્તિ હોટલમાં આવી હોવાનું પૂછતાં તરત તેમણે હા પાડી કારણ કે, જલાલનો પહેરવેશ અને ચહેરો જ એવો હતો, તેને એક વખત જોનાર વ્યક્તિ તરત જ બીજી વખત પણ ઓળખી જતી હતી. હજી ઉસ્માન કોણ હતો, તેની ખબર પડતી નહોતી. જલાલુદ્દીનના નજીકના હતા, તે તમામને જલાલના કોઈ ઉસ્માન સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું હતું; પણ જલાલ સાથે ઉસ્માન નામની વ્યક્તિને સંબંધ હોવાનો જલાલના પરિવાર સહિત બધાએ ઇનકાર કર્યો હતો. સાંજ પડવા આવી હતી. ઈન્સપેક્ટર મહેશ રાવ ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થયો. તેની સાથે પાંચ-સાત કૉન્સ્ટેબલ પણ હતા. તે લગભગ ટોળું કહી શકાય એટલા બધા લોકોને લઈ ક્રાઇમ-બ્રાન્ચમાં દાખલ થયા. બધા અંદર દાખલ થઈ જતા, મહેશે તેમને બૂમ પાડી લાઇનમાં ઊભા રહેવાની સૂચના આપી. તરત કૉન્સ્ટેબલો પણ તેમને લાઇનમાં ઊભા રાખવા લાગ્યા. લાઇન થઈ જતાં, તેમને જમીન ઉપર બેસી જવાનું કહ્યું. કેટલાક ઉભડક પગે તો કેટલાક પલાંઠી વાળી જમીન ઉપર બેસી ગયા. લગભગ બધાનાં જ મેલાં-ઘેલાં કપડાં હતાં. કેટલાંક સારાં કપડાંવાળા પણ હતા. તેમના ચહેરા ઉપર ક્રાઇમ-બ્રાન્ચમાં આવવાની નારાજગી બહુ હતી. તેમને શું કામ ક્રાઇમ-બ્રાન્ચ લાવ્યા છે તેની ખબર ન હતી. જેમને અહીંયાં લાવવામાં આવ્યા હતા, માત્ર તેમને નામ પૂછી લઈ આવવામાં આવ્યા હતા.
હવે આ તપાસમાં વછરાજાની ખાસ રસ લઈ રહ્યા ન હતા. તેમને કંઈ પૂછવામાં આવે તો માત્ર એટલું જ માર્ગદર્શન આપતા હતા. બાકીનું કામ હવે દિનેશ નાયર જ સંભાળતા હતા. મહેશે જઈ તેમની ચેમ્બરમાં રિપોર્ટ કરતાં, નાયર મહેશની સાથે ચેમ્બરની બહાર આવ્યા. તેમણે બહાર કતારબંધ બેઠેલા લોકોને જોયા. તેમણે એસીપી નાયર સામે જોઈ પૂછ્યું, “કૌન હૈ યે લોગ?” ઈન્સપેક્ટર મહેશે કહ્યું, “સર, બધાનાં જ નામ ઉસ્માન છે. આપણને જે ઉસ્માન જોઈએ છે, તે મળતો નથી. દરિયાપુર, કાલુપુર, શાહપુર અને જુહાપુરામાંથી જેટલા ઉસ્માન નામના હતા, તેમને હું લઈ આવ્યો છું, જેમાં પાંચ-સાત ઉસ્માન તો એવા છે કે, તેમની સામે અગાઉ ગુનાઓ પણ નોંધાયેલા છે.” નાયર આવું પહેલી વખત જોઈ રહ્યા હતા. માત્ર નામ ઉસ્માન હોવાને કારણે તેમને ક્રાઇમ-બ્રાન્ચ લાવવામાં આવ્યા! તેની સામે કેટલાક ઉસ્માનોને વાંધો પણ હતો, પણ તેમના વાંધાની સામે તેમને લાફો મળતાં તે ચૂપચાપ અહીંયાં આવી ગયા હતા.
નાયરે મહેશને વળતો સવાલ કર્યો, “ઇનકા ક્યા કરેંગે?” મહેશે કમરૂદ્દીનને કસ્ટડીમાંથી બહાર કાઢવાની સૂચના આપી. તેને કસ્ટડી બહાર લાવ્યા ત્યારે તેના ચહેરા ઉપર બુરખો હતો, પણ તેની આંખો પાસે બે કાણા પાડવામાં આવ્યા હતા. જેમાંથી તે બહાર જોઈ શકતો હતો. જોકે તેનો ચહેરો કોઈ જોઈ શકે તેમ ન હતું. નીચે બેઠેલા તમામ ઉસ્માનને ઊભા થઈ જવાની સૂચના આપી. કેટલાક મોઢું નીચું કરીને ઊભા હતા. તરત મહેશના કૉન્સ્ટેબલો વાળ અને દાઢી પકડી ચહેરો સીધો રાખવાની ફરજ પાડતા હતા. કમરૂદ્દીનનો હાથ પકડી એક કૉન્સ્ટેબલ કતારબંધ ઉસ્માનો ઊભા હતા, તેમની પાસેથી તેને પસાર કરવા લાગ્યો. કમરૂદ્દીન ક્યાંક રોકાઈ જતો, પાછો આગળ ચાલતો. જ્યાં તેના પગ થંભી જતા ત્યાં સામે ઊભા રહેલા ઉસ્માનને પરસેવો છૂટી જતો હતો… આવી રીતે બેત્રણ વખત કમરૂદ્દીનને ઉસ્માનોની સામેથી પસાર કરવામાં આવ્યો. પણ તેણે કહ્યું, “નહીં સા’બ, ઇસમેં સે કોઈ નહીં હૈ.” બધા જ પોલીસવાળા નિરાશ થયા. ખરેખર કોઈ ઉસ્માન નામનો વ્યક્તિ આ ગુના સાથે સંકળાયેલો છે કે નહીં, કે પછી કમરૂદ્દીનની સામે જલાલ ઇરાદાપૂર્વક ખોટું નામ બોલી રહ્યો હતો? ઉસ્માન મહત્ત્વની કડી હતી, કારણ કે તેની પાસે ગુનામાં વપરાયેલી પિસ્તોલ હતી, તે પિસ્તોલ તે ક્યાંથી લાવ્યો એ સહિતના અનેક પ્રશ્નોના ઉત્તર ઉસ્માન મળે ત્યારે બહાર આવી શકે તેમ હતા.
મહેશે તમામ ઉસ્માનોને જતા રહેવાની સૂચના આપી હતી. જ્યારે બધા ઉસ્માનો ક્રાઇમ-બ્રાન્ચમાં આવ્યા ત્યારે પોલીસવાનમાં આવ્યા હતા. હવે તેમને ચાલતા અથવા પોતાની રીતે ઘરે જવાનું હતું. કમરૂદ્દીનને કોર્ટમાં રજૂ કરી સાત દિવસના પોલીસ-રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો હતો. કમરૂદ્દીન પોતે પોતાનો ગુનો કબૂલ કરતો હતો, પણ કાયદાની પરિભાષા પ્રમાણે માત્ર આરોપી પોતાનો ગુનો કબૂલ કરે એટલે તેને સજા થાય નહીં. કાયદાનુસાર હજી તપાસમાં ઘણી કડીઓ ખૂટતી હતી. સૌથી મોટો આરોપી એટલે કે સૂત્રધાર જલાલુદ્દીન તેમની પકડથી બહાર હતો. ક્રાઇમ-બ્રાન્ચના એક કૉન્સ્ટેબલને જલાલના ઘરની બહાર વૉચમાં બેસાડી દેવામાં આવ્યો હતો. જોકે ત્યાં જલાલના પરિવાર સહિત કોઈની અવરજવર થતી ન હતી.
નાયરના મનમાં હજી શંકા હતી કે, ખરેખર કમરૂદ્દીન સાચું બોલે છે?! એટલે રાતે તેની ‘સર્વિસ’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પોલીસની ભાષામાં, સર્વિસ કોડવર્ડ હતો. સર્વિસ કરવી તેનો અર્થ થર્ડ ડિગ્રીનો માર મારવો. રાતે બાર વાગે અગાઉની જેમ ક્રાઇમ-બ્રાન્ચના કૅમ્પસમાં એક બાંકડો મૂકી દેવામાં આવ્યો હતો. દરવાજા ઉપર રહેલા સંત્રીને સૂચના આપી દેવામાં આવી હતી કે, કોઈ અંદર ના આવે. થોડી વારમાં કમરૂદ્દીનને બાંકડા ઉપર લાવીને સુવાડવામાં આવ્યો. સામાન્ય રીતે જે આરોપી સાચું જ બોલતો હોય તેને આવી સુવિધાનો લાભ મળતો નથી, છતાં પોલીસ પોતાની શંકાઓનું સમાધાન કરવા માગતી હતી.
મહેશ અને વિનયે પોતાના હાથમાં લાકડી લીધી અને અચાનક ક્રાઇમ-બ્રાન્ચની દીવાલો “સા’બ, જૂઠ નહીં બોલ રહા હૂં, ઇસકે સિવા મૈં ઔર કુછ નહીં જાનતા હૂં”ની ચીસોથી ગુંજી ઊઠી. પંદર-વીસ મિનિટ આવું ચાલ્યું હશે. કમરૂદ્દીને અગાઉ જે કહ્યું હતું તેના કરતાં વધુ કંઈ માહિતી તેની પાસે નહોતી. હજી નાયર તેને વધુ એક ટ્રીટમેન્ટ આપવા માગતા હતા. એક ખાસ પ્રકારનો ડાઇનેમો હતો. અગાઉ જ્યારે સાઇકલમાં લાઇટ લગાવવાનો નિયમ હતો, ત્યારે સાઇકલના પાછળના ટાયર સાથે ફિટ થતો હતો અને વ્હિલ સાથે ડાઇનેમો ફરે તેમાંથી વીજ ઉત્પન્ન થતી અને લાઇટ ચાલતી હતી. પણ પોલીસ પાસે હતો તેનું મોટું સ્વરૂપ હતું. ડાઇનેમો ફેરવવા માટે એક મોટું હૅન્ડલ પણ હતું. ડાઇનેમોમાંથી નીકળતા બે વાયરો કમરૂદ્દીનના હાથ સાથે બાંધવામાં આવ્યા. હજી મારને કારણે કણસી રહેલા કમરૂદ્દીનને ડાયનેમોનો અનુભવ ન હતો, માટે તેના હાથે વાયર બંધાઈ રહ્યા હતા, ત્યારે તેણે તેનો વિરોધ કર્યો નહીં. નાયરે તેને ચેતવણી આપતાં કહ્યું, “સચ બોલના, નહીં તો તેરી હાલત ખરાબ હોગી.” તેણે પોતાનાં આંસુ લૂછતાં કહ્યું, “સા’બ, પહલે હી દિન સે સચ બોલ રહા હૂં. કુછ ભી ગલત નહીં બોલા, ખુદા કી કસમ.” નાયરે ઇશારો કરતાં કૉન્સ્ટેબલે ડાઇનેમોનું હૅન્ડલ ફેરવવાની શરૂઆત કરી. તેની સાથે જ કમરૂદ્દીન પાણીની બહાર કાઢેલી માછલીની જેમ તરફડવા લાગ્યો. તે ચીસ પાડવા માગતો હતો પણ તેનો અવાજ જ નીકળી રહ્યો હતો. આ અન્ય વીજપ્રવાહનો કરંટ લાગે તે જ સાયન્સ અહીંયાં લાગુ પડતું હતું. કરંટ સીધો મસલ્સ ઉપર અસર કરતો હોવાને કારણે અવાજ બંધ થઈ જાય છે. એકાદ મિનિટ સુધી કરંટ આપ્યો. તે જમીન ઉપર પડ્યો હતો. તેણે આંખ ખોલી. તેનું જકડાઈ ગયેલું શરીર તે સીધું કરવા માગતો હતો. નાયરે તેને ફરી પૂછ્યું : “બોલેગા કે નહીં?” તેણે જમીન ઉપર પડ્યા પડ્યા વિનંતી કરી, “સબ કુછ બતા દિયા.” અને ફરી ડાઇનેમો ફરવા લાગ્યો. તે ફરી તરફડવા લાગ્યો. આ જોઈ મહેશથી રહેવાયું નહીં. તેણે નાયરને કહ્યું, “સર મુઝે લગતા હે, યે કુછ નહીં છૂપા રહા.” નાયરને ખબર હતી, મહેશ જૂનો પોલીસ-ઑફિસર હતો. તેનો અનેક આરોપી સાથે પનારો પડી ચૂક્યો હતો. તેને સાચું અને ખોટું પારખવાની આવડત હતી, એટલે તેમણે ડાઇનેમો રોકી દેવાની સૂચના આપી.
બે પોલીસવાળાઓએ કમરૂદ્દીનને હાથ પકડી ઊભો કર્યો અને તેને પકડી કૅમ્પસમાં ચાલવાની ફરજ પાડવા લાગ્યા. તે ચાલી શકતો ન હતો. અસહ્ય પીડા થતી હતી, પણ તેને ચલાવવો જરૂરી હતો, કારણ તેના પગનાં તળિયાંમાં જે લાકડીઓ મારી હતી, તેના કારણે ત્યાં લોહી ગંઠાઈ જવાની શક્યતા હોય છે, તેમજ જો લીલાં ચકામાં પડી જાય તો આરોપી કોર્ટ સામે તે ચકામાં બતાવી પોલીસે માર માર્યાની ફરિયાદ કરી શકે છે. પોલીસને પણ ખબર હોય છે કે, કોર્ટમાં આરોપી તેમની સામે કઈ કઈ ફરિયાદ કરી શકે, તેના કારણે પગના ભાગે માર માર્યા પછી તેને ચલાવવામાં આવે, તો તેના પગનો રક્તસ્રાવ ફરી ચાલુ થઈ જતાં ત્યાં લોહી ગંઠાઈ જતું નથી. દસ-પંદર રાઉન્ડ ચલાવ્યા પછી કમરૂદ્દીનને પાછો લૉકઅપમાં મૂકી દેવામાં આવ્યો હતો. પોલીસને આશ્ચર્ય તે બાબતનું હતું કે કમરૂદ્દીનની ધરપકડ બાદ તેના પરિવારને જાણ કરવા છતાં તેને મળવા માટે કોઈ આવ્યું ન હતું. જોકે એક મુસ્લિમ સ્વયંસેવક સંસ્થા દ્વારા અબ્દુલ કુરેશીની વકીલ તરીકે નિયુક્તિ કરી હતી. કુરેશીએ પોલીસ-રિમાન્ડનો ખૂબ વિરોધ કર્યો હતો, પણ કુરેશીને ખબર હતી કે, રિમાન્ડ અરજી સાંભળતાં પહેલાં મૅજિસ્ટ્રેટ અને સરકારી વકીલ મૂકેશ ગોડસે વચ્ચે ચેમ્બરમાં મુલાકાત થઈ ગઈ છે.
આમ જોવા જાવ તો એટીએસના ઇન્દ્રસિંહ જાડેજાએ કમરૂદ્દીનને પકડી ક્રાઇમ-બ્રાન્ચને સોંપ્યો અને જે થિયરી તેમણે આપી તેના કરતાં આગળ તપાસ વધી જ રહી ન હતી. ક્રાઇમ-બ્રાન્ચે અગાઉ અનેક ગુનાઓ ડિટેક્ટ કર્યા હતા, પણ આવી સ્થિતિ ક્યારેય ઊભી થઈ ન હતી. આરોપી પોલીસ પાસે હતો, પણ કેસ અત્યંત નબળો છે અને કોર્ટમાં કેટલો ટકી શકે તે કહેવું મુશ્કેલ હતું.
(ક્રમશ:)








