Friday, November 6, 2026
HomeGujaratSP વછરાજાની એ અઘોરી બાબાના જબ્બર ભક્ત, કહ્યું 'ગુજરાતના ગૃહમંત્રી પણ તેમના...

SP વછરાજાની એ અઘોરી બાબાના જબ્બર ભક્ત, કહ્યું ‘ગુજરાતના ગૃહમંત્રી પણ તેમના પગે આળોટે’ | શતરંજ-81

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-81, નવજીવન ન્યૂઝ): ડીઆઇજી વિવેક પંતે ફરી વખત સીઆઇડી ક્રાઇમમાં આવી પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. એક દિવસ તો તેમણે તેમની ગેરહાજરીમાં થયેલી તપાસો વાંચી જવામાં પસાર કર્યો. પંત પોતાનું કામ પ્રામાણિકપણે કરતા હતા. તેમણે ફાઈલ ઉપર કરેલા નોટિંગ અથવા તેમના મોઢામાંથી નીકળતો એક એક શબ્દ અભ્યાસ અને હોમવર્ક પછી જ નીકળતો હતો. ફાઈલો જોઈ લીધા પછી તેમના ચહેરા ઉપર સંતોષની લાગણી હતી. તેમણે ઇન્ટરકૉમ ઉપર ફોન કરી ઇન્સ્પેક્ટર પરમારને બોલાવ્યા. પરમાર આવતા પંત પોતાની જગ્યાએ ઊભા થયા અને પરમાર સાથે હાથ મિલાવતાં કહ્યું : “વેરી વેલ ડન પરમાર. બહુ અચ્છા કામ કિયા. મેરી ગેરહાજરી મેં ભી તુમ ડટે રહે ઔર અચ્છી મેહનત કી હૈ.” પરમારની છાતી ગજગજ ફૂલવા લાગી. કારણ કે તેમણે પંત અંગે સાંભળેલી વાતો પ્રમાણે પંત જલદી કોઈથી પ્રભાવિત થતા નથી. તે પરફેક્ટનિસ્ટ હતા. જે પણ કામ કરે તે પૂરી ચોકસાઈથી જ કરે. પણ જ્યારે પંતે પરમારનાં વખાણ કર્યા તો પરમારને લાગ્યું કે, આ એક પ્રેસિડેન્ટ મેડલ કરતાં પણ વધુ માન છે.

વિવેક પંતે થોડો વિચાર કરીને પૂછ્યું, “બોલો પરમાર, અબ કહાં સે કામ કી શુરૂઆત કરેં.” પરમારને ખબર હતી કે પંત પાસે જતાં પહેલા પૂરી તૈયારી હોવી જોઈએ, એટલે તેમણે તરત કહ્યું, “સર, રાજસ્થાન પુલિસ કે કુછ અફસરોં કો સમન્સ કરના ચાહિયે.” પંતે એક ક્ષણ વિચાર કર્યો અને પછી હસતાં હસતાં કહ્યું, “સબકો નારાજ કરને કા મન બના લિયા લગતા હૈ.” પરમારે કહ્યું, “નહીં, નહીં, સર, લેકિન કામ તો કરના પડેગા.” ઠીક, સમન્સ કર દો. લેકિન કોઈ બડે અફસર કો સમન્સ મત ભેજના.” પરમાર વિચારવા લાગ્યા. એટલે પંતે કહ્યું, “અરે ભાઈ, બાદ મેં બુલાના. અભી નહીં બુલાને કે કુછ રિઝન હૈં, બાદ મેં બતાઉંગા.” પરમારે પોતાની ઑફિસમાં જઈ રાજસ્થાન પોલીસના ઇન્સ્પેક્ટર કિરણ રાજપૂત, સબ-ઇન્સ્પેક્ટર કાન્તિ ડામોર અને ઇકબાલ શેખને એક અઠવાડિયામાં ગુજરાત સીઆઈડી ક્રાઇમ-બ્રાન્ચ સામે નિઝામ મર્ડર કેસમાં નિવેદન નોંધાવવાના સમન્સ તૈયાર કરી સ્ટેટ કંટ્રોલરૂમને મોકલી આપ્યા હતા. તે વખતે પરમારની ચેમ્બરમાં કોઈએ ડોકિયું કરી પૂછ્યું : “સાહેબ, આવું?” પરમારે કાગળોમાંથી મોઢું બહાર કાઢી જોયું, તો આદેશ હતો.

- Advertisement -

પરમારે કહ્યું, “અરે આદેશભાઈ, આવો આવો. આપના પગલાં અમારી ઑફિસમાં ક્યાંથી?” આદેશ અંદર આવ્યો. પણ પરમારે જાણે આદેશની ચોરી પકડી પાડી હોય તેમ કહ્યું, “અરે ભાઈ, હવે ખબર પડી કે તમે કેમ આવ્યા છો.” આદેશને આશ્ચર્ય થયું, એટલે પરમારે હસતાં હસતાં કહ્યું, “ભાઈ, હું પણ પોલીસવાળો છું. માણસનાં પગલાં જોઈ કહી શકું છું કે તમે કેમ આવ્યા.” આદેશથી પુછાઈ ગયું, “કેમ?” પરમારે રહસ્ય ખોલતાં કહ્યું, “વિવેક પંત સાહેબ ફરી પાછા આવ્યા એટલે તેમને મળવા આવ્યા હશો. બાકી તમે અમારા જેવા સામાન્ય ઇન્સ્પેક્ટરને મળવા થોડા આવો?” આદેશ પણ હસવા લાગ્યો. બંને જાણતા હતા કે, આદેશ તેવો નથી. તે જમીની માણસ હતો. આદેશે નિઝામ કેસ અંગે પૂછતાં પરમારે નાની વિગતો આપી પણ હતી. પણ દર પાંચ મિનિટે પરમાર કહેતા : “ભાઈ લખવા માટે નથી, માત્ર તમારી જાણકારી માટે છે. લખવું હોય તો પંત સાહેબને પૂછી લેજો.” પરમારને મળી આદેશ પંતને મળવા માટે ગયો.

આદેશને જોતાં જ પંત ઊભા થઈ ગયા. આદેશ માટે તેમને માન અને ભરોસો બંને હતા. આદેશને આવકાર્યા પછી તેમણે આભાર માનતાં કહ્યું, “આદેશ, આપને હમેં કાફી મદદ કી, વરના કાફી કુછ અનસોલ્વ રહ જાતા.” પછી બંને લાંબો સમય ગપ્પાં મારતા રહ્યા. કેસની વાત બાજુ ઉપર મૂકી મુખ્યમંત્રી ગોવિંદરાયથી લઈ મંત્રી અમર ઠાકોર સુધીના ગપ્પાં ચાલ્યા. સામાન્ય રીતે પંત પોતાની ચેમ્બરમાં સિગારેટ પીતા ન હતા. પણ તેમને ખબર હતી કે આદેશ સિગારેટ પીએ છે માટે તેમણે ડ્રૉઅરમાંથી સિગારેટનું પૅકેટ બહાર કાઢી એક સિગારેટ આદેશ સામે ધરી હતી. આદેશને પણ આશ્ચર્ય થયું, કારણ કે તેણે ક્યારેય પંતને સિગારેટ પીતા જોયા ન હતા. પંતે કહ્યું, “અરે ભાઈ, આપ આયે હો તો પી લેતે હૈં.” અને આખી ચેમ્બરને ધુમાડાએ ઘેરી લીધી હતી.

બીજા દિવસે અખબારોમાં મોટા હેડિંગ સાથે સમાચાર હતા : “રાજસ્થાન પોલીસને સીઆઇડી સામે હાજર રહેવા ફરમાન.” ઇન્દ્રસિંહ હજી ઊંઘતા હતા, પણ તેમના ફોનની ઘંટડી સતત રણકી રહી હતી. સતત રિંગ વાગતાં, ઇન્દ્રસિંહનાં પત્નીએ ફોન હાથમાં લઈ સ્ક્રીન ઉપર ડિસ્પલે થઈ રહેલો નંબર કોનો છે તે જોયું અને તે જોતાં તેમણે જાડેજાને ઢંઢોળતાં કહ્યું, “સાંભળો છો? ઊઠો… વછરાજાની સાહેબ ક્યારના ફોન કરે છે.” વછરાજાનીનું નામ સાંભળતાં જ જાડેજા પથારીમાં બેઠા થઈ ગયા અને ફોન હાથમાં લેતાં જ કહ્યું, “જયહિંદ સર.” જાડેજાને હતું કે સાહેબ નારાજ થઈ જશે. પણ સામેથી ઠંડા કલેજે જવાબ મળ્યો : “જયહિંદ જાડેજા. બહુ ઉજાગરા કરો છો! આવું ના કરો. જે થવાનું હશે તે જ થશે. આપણા ઉજાગરા કરવાથી કંઈ બદલાવાનું નથી. મને જુઓ… સવાર-સાંજ બાબાના આશ્રમમાં જઉં છું અને મસ્ત રહું છું. કોઈ ચિંતા કરતો નથી, કારણ કે ચિંતા ચિતા સમાન હોય છે. “જાડેજા ઊંઘમાંથી જાગ્યા હતા, એટલે તેમને કંઈ જ ખબર પડતી ન હતી. તેમને લાગ્યું કે સાહેબે ધર્મ-ઉપદેશ આપવા સવારે ફોન કર્યો હશે.

- Advertisement -

વછરાજાનીએ વાતનો ફોડ પાડતાં કહ્યું, “જાડેજા, ઊઠી જાવ. અખબાર વાંચી લો. તૈયાર થઈ જાવ. પછી આપણે મળીએ.” અને તરત ફોન મૂકી દીધો. જાડેજા વિચાર કરવા લાગ્યા. ત્યાં તેમને એક વાક્ય યાદ આવ્યું : અખબાર વાંચી લો. તરત બેડમાંથી નીચે ઊતરી ડ્રૉઇંગરૂમમાં આવી અખબારનાં એક પછી એક પાનાં ઉથલાવવા લાગ્યાં. ત્યાં તેમની નજર નિઝામ કેસના સમાચાર ઉપર પડી. સમાચારની શરૂઆતથી લઈ છેલ્લી લીટી સુધી બધું જ વાંચી ગયા. હવે વછરાજાનીનો ફોન કેમ આવ્યો હતો તેનો તાળો મળી ગયો. જાડેજાને ધીરે ધીરે ગંભીરતા સમજાઈ રહી હતી. રાજસ્થાન પોલીસને બોલાવવાનો અર્થ એ હતો કે, વાત હવે આગળ વધી રહી હતી. જોકે તે ક્યારે પોતાના સુધી પહોંચે તેમ પણ હતી. જાડેજાની ઊંઘ ઊડી ગઈ. રાજસ્થાન પોલીસને સમન્સ મોકલ્યાના સમાચાર અખબારમાં હતા, પણ હજુ સુધી રાજસ્થાનથી કેમ કોઈનો ફોન આવ્યો નહીં તેવો પણ પ્રશ્ન થતો હતો. બીજી તરફ ગુસ્સો પણ આવી રહ્યો હતો કે, નિઝામ કેસના ઘણા બધા ડેવલપમેન્ટ અખબાર વાંચીને ખબર પડતા હતા. પોતાને ગુજરાત પોલીસનો કીડો માનતા જાડેજાનો ભ્રમ તૂટી રહ્યો હતો.

જાડેજા જલદી તૈયાર થઈ ગયા. તેમણે હાથમાં ફોન લીધો અને વિચાર કરી તેમણે સૌપ્રથમ ફોન રાજસ્થાન એસટીએફના એસપી રાયસિંગ રાઠોડને જોડ્યો. થોડીક રિંગ પછી ફોન ઊપડતાં સાહેબનો અવાજ સંભળાયો : “જયહિંદ સરકાર, ક્યા બાત હૈ? આજ હમારે ભાગ્ય ખૂલ ગયે.” જોકે જાડેજા ઉતાવળમાં હોય તેમ પૂછ્યું, “રાઠોડ, એક બાત બતાઓ. આપ લોગોં કો ગુજરાત પુલિસ કા કોઈ સમન્સ મિલા હૈ?” રાઠોડે સામે સવાલ કર્યો : “સમન્સ? હમેં? નહીં સર, અભી તક તો કોઈ સમન્સ નહીં મિલા હૈ, ક્યા બાત હૈ…” જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “દેખો, મુઝે ભી ઑફિશિયલ કોઈ જાનકારી નહીં હૈ. અભી વછરાજાની સર કા ફોન આયા થા ઔર મૈંને અખબારોં મેં યહ સમાચાર પઢે.” રાઠોડ વિચારમાં પડી ગયા અને કહ્યું, “નહીં સર, અભી તક તો નહીં મિલા; લેકિન મૈં સ્ટેટ કંટ્રોલરૂમ કો પૂછ કે બતાતા હૂં.” જાડેજાએ “ઠીક” કહી ફોન મૂક્યો. તરત બીજો ફોન વછરાજાનીને જોડ્યો. “બોલો સર.” પણ હજી વછરાજાની પહેલાંની જેમ જ ઠંડા મૂડમાં હતા. તેમને આટલું બધું બની રહ્યું હોવા છતાં તેમનામાં કોઈ ફેર જ પડ્યો નથી તેવું લાગતું હતું.

વછરાજાનીએ પૂછ્યું : “જાડેજા, પેપર વાંચી લીધું? હું અમદાવાદમાં જ છું. બોલો, ક્રાઇમ-બ્રાન્ચ કેટલા વાગે પહોંચશો? આપણે રૂબરૂમાં જ વાત કરી લઈએ.” જાડેજાએ કહ્યું, “સર, હું તો તૈયાર જ છું. તમે કહો તો હમણાં જ પહોંચું.” તેમણે કહ્યું : “સારું, પહોંચો; હું આવું છું.” થોડીક જ વારમાં જાડેજા વિચારોના ઘમસાણ વચ્ચે ક્રાઇમ-બ્રાન્ચ પહોંચી ગયા. ત્યાં હાજર સ્ટાફને આશ્ચર્ય હતું. કારણ કે જાડેજા આટલા જલદી ક્યારેય આવતા નથી. તેમને મોડા સુધી કામ કરવાની ટેવ હતી. જોકે બપોર પહેલાં તો ભાગ્યે જ તે ઑફિસે આવ્યા હશે. તેમનો મૂડ જોઈને લાગતું હતું કે, તેઓ મૂડમાં નથી. ગેટ ઉપર હાજર સંત્રીએ સલામ કરી તોપણ તેમણે સામી સલામ આપી નહીં અને પોતાની ચેમ્બરમાં જતા રહ્યા. ઑફિસમાં જતાં તેમણે પોતાના કમાન્ડોને સૂચના આપી કે, “વછરાજાની સાહેબ આવે છે. કૉફી તૈયાર રાખજો.”

- Advertisement -

થોડીક જ વારમાં વછરાજાની સાહેબની સાબરકાંઠા એસપી લખેલી કાર કૅમ્પસમાં દાખલ થઈ. જાડેજા તરત ચેમ્બર બહાર આવી તેમને રિસીવ કરવા બહાર આવ્યા. વછરાજાની પહેલાં જે ખુરશીમાં બેસતા હતા, તે હવે જાડેજાની હતી તેની ઉપર જઈ બેઠા. પ્રોટોકૉલ પ્રમાણે જે સિનિયર હોય તે મુખ્ય ખુરશીમાં બેસે છે. એટલે વછરાજાની ત્યાં બેઠા. કૉફી આવી. જાડેજા તો કંઈ પણ પીતા ન હતા. ચાથી લઈ દારૂ સુધી તેમને કોઈ શોખ ન હતો. માત્ર પૈસા અને સત્તા તેમની નબળી કડી હતી. જાડેજાનો ગંભીર ચહેરો જોઈ વછરાજાનીએ કહ્યું, “જાડેજા, તમે બધું મન ઉપર બહુ લઈ લો છો. આવું તો ચાલ્યા કરવાનું. શું કામ ટેન્શન કરો છો?” જાડેજાએ મોઢું ખોલતાં નારાજગી સાથે કહ્યું, “સર, મને લાગે છે કે જે થઈ રહ્યું તે બરાબર નથી. વધારે પડતું થઈ રહ્યું છે. આપણી સરકાર, આપણા જ પોલીસ-અધિકારી આપણી જ મેથી મારે?!” પછી ગાળ નીકળી ગઈ એટલે કહ્યું, “સૉરી સર.” વછરાજાનીએ કૉફીનો કપ નીચે મૂકતાં કહ્યું, “જુઓ જાડેજા, માઠું ના લગાડતા. હમણાં સુધી તમે મને પછાડવા માટે કેટલા કાવાદાવા કર્યા?” આ સાંભળતાં જ જાડેજાએ કહ્યું, “ના ના સર, એવું કંઈ જ નથી.” વછરાજાનીએ હાથ લાંબો કરી શાંત રહેવાનું કહેતાં વાત આગળ વધારી : “કંઈ વાંધો નહીં. દરેકને આગળ આવવાનું હોય છે. જો આગળવાળાને તે પાછળ ના પાડે તો કઈ રીતે આગળ વધે? પણ તમે આગળ આવવા માટે જે શૉર્ટકટ લીધા તે તમારી ભૂલ હતી.”

જાડેજાને મનમાં લાગી રહ્યું હતું કે, ‘ભલે કબૂલ કરે નહીં પણ વછરાજાની જે કહી રહ્યા હતા તે સાચું હતું. કદાચ તેના કારણે જ આ સ્થિતિ નિર્માણ થઈ હતી.’ તેમણે કહ્યું, “જાડેજા, હું આપણા જાડિયાને…” તેમનો ઇશારો મંત્રી અમર ઠાકોર તરફ હતો : “ત્યારથી ઓળખું છું તે જ્યારે દેશી જનતા પાર્ટીની ઑફિસ નીચે આવેલી ઇકબાલની કીટલી ઉપર બેસી રહેતો હતો. ખંધો રાજકારણી છે. તે જે સીડી ઉપર ચઢે તેનાં પગથિયાં કાપતો જાય એટલે તેની પાછળ બીજો ઉપર ના આવે. આપણી નોકરી છે એટલે તેને સલામ કરવી પડે અને તેના હુકમ પણ માનવા પડે. પણ જુઓ… મેં કેવું ડિસ્ટન્સ રાખ્યું! પણ તમે છીંક ક્યારે આવી અને પી પી ક્યારે કરી બધી જ વાતો તેની સાથે શેઅર કરતા હતા. આ તેનું જ પરિણામ છે.”

જાડેજા શાંત હતા. વછરાજાનીએ કહ્યું, “જુઓ, મંત્રી કે મુખ્યમંત્રી ભગવાન નથી. કોણે કોનો ઉપયોગ કરી લીધો તેની ખબર પડતી નથી. આપણો પણ સ્વાર્થ હતો એટલે.” પોતાનો હાથ પાછળ તરફ કરતાં બોલ્યા, “ખોલીને ઊભા હતા, હવે મંત્રી ઉપર ભરોસો કરતા નહીં, એક વાત મને સ્પષ્ટ સમજાઈ ગઈ છે કે, તે આપણને કોઈ મદદ નહીં કરે. જુઓ, તંત્ર જ્યારે નિષ્ફળ જાય ત્યારે મંત્ર કામ કરે છે.” જાડેજાને આ વાક્ય કંઈ સમજાયું નહીં. તેમણે વછરાજાની સામે જોયું, એટલે તેમણે કહ્યું, “મને ખબર છે… તમે ઈશ્વરમાં ભરોસો કરતા નથી. પણ હવે કરજો, કારણ કે આપણી પાસે તેના સિવાય કોઈ વિકલ્પ જ નથી. આપણે હમણાં અઘોરીબાબા પાસે જઈએ… તે આપણને રસ્તો બતાવશે. જાડેજા, તમે નહીં માનો, પણ તે સિદ્ધ પુરુષ છે. મારા જીવનમાં અનેક મુશ્કેલીઓમાંથી તેમણે મને બહાર કાઢ્યો છે. તે જ કંઈક રસ્તો કરશે. આપણો જાડિયો પણ બાબાના પગમાં આળોટે છે. મેં મારી નજર સામે જોયો છે. તમને તો ખબર છે મારે બાબા સાથે કેવા સંબંધ છે. કોઈ દલીલ કરતા નહીં. આપણે હમણાં જ બાબાના આશ્રમમાં જવાનું છે.” આટલું બોલી વછરાજાની ઊભા થયા અને જાણે ગાય પાછળ વાછરડું જતું હોય તેમ જાડેજા તેમની પાછળ ચાલવા લાગ્યા. જાડેજાના કમાન્ડોની આંખો જોઈ ગઈ કે કંઈ પણ હોય આજે સાહેબની બૉડી લૅંગ્વિઝમાં કૉન્ફિડન્સનો અભાવ છે.
(ક્રમશ:)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular