નવજીવન ન્યૂઝ. વલસાડ: Valsad sarpanch agitation : વિકાસની મોટી મોટી વાતોની દબંગાઈ વચ્ચે વિકાસના દાવાને પોકળ સાબિત કરતો મામલો સામે આવ્યો છે. છેવાડાના ગામ સુધી પહોંચવાની સરકાર વાતો તો કરે છે, પરંતુ કામ નથી થતું તેની સાક્ષી પુરે છે વલસાડ-ખેરગામના રસ્તાઓ (Valsad khergam Road). જ્યાં રસ્તાના નવનીકરણ માટે તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં ન આવી હોવાથી 40 ગામના સરપંચોએ (Sarpanch) એકઠા થઈ અનોખો વિરોધ (Protest) નોંધાવતા માહોલ ગરમ થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડ (Valsad) જિલ્લાના વલસાડ-ખેરગામ રોડના નવનીકરણની કામગીરી છેલ્લાં દોઢ મહિનાથી ટલ્લે ચડી છે. આ વિસ્તારનો રોડ 40થી વધુ ગામને જોડતો રોડ હોવાથી અધુરા પડેલા કામને લઈ ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે ગામલોકો દ્વારા તંત્રને આ બાબતે ઘણીવાર ધ્યાન દોરવા છતાં અને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરી કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. આથી તંત્રને જગાડવા માટે 40થી વધુ ગામના સરપંચોએ તંત્ર સમક્ષ આંદોલનનું શસ્ત્ર ઉગામીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો.

આજરોજ 40થી વધુ ગામના સરપંચો ચણવઈમાં આવેલી સામાજિક વનીકરણ વિભાગની DCFની કચેરીના પ્રાંગણમાં એકત્રિત થયા હતા. જ્યા કચેરીના પ્રાંગણમાં જ તંત્ર સામે અનોખા અંદાજમાં લડત આપવા ભજન કીર્તન કરી રામધૂનની રમઝટ બોલાવી હતી. જેને લઈ થોડીવાર માટે તો માહોલમાં ગમગીની છવાઈ હતી. બાદમાં DCFને આ રોડના નવનીકરણની કામગીરીનો પ્રારંભ કરવાની સહમતી આપવા રજૂઆત કરતું આવેદનપત્ર રજૂ કર્યુ હતું.

મહત્વની વાત છે કે, દોઢ મહિના પહેલાં 18 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા વલસાડ-ખેરગામને જોડતા રોડને 4 માર્ગીય કરવા માટે રસ્તાના નવનીકરણની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ આ કાર્યમાં નડતરરૂપ થતા ઝાડ હટાવવા બાબતે જિલ્લા સામાજિક વનીકરણ વિભાગે વિરોધ કરતા કામગીરી બંધ કરવામાં આવી હતી.

જો કે આ મામલે સ્થાનિક જન-પ્રતિનિધિઓ અને અગ્રણીઓએ સંબંધિત વિભાગોને વહેલી તકે રોડના નવનીકરણની આ અધૂરી કામગીરી પૂર્ણ કરવા વારંવાર રજૂઆતો કરી હતી. હાલ ચોમાસું બેસવા આવ્યું છે. ઠેર-ઠેર કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. તેમ છતાં હજી સુધી રોડની અધુરી કામગીરી પૂર્ણ કરાવવા માટે તંત્રના પેટનું પાણી હલી નથી રહ્યું. ત્યારે તંત્રની બેદરકારી સામે આ વિસ્તારના 40થી વધુ ગામના સરપંચો વિફર્યા હતા અને રોડના અધૂરા કામને પૂર્ણ કરાવવા માટે વિરોધનું બીડું ઝડપ્યું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








