નવજીવન ન્યૂઝ.વડોદરાઃ અંધશ્રદ્ધાઓને કારણે અત્યાર સુધી માણસે ઘણાઓની બલી આપી છે, પછી તે પશુ હોય, પક્ષી હોય, સરીસૃપો હોય, ફુલો હોય કે પછી ખુદ માણસ, જોકે હવે જ્યારે માણસ ભણતરથી સમજતો થયો ત્યારથી ઘણી અંધશ્રદ્ધાઓને જાકારો આપી દીધો છે પરંતુ હજુ પણ એવા ઘણા છે જે આ પ્રકારની પ્રવૃત્તિઓમાં અત્યંત રચ્યા પચ્યા રહે છે. આવું જ કાંઈક વડોદરાના વાસણા-ભાયલી રોડ પર ગત મોડી રાત્રે બન્યું હતું. અહીં કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા જીવદયા પ્રેમીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.
ભાયલી વિસ્તારની ડેડા તલાવડી પાસે બલી ચઢાવવા માટે 30થી 40 બકરા લવાયા હોવાની માહિતી મળતાં જ પીપલ ફોર એનિમલ્સ સંસ્થા દ્વારા પોલીસને સાથે રાખી રેડ કરાઈ હતી. જોકે પથ્થરમારો કરી શખ્સો અંધારામાં ઓગળી ગયા હતા. જિલ્લા પોલીસનો મોટો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો.
વિગતો એવી મળી રહી છે કે, ગત રાત્રે વડોદરાના વાસણા ભાયલી વિસ્તારમાં આવેલા ડેડા તલાવડી પાસે બાધા રાખેલી કેટલાક લોકો મોટી સંખ્યામાં બકરાા બલી ચઢાવવા લાવ્યા હતા. જીવદયા પ્રેમી મેનકા ગાંધી દ્વારા સંચાલિત પીપલ્સ ફોર એનિમલ્સ સંસ્થાને આ અંગેની માહિતી મળી ગઈ હતી. તેમણે તુરંત પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસ સાથે સ્થળ પર દરોડા કર્યા હતા. જેના કારણે ત્યાં દોડધામ મચી ગઈ હતી અને આ શખ્સોએ પથ્થરમારો કરી ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે હુમલામાં કોઈ ઈજાગ્રસ્ત થયું ન હોવાને કારણે લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.
સી ડિવિધનના એસીપી મેઘા તેવારે જણાવ્યું કે, પોલીસને આ અંગેની માહિતી મળી હતી કે વડોદરા રૂરલની હદમાં કેટલાક બકરા કાપવા માટે લોકો ભેગા થયા છે. જીવદયાપ્રેમીઓએ માહિતી આપી અને પોલીસની મદદ માગી હતી. પોલીસે અંધારામાં દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. અહીં થયેલા પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી. આ મામલે ત્યાંથી મળી આવેલા કેટલાકોની પુછપરછ કરવામાં આવી રહી છે. જે મામલે ગુનો પણ નોંધાશે.
![]() |
![]() |
![]() |