ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ મથુરાના કારાવાસમાં થયો એ ઘટનાને યાદ કરીએ તો કહી શકાય કે જેલ કે કારાગૃહ એ પ્રાચીન કાળથી સમાજ વ્યવસ્થા સાથે સંકળાયેલી વ્યવસ્થા છે.
જો કે અગાઉ આ વ્યવસ્થા ગુનાની સાજા ભોગવવાની સાથે દમનનું કેન્દ્ર બની હતી.રાજાશાહીમાં અને અંગ્રેજોના શાશન કાળમાં જેલ એ સ્વતંત્રતા માટે અવાજ ઉઠાવનારાઓ પર અત્યાચાર ગુજારવા માટે કુખ્યાત હતી.આંદામાનની જેલ વીર સાવરકર સાહેબ જેવા આઝાદીના લડવૈયાઓને કાળા પાણીની સજા માટે બદનામ બની હતી.જો કે આજે એ સ્વતંત્રતા સ્મારક તરીકે સુખ્યાત છે. એવી જ રીતે યરવડા જેલ, પુણેનો આગાખાન પેલેસ મહાત્મા ગાંધી સ્વતંત્રતા સેનાનીઓએ ભોગવેલા જેલ વાસને લીધે પવિત્ર સ્મારક બન્યા છે.
જો કે હાલના સમયમાં જેલ સજા ભોગવવાના સ્થળની સાથે સુધારણા ગૃહ બની છે. સરકારનો અભિગમ ગુના માટે સજા કરવાની સાથે જેલ વાસ પછી કેદીઓ સમાજ માટે સંપદા બનીને બહાર આવે અને ઝડપથી સમાજ જીવનમાં ભળી જઈને કાયદા અને નિયમનું જીવન જીવે એ પ્રકારના સુધારાનો રહ્યો છે.એટલે જ આજની આપણી જેલોમાં કેદીઓને અનેક પ્રકારની કૌશલ્ય વર્ધક તાલીમ આપવાનો,તેમની કુશળતા પ્રમાણે ના ઉદ્યોગોમાં તેમની કુશળતાને જોડીને તેમને જેલમાં રોજગાર સાથે જોડવાનો, તેઓ ઈચ્છે તો શિક્ષણ આગળ ધપાવી શકે તે માટે ની જરૂરી સુવિધા આપવાનો જેવા અનેકવિધ સુધારાલક્ષી પ્રબંધો કરવામાં આવ્યા છે.હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે એ પંક્તિઓ અનુસાર રાજ્યની જેલોમાં કેદીઓ ગુનાના પસ્તાવા રૂપે સજા ભોગવવાની સાથે કુશળ કારીગર બનીને બહાર આવી શકે છે અને સમાજ જીવનમાં નવી શરૂઆત કરી શકે છે.
વડોદરા સહિત રાજ્યની ઘણી જેલોમાં સંખ્યાબંધ કેદીઓએ જેલવાસ દરમિયાન ઉચ્ચ શિક્ષણ અને ડીગ્રીઓ મેળવીને, આત્મ સંકલ્પ કેળવો તો જેલ વાસ કાયાકલ્પનું માધ્યમ બની શકે એનો દાખલો બેસાડ્યો છે.
આમ તો જેલ ઇચ્છનીય નથી, કોઈને પણ બંધનમાં, સહુથી અલગ થઈને રહેવું ના ગમે.પરંતુ માનવી જાણ્યે અજાણ્યે ગુના આચરી બેસે છે,એટલે એને ગુનાખોરીમાં આગળ વધતો રોકવા વિવિધ પ્રકારના કાયદા અને એ કાયદા હેઠળ આપવામાં આવતી સજા ભોગવવા જેલની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગાયકવાડી શાસને વડોદરાને સમૃદ્ધ સુવિધાઓ આપી છે.તેમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા ૧૮૮૦ માં શહેરની મધ્યમાં ૮૬ એકર જમીનમાં આ સુવિશાળ વડોદરા મધ્યસ્થ જેલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું અને ૧૮૮૧ માં આ જેલ બનીને તૈયાર થઈ ગઈ. એ પ્રજા વત્સલ રાજાએ એટલી દૂરંદેશીથી આ જેલ બનાવી કે આજે ૧૪૦ વર્ષ પછી પણ વર્તમાન સમયને અનુરૂપ આવશ્યકતા પૂરી કરવા આ જેલ લગભગ સક્ષમ છે.દોઢસો વર્ષની ઉંમરની સમીપ પહોંચેલું આ કારાગૃહ હવે એક ઐતિહાસિક મહત્વ પામ્યું છે.ક્યારેક આઝાદી જંગના લડવૈયાઓએ સ્વતંત્રતા પહેલાં અહી જેલવાસ ભોગવ્યો હતો.
ગુનાખોરી રોકવા કડક કાયદાઓ અને સજાની જોગવાઈની સાથે છે જેલમાં રહીને કેદી સુધરે અને સમાજ માટે સંપદા બનીને બહાર આવે તેવા હેતુસર કેદી કલ્યાણ અને સુધારણા ના વિશેષ પ્રબંધ કરવામાં આવ્યા છે.વડોદરા સેન્ટ્રલ જેલ ખૂબ લાંબા સમયથી કેદી કલ્યાણ અને સુધારણાની પાઠશાળા,એક આદર્શ મોડેલ બની છે.હવે તેમાં પદ્ધતિસરની ઓપન જેલ અને ગૌસેવાની ભારતીય પરંપરાને પ્રોત્સાહિત કરતી ગૌશાળાના નવા આયામોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
આ નવી સુવિધાઓ કેદી કલ્યાણની ભાવનાને વધુ વ્યાપક બનાવશે.
દંતેશ્વર ઓપન જેલ:
૧૯૭૦ માં શહેરની વચ્ચે આવેલી મધ્યસ્થ જેલના વિકલ્પે નવી સુવિધા વિકસાવવા દંતેશ્વર ગામમાં ૯૦ એકર જમીન ફાળવવામાં આવી હતી.જો કે આ જમીન મધ્યે કાંસ હોવાથી જેલ બનાવવી શક્ય ન હતી.એટલે હવે અહી ૨૦૧૫ માં મળેલી મંજુરી પ્રમાણે ૪.૧૨ એકરમાં ખુલ્લું કારાગૃહ – ઓપન જેલ બનાવવામાં આવી છે.
*ઓપન જેલ એ પણ કેદી કલ્યાણ અને સુધારણાનો નવો અભિગમ છે.આ એવી વ્યવસ્થા છે જ્યાં કેદી બંધુઓ જેલવાસ ની શિક્ષા ભોગવવાની સાથે સમાજની સમીપ રહી શકે છે અને ખેતી, ગૌપાલન જેવો ઉદ્યમ કરીને જીવન સુધારણાના પાઠો ભણી શકે છે.મૂળ આશય તેને એક સારા વ્યક્તિ તરીકે ઘડીને સમાજ જીવનમાં ફરીથી સ્થાપિત કરવાનો છે.
*આ વિશાળ જગ્યામાં ઓપન જેલની સાથે નવા સાહસ જેવી શ્રીકૃષ્ણ ગૌશાળા, સ્ટાફ ક્વાર્ટર, કેદી કલ્યાણ ભંડોળ સંચાલિત પેટ્રોલ પંપ સહિત અનેક સુવિધાઓ વિકસાવવામાં આવી છે જે કેદી કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
*અહી ૪.૧૨ એકરમાં, પ્રત્યેકમાં પાંચ અંતેવાસી રહી શકે એવી ૧૨ બેરેક સહિત કુલ ૧૦ એકરમાં વિવિધ બાંધકામો કરવામાં આવ્યા છે.
*૮૦ એકર જેવી વિશાળ ખુલ્લી જમીનનો ઉપયોગ કેદી ભાઈઓ દ્વારા ખેતી માટે અને વૃક્ષ ઉછેર માટે કરવામાં આવ્યો છે.
*અહી એક હજાર જેટલા વૃક્ષો લહેરાય છે, ૨૫૦૦ જેટલા નવા રોપાઓનું વાવેતર કરી કેદીઓની મદદથી વ્યાપક વૃક્ષ ઉછેરનું આયોજન કરવામાં આવ્યું છે. આમ,આ સ્થળ રાજ્ય માટે મોડેલ રૂપ ગ્રીન જેલ હરિયાળી જેલ બનીને વિકસી રહ્યું છે.
*આ વિશાળ જેલ ખેતરમાં દિવેલા, ડાંગર, ઘઉં અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે જેનો જેલ રસોડા માટે ઉપયોગ કરવાની સાથે વધારાના ઉત્પાદનનું લોકોને વેચાણ કરવામાં આવે છે.
*આ ખુલ્લી જેલમાં રચનાત્મક પ્રવૃત્તિઓ માટે ધ્યાન ખંડ, પુસ્તકાલય, કૌશલ્ય તાલીમ કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,યોગ ખંડ, ઇન્ડોર રમતો માટેનો ખંડ, રસોડું, કેદીઓ સંચાલિત કેશ કર્તનાલય,વસ્ત્ર ભંડાર અને ધોબીઘરની સુવિધાઓ રાખવામાં આવી છે.
*અહી ૨૦૧૮ થી કેદી કલ્યાણ ભંડોળ આધારિત BPCL કંપનીનો પેટ્રોલ પંપ કાર્યરત કરી,કેદી કલ્યાણનું એક નવું આયામ ઉમેરવામાં આવ્યું છે.
શ્રી કૃષ્ણ ગૌશાળા.. કેદી કલ્યાણનું એક અભિનવ સોપાન…
આપણે પરાપૂર્વથી ,ભગવાન શ્રીકૃષ્ણ અને ઋષિ મુનિઓના સંસ્કારોથી ગૌ – પાલક રહ્યાં છે. આપણા આ સામાજિક સંસ્કાર વારસાને પુનર્સ્થાપિત કરવા ગૌસેવા આયોગની સ્થાપના કરવામાં આવી છે.
*વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા દંતેશ્વર ખાતે ઓપન જેલ પરિસરમાં ૩.૫૬ એકરમાં સ્થાપિત નવીન શ્રીકૃષ્ણ ગૌ શાળા રાજ્ય સરકારના ગૌ સેવાને ઉત્તેજનના અને ગાય આધારિત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપશે.
*આ ગૌ શાળામાં ગાયો રાખવા માટેના છ કોડિયા ઘર એટલે કે કાઉ શેડ છે જેની ૧૨૦ ગાયો રાખવાની ક્ષમતા સામે હાલમાં ૭૦ ગાય ઉપલબ્ધ છે.ગૌ માતા માટે ઘાસ નો સંગ્રહ કરવા નવ ગોદામ બનાવવામાં આવ્યાં છે.આ ગૌ શાળા ગૌ ઉછેરને કેદી કલ્યાણ સાથે જોડવાના અભિગમના નવીન મોડેલ સમાન છે.
કેદીઓને તેમની કુશળતા પ્રમાણે આંશિક રોજગારી મળે અને તેમની કામ કરવાની કુશળતા વધે એવા હેતુસર વડોદરા મધ્યસ્થ જેલમાં આઠ જેટલા વિભાગોમાં વિવિધ ઉદ્યમોનું સંચાલન કરવામાં આવે છે.આમ,આ જેલમાં જાણે કે ધમધમતું કારખાનું ચાલી રહ્યું છે.જેલ ઉદ્યોગના વણાટ કામ,સુથારી કામ,ધોબી કામ,દરજી કામ,રસાયણ વિભાગ,બેકરી અને છાપખાનું સન ૨૦૧૯- ૨૦ ના વર્ષમાં ૨૩૧ જેલ કેદીઓ માટે આવક અને રોજગારીનો સ્ત્રોત બન્યા હતા.વર્ષ દરમિયાન આ ઉદ્યોગોમાં કેદીઓની મદદ થી રૂ.૪.૨૭ કરોડથી વધુ રકમના માલ સામાનનું ઉત્પાદન થયું હતું અને અંતેવાસીઓ ને શ્રમના વળતર રૂપે રૂ. ૭૩.૯૪ લાખથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હતી.
* વડોદરા સેન્ટ્રલ જેલ માલિકીની ખુલ્લી જમીનમાં કેદીઓની મદદથી હરિયાળી જેલ વાડી બનાવવામાં આવી છે.તાજેતરમાં જ અહી પેદા થતાં ખેત કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવાનો ઉદ્યમ શરૂ કરવામાં આવ્યો છે.તેનાથી કેદી બંધુઓને શુદ્ધ અને સાત્વિક ખેતીનું પ્રશિક્ષણ મળશે.
*અહી જળ બચાવતી ખેતીને વેગ આપવા ટપક સિંચાઇની વ્યવસ્થા તાજેતરમાં કરવામાં આવી છે.
વડોદરા મધ્યસ્થ જેલના અધિક્ષક શ્રી બળદેવસિંહ વાઘેલાએ જણાવ્યું કે આ ખુલ્લા કારાગારમાં કેદીઓ દ્વારા ખેતી અને ગૌપાલનની પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.આ કામગીરી જેઓ રીઢા ગુનેગાર નથી પરંતુ ભૂલથી થઈ ગયેલા એકાદ ગુના માટે જેલવાસ ભોગવી રહ્યાં છે ,વડોદરાના સ્થાનિક નથી, ખેડૂત છે અથવા ખેતીનો અનુભવ ધરાવે છે, ઓછામાં ઓછો ત્રણ વર્ષનો જેલવાસ પૂરો કર્યો છે અને તે દરમિયાન જેમની વર્તણુંક ઉમદા રહી છે તેવા કેદીઓ દ્વારા કરવામાં આવશે.
ગુના ખોરી અટકાવવા કડક કાયદા અને અનુરૂપ સજાઓ જરૂરી છે.તેની સાથે ગુનાની સજા રૂપે જેલ ભોગવતા કેદીઓને રચનાત્મક પ્રશિક્ષણ દ્વારા ગુના ખોરીનો માર્ગ છોડવા અને સમાજને ઉપયોગી નાગરિક બનવા પ્રોત્સાહિત કરવાની પણ એટલી જ જરૂર છે. કાયદા છે તો બીજી તરફ સજા ભોગવનારને પશ્ચાતાપની અનુભૂતિ થાય અને સમાજને વડોદરા સેન્ટ્રલ જેલમાં આદર્શ જેલ વ્યવસ્થાના દર્શન થાય એવા અનેક આયામોનો સમાવેશ થયો છે.તેમાં આ સુવિધાઓથી બે નવા આયામો ઉમેરાયા છે.