નવજીવન ન્યૂઝ, જામનગર : જામનગર શહેરના રણજીતસાગર ડેમ નજીક આવેલા ફૉરેસ્ટ રિસોર્ટમાં ચાલુ લગ્ન પ્રસંગે આગ (Fire breaks out at forest resort Jamnagar during wedding) લાગી હતી. આગ લાગતા પ્રસંગ તેમજ જમણવારમાં હાજર મહેમાનોએ મુઠ્ઠીવાળીને જીવ બચાવવા દોડ્યા હતા. જો કે, આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનીનો બનાવ નોંધાવવા પામ્યો નથી.
મળતી માહિતી મુજબ ફૉરેસ્ટ રિસોર્ટના રેસ્ટોરન્ટમાં સૌ પ્રથમ આગ લાગી હતી. આગની જવાળાઓ ફરી વળતા આખું રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું હતું. સાથે સાથે રેસ્ટોરન્ટની નજીકમાં ઉભો કરવામાં આવેલો લગ્ન પ્રસંગનો મંડપ અને ડોમ પણ આગની જવાળાઓના લપેટમાં આવી જતા તે નાશ પામ્યો હતો. આગના બનાવની જાણ થતાં જામનગર ફાયરબ્રિગેડની ટીમ (Jamnagar Fire Brigade Team) સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. પ્રાથમિક જાણકારી અનુસાર શોટ સરકીટના કારણે આગ લાગી હતી.








