Police from two states at odds over credit in the Tiger Shroff firing case : મુંબઈમાં ટાઇગર શ્રોફ પર ગોળીબાર કરનારા ત્રણ શૂટરની ધરપકડ કરવાનો શ્રેય કોને આપવો જોઈએ ? હત્યાનો પ્રયાસ કરી ભાગી રહેલા આરોપીઓને રાજસ્થાનની કોટા પોલીસે ઝડપી લીધા છે, પરંતુ મુંબઈ પોલીસે આપેલી માહિતીના આધારે ત્રણેય શખસોને દબોચી લેવાયા છે. હાઇપ્રોફાઈલ કેસમાં થયેલી કાર્યવાહીમાં શ્રેય લેવાની હંમેશા પોલીસ એજન્સીઓ વચ્ચે હોડ જામતી હોય છે. ફરાર આરોપીઓની ઠોસ માહિતી આપનારી પોલીસ ટીમ અન્ય હોય છે અને પકડનારી ટીમ બીજી હોય છે ત્યારે મીડિયા સમક્ષ ભાગ્યે જ સંયુક્ત ઓપરેશન જેવા સમાચાર આવતા હોય છે. આ વખતે મુંબઈ પોલીસ અને રાજસ્થાન પોલીસ વચ્ચે શ્રેય લેવાની હોડ જામી છે અને તે મામલે મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતી (Deven Bharti Mumbai CP) એ કરેલી સૂચક ટિપ્પણીને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.
જાણીતા અભિનેતા ટાઇગર શ્રોફ પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરનારા અને ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓની મુંબઈ પોલીસે CCTV ફૂટેજના આધારે તુરંત માહિતી મેળવી લીધી હતી. ફરાર થયેલા આરોપીઓ જે ટ્રેનમાં ભાગી છૂટ્યા હતા તેની ઠોસ માહિતી રાજસ્થાન પોલીસ (Rajasthan Police) ને મુંબઈ પોલીસે (Mumbai Police) આપી હતી. જે માહિતીના આધારે રાજસ્થાનની કોટા પોલીસે રેલવે પોલીસની મદદથી માત્ર 15 મિનિટમાં આખી ટ્રેનની તપાસ કરી આરોપીઓને મુસાફરોથી ખીચોખીચ ભરાયેલા કોચમાંથી ઝડપી લીધા હતા.
કોટાના એસપી તેજસ્વીની ગૌતમ (Tejaswani Gautam) એ જણાવ્યું છે કે, રાજસ્થાન પોલીસ એક વ્યાવસાયિક પોલીસ દળ છે અને તેનું કામ કાર્યક્ષમ રીતે કરે છે. અમારી ટીમે માત્ર 15 મિનિટમાં આખી ટ્રેનની તપાસ કરી અને આરોપીને પકડી લીધા છે. કોટા પોલીસની ઝડપી કાર્યવાહીને કારણે આ શક્ય બન્યું. આમ, રાજસ્થાન પોલીસ અધિક્ષકે ક્રેડિટનો દાવો કર્યો ન હતો, પરંતુ ગર્ભિત રીતે રાજસ્થાન પોલીસને શ્રેય આપતા હોય તેવું લાગતું હતું.
મુંબઈ પોલીસે રાજસ્થાન પોલીસના ક્રેડિટ લેવાના પ્રયાસનો સીધો ઉલ્લેખ કર્યો ન હતો, પરંતુ સમગ્ર વાર્તાને સાંકેતિક ભાષામાં રજૂ કરી હતી. મુંબઈ પોલીસ કમિશનર દેવેન ભારતીએ લખ્યું, “સફળતાના 100 પિતા હોય છે, નિષ્ફળતાનો કોઈ પિતા નથી.”








