નવજીવન ન્યૂઝ. બનાસકાંઠાઃ બનાસકાંઠાના અંબાજીમાં આજે લાંચીયા સરપંચનો પર્દાફાશ થયો છે. ગામમાં ગટરની લાઈન અને પેવરબ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. જેના પૈસાની ચુકણી માટે સરપંચએ કુલ રકમના 10%ની રકમ માગી હતી. પૈસા લેવા માટે લાંચીયા સરપંચને ઝડપી પાડવા માટે ચાની કિટલી પાસે ACB દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. ACBની હાજરીમાં સરપંચે પૈસા લેતા ઝડપી પાડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણમાં ફરિયાદીએ ગ્રામપંચાયતમાં ભુગર્ભ ગટર લાઇન અને પેવરબ્લોકનું કામ પૂર્ણ કર્યું હતું. જે કામ પુર્ણ કર્યું હતું તેના પૈસા ગ્રામપંચાયત પાસેથી ફરિયાદીને લેવાના હતા. આ નાણાંની ચુકવણી કરવા માટે સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાએ ફરિયાદીને કામની રકમના દસ ટકા લેખે ૫૦ હજારની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી તેમણે ACBનો સંપર્ક કરીને ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે ટ્રેપીંગ અધિકારી પોલીસ ઇન્સ્પેકટર એલ.એસ.ચૌધરી દ્વારા અંબાજી હાઈવે પર ધનિયાણા ચોકડી નજીર આવેલી એક ચાની કિટલી પર લાંચનું છટકા ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન સરપંચ હીબ્જુરહેમાનએ ૫૦ હજાર લાંચની રકમ સ્વીકારતા ACBએ ઝડપી પાડ્યો હતો. ACBએ સરપંચને ડીટેઇન કરી આગળની કાર્યવાહી કરી છે.








