નવજીવન ન્યૂઝ. વડોદરા: Vadodara News: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે, જેનો સદઉપયોગ કરી પોતાના મોટાભાગના કામ પાર પાડી શકાય છે. દરેક નવી શોધ હકારાત્મક અને નકારાત્મક એમ બંને પાસાઓ સાથે લઈને આવે છે. ફરક પડે છે કે, તેનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા થકી આ દુનિયા નાની થઈ રહી છે, ત્યારે સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરનારા વ્યક્તિઓ પણ મળી આવે છે. સાયબર ક્રાઈમના (Cyber Crime) અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે, ત્યારે એક યુવક દ્વારા વ્હોટ્સએપ દ્વારા સંપર્કમાં આવેલી ઘણી યુવતીઓ સાથે અશ્લીલ ચેટ કરી યુવતીઓને બ્લેકમેલ (Blackmail) કરનારા યુવકની ધરપકડના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુવતીઓ સાથે અશ્લીલ ચેટ કરી બ્લેકમેલ કરનાર યુવકનું નામ રોહિત રાકેશસિંહ છે. સાયબર ફ્રોડ કરનાર યુવક એમબીએની શૈક્ષણિક લાયકાત ધરાવે છે અને જાણીતી ટેલિકૉમ કંપનીમાં મૅનેજર તરીકે ફરજ બજાવે છે. વડોદરા શહેરના સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર બી. એન. પટેલે જણાવ્યું હતું કે, “વડોદરાની યુવતીની ફરિયાદના આધારે અમે મધ્ય પ્રદેશના હુઝૂર જિલ્લાના 33 વર્ષીય રોહિત રાકેશસિંઘની ધરપકડ કરી છે.” આરોપી રોહિતસિંઘ સોશિયલ મીડિયા દ્વારા દેશભરના રાજ્યોની અનેક યુવતીઓ સાથે સંપર્કમાં આવ્યો હતો. આરોપીએ વ્હોટ્સએપ, ફેસબુક, ઈનસ્ટાગ્રામ તથા ટિંડર જેવા સોશિયલ મીડિયા માધ્યમોનો ઉપયોગ કરતો હતો. આરોપીએ વ્હોટ્સએપ, ઈનસ્ટાગ્રામ તથા ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવ્યા હતા.
આરોપીની વધુ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, “મારી ગર્લફ્રૅન્ડે મારી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યાર બાદ મારી સાથે બ્રેકઅપ કરી લીધું હતું. જેથી હું યુવતીઓ સાથે બદલો લેવા માટે ચૅટ કરતો હતો, તેમજ અલગ-અલગ બહાનાથી તેમની પાસેથી પૈસા પડાવતો હતો.” આરોપી યુવાતીઓ સાથે ચેટ કરતી વખતે અને વાત કરતી વખતે પોતાની નકલી અને અલગ અલગ ઓળખ આપતો હતો. પોતે ઈન્ટરનેશનલ કંપનીમાં મેનેજર તથા એવા ઊંચા પ્રકારના હોદ્દા પર હોવાની સુફિયાણી વાતો કરી યુવતીઓને લલચાવતો હતો. યુવતીઓ પણ યુવકની લાઈફ સ્ટાઈલથી પ્રભાવિત થઈ જતી.
સમય જતાં આરોપી યુવતીઓને લગ્નની લાલચ આપી અભદ્ર માગણી પણ કરતો હતો. યુવકની ડંફાસથી અંજાયેલી ઘણી યુવતીઓએ પોતાનું સર્વસ્વ યુવકને સોંપવા તૈયાર થઈ જતી. જેથી આરોપી યુવતીઓ પાસે અંગત પળોના ફોટા મગાવતો હતો. આરોપી અંગત પળોના ફોટા સોશિયલ મીડિયામાં વહેતા મૂકવાની ધમકી આપતો તથા યુવતીઓ પાસે રૂપિયાની માગણી કરતો. આરોપી યુવતીઓ સાથે ચેટ અને કોલ દ્વારા જ વાત કરતો હતો, કોઈને પણ રૂબરૂ મળતી ન હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીએ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ, અન્ય રાજ્યોની યુવતીઓ સાથે પણ બ્લેકમેલિંગ કરવાની વાત સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ યુવતીઓ સહિત અનેક યુવકો સાથે પણ છેતરપિંડી કરી છે. આરોપી નોકરી શોધી રહેલી યુવતીઓ સાથે એક બિઝનેસમૅન બનીને નોકરી આપવાના વાયદાઓ કરી વાત કરતો હતો. મેટ્રિમોનીયલ સાઇટ પર લગ્નમાં યુવતીઓ સાથે ડાયમંડ કિંગ અનુરાગ શર્મા બનીને વાત કરતો હતો.” આ સિવાય આરોપીએ તેનાં મમ્મીના નામે પણ ઍકાઉન્ટ બનાવ્યું હતું. જે યુવતી લગ્ન માટે તૈયાર થઈ હોય તેની સાથે પોતે માતા બનીને વાત કરતો હતો.
વડોદરા શહેરમાં રહેતી એક યુવતીએ થોડા દિવસો પહેલાં વડોદરા શહેરના સારબર ક્રાઇમમાં મધ્ય પ્રદેશના આરોપી રોહિત વિરુદ્ધ બ્લૅકમેલિંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2019માં મેટ્રિમોનીયલ સાઈટ થકી આરોપીના સંપર્કમાં આવી હતી. મેટ્રિમોનીયલ સાઈટમાં યુવતીએ પોતાનું નામ અનુરાગ શર્મા દર્શાવ્યું હતું. અનુરાગ શર્માના નામે સંપર્કમાં આવ્યા બાદ આરોપી અને યુવતી વચ્ચે મિત્રતા બંધાઈ હતી. સમય જતાં આરોપીએ યુવતી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું. આરોપી યુવતીને વોઈસ કોલ કે સોશિયલ મીડિયાના માધ્યમથી પરિચયમાં રહેતો. આરોપી યુવતી સાથે લાંબી ચેટ પણ કરતો. યુવતીને વિશ્વાસમાં લઈ આરોપી અંગત પળોના ફોટા તેમજ વિડીયો પણ મગાવતો. યુવતીએ વિશ્વાસમાં આવી આરોપીને પોતાના અંગત પળોના ફોટા તેમજ વિડીયો પણ મોકલ્યા હતા. બાદમાં આરોપીએ પોતાનું પોત પ્રકાશતા યુવતીને અંગત પળોના ફોટા તેમજ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 12 લાખથી વધુની માગણી કરી હતી. યુવતીએ બદનામ થવાના ડરથી આરોપીને રૂપિયા આપ્યા હતા. છતાં આરોપી દ્વારા યુવતી પાસે રૂપિયાની માગણી અવાર-નવાર થઈ રહી હોવાથી યુવતી માનસિક રીતે ભાંગી પડી હતી, છેવટે આરોપીના ત્રાસથી કંટાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની હિમ્મત દાખવતાં આરોપીની કરતૂતોનો ભાંડો ફૂટ્યો છે.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આરોપી રોહિત રાકેશસિંઘ સામે IPC 420, 120(B), 114, 419, 354(D), 384, 388, 506 તેમજ આઈટી ઍક્ટની કલમ 66 (C), 66(D) હેઠળ ગનો દાખલ કર્યો છે તથા આરોપીની ધરપકડ કરી આરોપીએ બીજી કેટલી યુવતીઓને શિકાર બનાવી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








