Wednesday, October 21, 2026
HomeGujaratવડોદરા નજીક એક જ પરિવાર પર કાળનો કહેર: ટ્રક પાછળ ઘૂસી ગયેલી...

વડોદરા નજીક એક જ પરિવાર પર કાળનો કહેર: ટ્રક પાછળ ઘૂસી ગયેલી કારમાં માતા-7 વર્ષની બાળકીનાં મોત

- Advertisement -

Delhi Mumbai Expressway Padra Electric Car Crash: વડોદરા નજીક પાદરા પાસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર થયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં માતા અને તેમની સાત વર્ષની દીકરીએ જીવ ગુમાવ્યા છે. છેલ્લા બે દિવસથી રસ્તા પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવતી વિન્ડસર ઇલેક્ટ્રિક કાર અથડાતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. કારમાં કુલ છ લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં માતા અને બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રક સાથેની ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ભારે નુકસાનગ્રસ્ત બન્યો હતો અને અંદર બેઠેલા મુસાફરો ફસાઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી. વાસણા ફાયર બ્રિગેડના જવાનોએ ખાસ રેસ્ક્યૂ સાધનોની મદદથી બચાવ કામગીરી શરૂ કરી હતી. અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટીમે આશરે બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આ દરમિયાન એક બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યું હતું, જ્યારે મૃતક મહિલાનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો.

- Advertisement -

પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલો પરિવાર મૂળ રાજસ્થાનનો હતો. પરિવાર રાજસ્થાનમાં દર્શન કર્યા બાદ પોતાના વ્યવસાયના કામકાજ માટે મુંબઈ પરત ફરી રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘાયલ થયેલા ચાર લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. તેમની સ્થિતિ અંગે વધુ વિગતો આપવામાં આવી નથી.

એક્સપ્રેસવે પર બે દિવસથી બંધ પડેલી ટ્રક પાછળ કાર અથડાવાની આ ઘટનાએ રસ્તા પર બિનવારસી અથવા ખામીના કારણે ઊભાં રાખવામાં આવતા વાહનોની સુરક્ષા અંગે ફરી ચિંતા ઊભી કરી છે. અકસ્માતને પગલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ટ્રક રસ્તા પર બંધ હાલતમાં કેમ પડી હતી અને અકસ્માતની ચોક્કસ પરિસ્થિતિ શું હતી તે અંગે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular