નવજીવન ન્યૂઝ. સુરત: Surat News : દિવસેને દિવસે ગુનાખોરીના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે, તેવામાં વધુ એક યુવાનનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. જેમાં 2 દિવસ પહેલા મીલનું પાણી પીવાના કારણે અને 2 મહિના પહેલા શ્વાન કરડવાથી (Dog Bite) મૃત્યુ થયું હોવાની આશંકાઓ સેવાઈ રહી છે.
મળતી માહિતી અનુસાર, પીપોદરામાં રહેતો અને નજીકના કારખાનામાં વોરપિંગ મશીન પર ઓપરેટર તરીકે કામ કરતા 20 વર્ષીય હરિશ ચંદન દાસનું શંકાસ્પદ મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ થતા પીપોદરા પોલીસ (Pipodara Police) હોસ્પિટલ દોડી આવી હતી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક મૂળ ઓરિસ્સાનો વતની હતો. તેનો સમગ્ર પરિવાર વતનમાં ઓરિસ્સામાં રહે છે અને પોતે કામ અર્થે સુરતના પીપોદરા વિસ્તારમાં રહેતો હતો.
મૃતકના પાડોશી અનિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર, બે દિવસ પહેલા કામે ગયેલા મૃતક હરિશ ચંદને મિલમાં પાણી પીધું હતું અને ત્યારબાદ તેની તબિયત અચાનક લથડી હતી. ત્યારે તાત્કાલિક નજીકના તબીબ પાસે દવા લઈ તે ઘરે આવી ગયો હતો. પરંતુ બીજા દિવસે તબિયત વધુ બગડતા તે પાણી પણ પી શકતો ન હતો. એટલે તે ફરીથી ડોક્ટર પાસે ગયો હતો. અને ત્યારબાદ ડોક્ટરે આપેલી દવાથી તેને આરામ પણ આવી ગયો હતો. ત્યારબાદ પણ ફરીથી તેની તબિયત લથડી અને તે ઉંઘમાંથી ઉઠતા જ બુમાબુમ કરવા લાગ્યો હતો. પાણી તેના ગળેથી નીચે જ ઉતરતું ન હતું.
આ ઘટના બાદ હરીશને સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યા હાજર સિવિલ હોસ્પિટલના તબીબોએ હરિશને મૃત જાહેર કર્યો હતો. જો કે પોલીસે તપાસ કરતા બે મહિના પહેલા મૃતક હરિશને શ્વાન કરડી ગયો હોવાથી હડકવો થતા તેનું મૃત્યુ થયું હોવાની ડોક્ટરે આશંકા વ્યક્ત કરી હતી.
એક તરફ મિલના પાણી પીધા બાદ તેની તબિયત લથડી હતી, બીજી તરફ શ્વાન કરડવાના કારણે હડકવાની અસર પર પણ શંકા તોળાઈ રહી છે. તો ત્રીજી તરફ ખાનગી ડોક્ટરની સારવાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જો કે હાલ મૃતદેહને પોસ્ટમાર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે, ત્યારે હવે તેના મૃત્યુનું સાચુ કારણ પીએમ રિપોર્ટ બાદ જ સામે આવશે અને આ રહસ્યમયી મૃત્યુ પરથી પડદો ઉઠશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








