નવજીવન ન્યૂઝ.વડોદરાઃ હાલમાં જ વડોદરાની વિશ્વ વિખ્યાત MSUમાં નમાઝ અદા કરતો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર ફરતો થયો છે. જેને કારણે કહેવાતા હિન્દુ સંગઠનોએ આ જ સ્થાન પર બેસીને હનુમાન ચાલીસા અને રામધૂન કરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આવી જ ઘટના અમદાવાદ શહેરમાં પણ બની હતી. અગાઉ વસ્ત્રાપુર ગાર્ડનમાં એક પરિવાર દ્વારા નમાઝ અદા કરવા પર હિન્દુ સંગઠનો નારાજ થયા હતા જે પછી તેમણે ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને તેને પવિત્ર કરવામાં આવી હોવાને લઈને પોતાની હલકી માનસિકતા છત્તી કરી હતી. આવું જ કાંઈક હવે વડોદરાની મ.સ. યુનિવર્સિટીમાં (MSU)બન્યું છે.
આમ તો આ યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિશ્વભરમાં ખ્યાતનામ યુનિવર્સિટીમાં સ્થાન પામે છે પરંતુ હાલ યુનિવર્સિટી દ્વારા જે પલગાં લેવાઈ રહ્યા છે તેને જોતા આ ખ્યાતિમાં વિક્ષેપ પડ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે. યુનિવર્સિટી દ્વારા આ નમાઝ પઢનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. સ્વાભાવીક છે કે અહીં માત્ર વિદ્યાર્થીઓએ જ નમાઝ પઢી છે તેવું નથી, હિન્દુ સંગઠનો દ્વારા પણ અહીં રામધૂન અને હનુમાન ચાલીસા કરાયા છે. જો પ્રાથના કરવી એ યુનિવર્સિટી સહજ માની શકતી નથી તો પછી કાઉન્સેલિંગ માત્ર નમાઝ કરનારા વિદ્યાર્થીઓનું જ કેમ?

આપણે શાળાઓમાં પ્રાર્થના કરીને ભણ્યા છીએ અને આપણી સાથે અન્ય ધર્મના વિદ્યાર્થીઓ પણ આ પ્રાર્થનામાં આપણી સાથે જોડાયા હોય તેવો માહોલ આપણે જોયો છે. તે પ્રાર્થના જેટલી પવિત્ર છે તેટલી જ પવિત્ર નમાઝ પણ છે અને પ્રેયર પણ તેટલી જ પવિત્ર છે. આવી એક સમજ આપણે આપણા સંતાનોમાં બાળપણથી મુકવાની જરૂર લાગી રહી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ધર્મ સંગઠનોના નામે નફરત ફેલાવવાનું કામ સતત થઈ રહ્યું જોઈ શકાય છે.
વડોદરાની મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં બે દિવસ પહેલા એક મુસ્લિમ યુગલ યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં નમાઝ અદા કરી રહ્યું હતું તેવો વીડિયો વાયરલ થયો હતો. જોકે પછી તેમનું પણ યુનિવર્સિટીના તંત્ર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આજે ફરી એક વીડિયો વાયરલ થયો છે જેમાં વિદ્યાર્થીઓ નમાઝ અદા કરતા દેખાયા છે. અગાઉ નમાઝ અદા કરનાર દંપતીએ કાઉન્સેલિંગમાં પોતાને ખ્યાલ ન હતો ભુલ થઈ તેવું કહ્યું હતું.
હવે યુનિવર્સિટીના પીઆરઓના જણાવ્યા મુજબ હાલમાં યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલે છે. પરીક્ષામાં વડોદરા અને આસપાસના જિલ્લાઓના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા પછી વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. ખરેખર જો યુનિવર્સિટી નમાઝ અદા કરનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવા માગે છે તો હવે પ્રશ્ન એ છે કે યુનિવર્સિટીએ પોતાની માનસિકતાનું પણ કાઉન્સેલિંગ કરાવી લેવું જોઈએ જો તેઓ માત્ર નમાઝ પઢનારા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરે છે તો. કારણ કે અહીં ધર્મ સ્વાતંત્રય અને ભારતીય બંધારણને પણ યુનિવર્સિટીએ ધ્યાને લેવું જરૂરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








