નવજીવન ન્યૂઝ. દેવભૂમિ દ્વારકા : ગુજરાત ATS અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ(Indian Coast Guard)ની ટીમે ફરી એક વખત કરોડોના ડ્રગ સાથેની બોટ ઝડપી પાડી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના સમુદ્રમાંથી ઝડપાયેલી બોટ પાકિસ્તાની ફિશિંગ બોટ પરથી 300 કરોડના ડ્ર્ગ સાથે 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરી છે. પાકિસ્તાની નાગરિકો ફિશિંગ બોટની આડમાં ડ્રગ ઘુસાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ભારતીય એજન્સીઓની ચપળતાએ મનસુબો કામયાબ થવા દિધો નથી. મહત્વની વાત છે કે, ગુજરાત એટીએસ અને કોસ્ટ ગાર્ડે મળી છેલ્લા દોઢ વર્ષમાં 7મું સંયુક્ત ઑપેરશન સફળ કર્યું છે.

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખાના દરિયામાં ઈન્ટરનેશનલ મેરીટાઈમ બોર્ડર લાઈન પાસેથી ડ્ર્ગ ઘુસાડવાના કાવતારાની માહિતી મળતા જ એટીએસ અને ઈન્ડિય કોસ્ટગાર્ડ સક્રિય થઈ ગયું હતું. દરમિયાન ICGS અરિંજય જહાજને તૈનાત કરી પુરતી તૈયારી સાથે ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એવામાં સોમવારની પરોઢે અલ સોહેલી નામની પાકિસ્તાની ફિશિંગ બોટ શંકાસ્પદ જણાતા તેને અટકાવવામાં આવી હતી.

અરિંજ્ય જહાજે જ્યારે બોટને રોકવા માટે વોર્નીંગ આપી ત્યારે પાકિસ્તાની બોટ દ્વારા દાવપેંચ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આખરે અરિંજ્ય જહાજે ચેતવણી આપતો ગોળીબાર કરવામાં આવ્યો હતો. છતાં પણ બોટ અટકી ન હતી બાદમાં અરિંજ્ય જહાજે ફિશિંગ બોટને કાબુમાં લઈ 10 ક્રૂ મેમ્બરને બોટ સાથે ઝડપી લીધા હતા.
બોટમાં તપાસ કરવામાં આવતા 40 કિલો નાર્કોટિક્સ ડ્રગનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ હથિયાર પણ મળી આવ્યું હતું. ઝડપાયેલા ડ્રગની બજાર કિંમત આશરે 300 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. બોટને ઝડપી ક્રૂ મેમ્બરની ધરપકડ કરી તમામને ઓખા ખાતે લાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. હાલ આ મામલે તપાસ ચાલુ હોય સત્તાવાર અન્ય કોઈ માહિતી મળી શકી નથી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ડ્રગ અને હથિયાર દરિયાઈ સીમામાંથી એક સાથે ઝડપાયા હોય તેવી પ્રથમ ઘટના હોય શકે છે. હાલ સુધીમાં 44 પાકિસ્તાની તેમજ 7 ઈરાની નાગરિકોને 1930 કરોડ રુપિયાના ડ્રગના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








