નવજીવન ન્યૂઝ, સુરેન્દ્રનગર : ઉજ્જૈન મહાકાલ દાદા (Ujjain Mahakaleshwar) ના દર્શને જઈ પરત ફરી રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના રતનપર અને જોરાવરનગરના ત્રણ મિત્રોને રસ્તામાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. મધ્યપ્રદેશના બદનાવર પાસે સર્જાયેલા અકસ્માતમાં બે મિત્રોના મોત (Surendranagar Friends Dead in Road Accident) નિપજ્યા છે. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઘાયલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં બંને મૃતક યુવાનોની એક સાથે અંતિમવિધિ યોજાઈ ત્યારે ગમગીનીભર્યો માહોલ છવાઈ ગયો હતો.
ત્રણેય મિત્રો મહાકાલેશ્વર દાદાની બાધા પૂરી કરવા તેમજ દર્શન કરવા માટે કાર લઈને સુરેન્દ્રનગરથી નીકળ્યા હતા. દર્શન કરીને ત્રણેય મિત્રો જયદીપસિંહ ઝાલા, કાનભા પરમાર અને યશ દંગી કારમાં પરત ફરી રહ્યાં હતા. ત્યારે મધ્યપ્રદેશના બદનાવર પાસે એક બાઈક ચાલક અચાનક રસ્તામાં આવી જતાં ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર પલટી મારીને 20 ફૂટ ઊંડી ખાઈમાં પટકાઈ હતી. જેમાં જયદીપસિંહ અને કાનભાનું મોત નિપજ્યું હતું. જ્યારે યશને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે રતલામની હૉસ્પિટલમાં ખસેડાયા હતા.








