નવજીવન ન્યૂઝ. દેવભૂમિ દ્વારકા: ગુજરાતમાં ખેડૂતો દ્વારા દિવસે વીજળી માટે લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી છે. ત્યારે વિજય રૂપાણી (Vijay Rupani) ની સરકારે ખેડૂતોને દિવસે વીજળી મળે માટે કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરી હતી. પરંતુ વર્ષ 2021-21માં લાગુ કરેલી સર્વોદય યોજના હજુ પણ સંપૂર્ણ લાગુ પાડી શકાઈ નથી. ત્યારે આજરોજ ઉર્જા મંત્રી કનુ દેસાઈ (Energy Minister Kanu Desai) એ વિધાનસભામાં કહ્યું હતું કે કિસાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે હજુ બે વર્ષ જેટલો સમય લાગશે. સાથે જ આ યોજના માટે 1960 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે કિસાન કોંગ્રેસના પાલ આંબલિયાએ સરકાર પર આકરા પ્રહાર કરતા કેટલાક ગંભીર સવાલ પેદા કર્યા છે.
આજરોજ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ ખેડૂતોને દિવસે વીજળી અને કિસાન સૂર્યોદય યોજના મામલે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. પાલ આંબલીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કનુ દેસાઈએ આજરોજ વિધાનસભામાં જવાબ આપ્યો હતો કે, કિસાન સૂર્યોદન યોજનાથી ખેડૂતોને દિવસે વીજળી આપતા બે વર્ષનો સમય લાગશે. સાથે જ નવા રૂપિયા 1960 કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. ત્યારે સવાલ છે કે અગાઉ વીજય રૂપાણીએ જે કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2022 સુધીમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે, આ માટે રૂપિયા 3500 કરોડની પણ ફાળવણી કરવામાં આવી હતી. તો આ 3500 કરોડ ગયા ક્યાં?
આંબલીયાએ ઉમેર્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆત બાદ કિસાન સૂર્યોદય યોજના 2020-21માં શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1055 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા તબક્કામાં 3927 ગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 5 ઑગસ્ટ 2021માં વીજય રૂપાણીએ કહ્યું હતું કે 31 ડિસેમ્બર 2022 સુધીમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી આપીશું. પરંતુ સવાલ એ છે કે 31 ડિસેમ્બર 2022ના રોજ કૃષી મંત્રી કહે છે કે અમે પ્રથમ તબક્કાની શરૂઆત કરી છે. અને હવે ઉર્જા મંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં કહે છે કે હવે અમે શરૂઆત કરી છે તેમજ વધુ બે વર્ષ લાગશે અને 1960 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે. ત્યારે સવાલ થાય છે કે જનતાની તિજોરીના પૈસાનો વેડફાટ કેમ થાય છે? અગાઉના 3500 કરોડ રૂપિયા કોણ ચાઉં કરી ગયું?
તેમણે ઉર્જા મંત્રી કનુ દેસાઈને સીધો સવાલ કરતા કહ્યું હતું કે, પહેલા 3927 ગામમાં વીજળી દિવસે આપવામાં આવતી હતી તે કેમ બંધ કરી દેવામાં આવી. જો બંધ જ કરવાના હતા તો બાદમાં નવી યોજના ફરીથી શા માટે શરૂ કરવામાં આવી. શું સરકાર ભ્રષ્ટાચાર કરવા માટે યોજનાની શરૂઆત કરે છે? કે ખરેખર ખેડૂતોને લાભ આપવા માટે કરે છે? જે લાભ આપવા માટે યોજના હોય તો 3927 ગામથી યોજના આગળ વધવી જોઈએ નહીં કે ફરીથી પહેલાથી શરૂઆત થવી જોઈએ. જો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રથમ તબક્કામાં કામ કર્યું હતું તો બીજા તબક્કાને બદલે ફરીથી પ્રથમ તબક્કો શા માટે?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796