નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપના ઉમેદવાર રાજુ કરપડાના સોગંદનામામાં દર્શાવાયેલી સંપત્તિને લઈને ચર્ચા તેજ બની છે. સોગંદનામામાં જાહેર કરાયેલા આંકડાઓ મુજબ તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ અગાઉ જે વિધાનસભા લડ્યા હતા. અને હાલ જ્યારે તેમણે ચૂંટણી પંચ સમક્ષ સોગંદ નામુ રજુ કર્યું છે. તેમાં ઘણો તફાવત જોવા મળી રહ્યો છે. અગાઉ તેઓ આમ આદમી પાર્ટીમાં હતા અને હવે હાલમાં જ તેઓ ભાજપમાં આવ્યા છે. આ દરમિયાનમાં આ જંગી વધારો જોવા મળી રહ્યો છે. આ જંગી મિલકત પાછળનો આવકનો સ્ત્રો પણ સમજવો જરૂરી છે.
મળતી માહિતી મુજબ, રાજુ કરપડાએ ચૂંટણી માટે દાખલ કરેલા સોગંદનામામાં પોતાની કુલ સંપત્તિ, ચલ-અચલ મિલ્કત અને અન્ય આર્થિક વિગતો જાહેર કરી છે. આ સોગંદનામામાં દર્શાવાયેલી સંપત્તિ અગાઉની તુલનામાં ઘણી વધેલી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
રાજુ કરપડાએ પોતાની સ્થાવર મિલકત વર્ષ 2022ની ચૂંટણીમાં 28 લાખ જેટલી બતાવી હતી જે હવે 98 લાખ છે. અગાઉ 2022માં જંગમ મિલકત 33 લાખ બતાવી હતી જે હવે 2.14 કરોડ છે આમ અત્યાર સુધીમાં જંગમ મિલકતમાં 1.81 કરોડ જેટલો અને સ્થાવર મિલકતમાં 70 લાખનો વધારા સાથે કુલ 2.51 કરોડનો વધારો છે. જે અગાઉ 61 લાખ કુલ મિલકત હતી તે હવે 3.12 કરોડની છે. આ તમામ બાબતો વિગતે પણ અહેવાલના અંતમાં આપ જોઈ શકો છો કે તેમના ઘરમાં નવું શું આવ્યું.
સોગંદનામામાં દર્શાવેલી વિગતો અનુસાર, તેમની પાસે વિવિધ પ્રકારની મિલ્કતો અને આર્થિક સ્રોતો છે, જેમાં વધારો નોંધાયો છે. આ વધારાને લઈને રાજકીય સ્તરે ચર્ચાઓ થઈ રહી છે અને ચૂંટણીના સમયે ઉમેદવારોની આર્થિક માહિતી ફરી એકવાર કેન્દ્રમાં આવી છે.
ચૂંટણી દરમિયાન ઉમેદવારો દ્વારા આપવામાં આવતા સોગંદનામા મતદારો માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે, જેમાં ઉમેદવારની આર્થિક સ્થિતિ અંગે પારદર્શિતા રહે છે. આવા સમયમાં સંપત્તિમાં થયેલા વધારા પર લોકો અને રાજકીય વર્તુળો બંનેનું ધ્યાન જવું સ્વાભાવિક છે.
હાલમાં આ મુદ્દે કોઈ સત્તાવાર વિવાદ કે પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ સોગંદનામાની વિગતો બહાર આવતાં આ મુદ્દો ચર્ચામાં રહ્યો છે. ચૂંટણી આગળ વધતાં આ પ્રકારની માહિતી મતદારોના નિર્ણયમાં કેટલી અસર કરે છે તે જોવાનું રહેશે. રાજુ કરપડાનું એફિડેવીટ ચૂંટણી પંચની વેબસાઈટ પર જાહેર છે. આપ ચાહો તો ત્યાંથી તેને જોઈ શકો છો. સાથે જ અહીં પણ આપ સમક્ષ આ એફીડેવીટની કોપી રજૂ કરવામાં આવી છે.




































