Monday, February 17, 2025
HomeGujaratAhmedabadપોન્ઝી સ્કીમમાં ડૂબનારા માત્ર ગુજરાતના જ નથી…

પોન્ઝી સ્કીમમાં ડૂબનારા માત્ર ગુજરાતના જ નથી…

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ફરી એક વખત લાલચમાં હજારો લોકો છેતરાયા. છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં પોન્ઝી સ્કીમને (Ponzi Scheme)લગતાં સમાચાર આવી રહ્યા છે. આ વખતે બીઝેડ ગ્રૂપનું નામ ઠગાઈ (BZ Group Scam) કરનાર તરીકે આવી રહ્યું છે અને આ ગ્રૂપનો સર્વેસર્વા ભૂપેન્દ્રસિંહ ઝાલા છે. આ ઘટના ટૂંકમાં સમજીએ તો બીઝેડ ગ્રૂપ મહદંશે ઉત્તર ગુજરાતના (Uttar Gujarat) લોકોના નાણાં મસમોટું વળતર આપવાના બહાને લીધા. આ વળતર બે વર્ષમાં રૂપિયા ડબલ કરવા સુધીનું હતું. આ સ્કીમમાં શિક્ષકો, પોલીસો, ખેડૂતો સૌ કોઈએ લાલચમાં પૈસા રોક્યા. આખરે તેનો ભાંડો ફૂટ્યો અને હવે ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે. રાજ્યમાં આ અગાઉ આ પ્રકારની સ્કીમોમાં અભય ગાંધી, અશોક જાડેજા અને ઝાહિર રાણાનું નામ પણ આવી ચૂક્યું છે. આ સિવાયના પણ અનેક નામો એવા છે, જેનું છેતરપિંડીનું જાળ પૂરા રાજ્યમાં પ્રસર્યું ન હોય, પણ તેમાંય લોકોના કરોડો ગયા છે.

Ponzi schemes
Ponzi schemes

અત્યારે પોન્ઝી સ્કીમમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો કેસ ખૂબ મોટો દેખાઈ રહ્યો છે. પણ ભૂપેન્દ્રની કંપની બીઝેડ ગ્રૂપ સહિત ગુજરાતમાં જ હાલમાં અન્ય આવાં કૌભાંડો થયા છે. પાછલાં થોડા વર્ષોમાં જે કંપનીઓએ આ રીતે લોકોના નાણાં ડૂબાડ્યા તેમાં ‘અર્બુદા ક્રેડિટ કો-ઓ. ટ્રેડિંગ સોસાયટી’, ‘શગુન બિલ્ડર લિમિટેડ’ અને ‘જય ખોડિયાર મિત્ર મંડળ’ જેવી કંપનીઓ હતી. આ તમામ કંપની કોઈને કોઈ બહાને લોકો પાસેથી નાણાં લેતી અને તેમને અકલ્પનીય વળતર ચૂકવવાની ખાતરી આપતી હતી. ઘણાં કિસ્સામાં તો પહેલાં મસમોટું વળતર આપ્યું હોય જેથી વિશ્વાસમાં લઈને લોકો પાસેથી વધુ રકમ ખંખેરી શકાય.

- Advertisement -

બીઝેડ ગ્રૂપના કિસ્સામાં લોકોના 6000 કરોડ રૂપિયા ડૂબ્યા છે – તેવા ન્યૂઝ છે. આટલી જ રકમને લઈને એક અન્ય પોન્ઝી સ્કીમમાં શિલ્પા શેટ્ટીના જીવનસાથી રાજ કુન્દ્રાની ધરકપડ પણ હાલમાં થઈ છે. રાજ કુન્દ્રાની ધરપકડ થઈ છે તે કેસની વિગત મુજબ, 2017માં બિટકોઈન આવ્યા ત્યારે તેનું આકર્ષણ ખૂબ હતું. બિટકોઈનમાં મોટું વળતર આપવાની લાલચ આપીને અમિત ભારદ્વાજ, અજિત ભારદ્વાજ અને મહેન્દ્ર ભારદ્વાજે લોકો પાસેથી 6600 કરોડ ઊઘરાવ્યા. ‘ભારદ્વાજ બ્રધર્સ’ની કંપની વેરીએબલ ટેક પ્રા. લિમિટેડે બિટકોઈનના વળતર પેટે દર મહિને દસ ટકા આપવાની જાહેરાત કરી હતી. બિટકોઈનની કિંમત કૃત્રિમ રીતે વધારવા માટે રાજ કુન્દ્રાને પણ બિટકોઈનનો એક હિસ્સો આપવામાં આવ્યો હતો, એટલે તેની ધરપકડ થઈ છે.

છેલ્લા વર્ષોમાં આવી સ્કીમમાં સૌથી મોટું કૌભાંડ પંજાબમાં થયું હતું. થોડા મહિના પહેલા આ કૌભાંડ કરનારા નિર્મલસિંઘ ભંગુનું અવસાન થયું. આ કૌભાંડની રકમ 50,000 કરોડની આસપાસની હતી. નિર્મલસિંઘ ભંગુ તેની યુવાનીકાળમાં દૂધ વેચતો હતો. તેની કંપનીનું નામ પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ હતું. આ કંપનીમાં રોકાણના નામે નિર્મલસિંઘે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા. અને તેણે ખાસ્સા સમય સુધી લોકોને સારું વળતર આપીને લલચાવ્યા. આ લાલચમાં અંદાજે સાડા પાંચ કરોડો લોકો ફસાયા. નિર્મલસિંઘની પણ માહિતી પ્રકાશમાં આવી ત્યાં સુધી મોડું થઈ ચૂક્યું હતું. છેલ્લા ઘણાં વર્ષોથી તે જેલમાં હતો અને હાલમાં અવસાન થયું છે.

દેશભરમાં અનેક આવી સ્કીમો લોન્ચ થાય છે જેમાં લોકો પોતાના નાણાં ગુમાવે છે અને તે નાણાં ક્યારેય મેળવી શકતા નથી. આ કૌભાંડોના ન્યૂઝ પણ લોકો વાંચે છે તેમ છતાં ફરી પાછા એ જ ચક્કરમાં ફસાય છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીઝેડ કંપનીમાં તો શિક્ષકો સહિત અનેક લોકોએ રૂપિયા રોક્યા હતા. આવું શા માટે થાય છે? તેનો જવાબ તપાસીએ તો ખ્યાલ આવે કે પહેલાંવહેલાં જ્યારે આવી સ્કીમ લોન્ચ થાય ત્યારે તેમાં ફ્રોડ કરનારો મોટું વળતર આપી શકે છે. ‘ધ પોન્ઝી સ્કીમ પઝલ’ નામના પુસ્તકમાં કેવી રીતે આ સ્કીમ કામ કરે છે તેની વિગત આપી છે. અમેરિકાના એક પોન્ઝી સ્કીમમાં જે થયું તે અહીં ઉદાહરણ સહિત મૂક્યું છે. જેમ કે, આ સ્કીમમાં જેઓ શરૂઆતના રોકાણકારો હતા તેમણે પોતાની મૂડી અને તે પરનું 200 ટકા વળતર મેળવ્યું હતું. તે પછીનું રોકાણકારોનું ગ્રૂપ આવ્યું તેમણે મૂડી ઉપરાંત દોઢસો ટકાનું વળતર મેળવ્યું. રોકાણકારોના ત્રીજા લેયરના ગ્રૂપે મૂડી ઉપરાંત સો ટકા વળતર મેળવ્યું હતું. પણ જ્યારે છેલ્લે રોકાણ કરનારા આવ્યા ત્યાં સુધી આ સ્કીમની ક્ષમતા વળતર આપવાની સમાપ્ત થઈ ચૂકી હતી અને તેમને વળતર તો ન જ મળ્યું, સાથે સાથે તેમની મૂડી પણ ગઈ. આ પૂરા ચક્રમાં એક સરળ વાત એ સમજવાની છે કે કોઈ પણ ધંધામાં મસમોટું વળતર મેળવવાની ધારણા ખોટી જ ઠરે છે અને જો કોઈ આવું વળતર આપવાની વાત કરતો હોય તો તે માર્કેટને સમજતો નથી અથવા તો તે છેતરપિંડી જ કરવા માંગે છે. સામાન્ય રીતે માર્કેટમાં જે રીતે મૂડી સામે વળતર મળતું હોય તેનાથી જરા સરખું ઊંચુ વળતર આપવાનો ક્લેઇમ કોઈ કરતું હોય તો તેમાં ઇન્વેસ્ટ ક્યારેય ન કરવું.

- Advertisement -

આટલાં બધાં કૌભાંડ છતાં આવી સ્કીમો હજુય લોન્ચ થાય છે અને તેમાં લોકો સપડાય છે. હાલમાં જ મુંબઈના વરસોવામાં આશિષ શાહ નામના વ્યક્તિએ પોતે ‘સેબી’[સિક્યૂરિટીઝ એન્ડ એક્ઝ્ચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા]નો એજન્ટ છે – એમ કહીને લોકો પાસેથી પૈસા ખંખેર્યા. આ ભાઈએ પાંચસો લોકોના રૂપિયા લઈને 170 કરોડનું કરી નાંખ્યું છે. મૂળ મધ્ય પ્રદેશના આશિષ શાહ પર વરસોવાના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. તપાસમાં વિગતો પ્રકાશમાં આવી કે કોરોના પછી આશિષ શાહ અનેક લોકોને રૂબરૂ મળતો હતો અને તે ‘સેબી’નો એજન્ટ છે એમ જણાવીને વિશ્વાસમાં લેતો હતો. તેણે પહેલાં સૌને વિશ્વાસ લીધા અને પછી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. આશિષ શાહે એક લાખની સામે વર્ષમાં 84 હજાર વળતર આપવાની લાલચ આપી હતી. આ રીતે 2022થી 2024 સુધી તેણે લોકોના 170 કરોડ રૂપિયા લીધા. આ કિસ્સામાં પણ એવું જ થયું કે શરૂઆતમાં સૌને વળતર મળ્યું, તેમ તેનું નામ જાણીતું બન્યું. વધુ લોકોએ તેમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું પણ આખરે આ ચક્ર તૂટ્યું. આખરે તે ફરાર થયો તે પછી મુંબઈ પોલીસે તેના ઘરેથી 25 લાખ રોકડા રૂપિયા મેળવ્યા. આ કિસ્સામાં પણ લોકોના પૈસા મળે તેમ દેખાતું નથી.

બોસ્ટન યુનિવર્સિટીના પ્રોફેસર તમર ફ્રેન્કલ લિખિત ‘ધ પોન્ઝી સ્કીમ પઝલ’ પુસ્તકમાં અનેક રસપ્રદ વિગતો પોન્ઝી સ્કીમ અંગે આપી છે. તેઓ લખે છે કે દુનિયાભરમાં આવી સ્કીમોમાં રોકાણ કરનારા કોઈ છેતરપિંડીથી અજાણ હોય છે તેવું નથી. મહદંશે કિસ્સામાં તો અતિ ધનાઢ્ય અને શિક્ષિત લોકો આવી સ્કીમોમાં રોકાણ કરે છે. કારણ કે આમાં જે ફેક્ટર ડૂબાડે છે તે લાલચ છે. ઉપરાંત આવી સ્કીમોમાં પૈસાનું રોકાણ કરવા માટે મૂડી પણ હોવી જરૂરી છે, જે મહદંશે શિક્ષિત લોકો પાસે હોવાની શક્યતા વધુ છે.

આ રીતે છેતરપિંડી થાય છે તેને પોન્ઝી સ્કીમ કહેવાય છે; તેનું કારણ છે ઇટાલીવાસી ચાર્લ્સ પોન્ઝી. 1882માં જન્મેલો ચાર્લ્સનો જન્મ શ્રીમંત પરિવારમાં થયો હતો, પરંતુ તેને રૂપિયા ખર્ચવાની આદત હતી. તે કારણે હંમેશા ટૂંકા રસ્તે પૈસા કમાવવાના કિમીયા શોધતો. આવી જ શોધમાં જ્યારે તે અમેરિકા ગયો ત્યારે તેને એક આઇડિયા હાથ લાગ્યો અને તે ઠગોની ઓળખ બની ગયો. બન્યું એમ કે 1906ના અરસામાં ‘યુનિવર્સલ પોસ્ટલ યુનિયન’ નામની સંસ્થાએ ‘ઇન્ટરનેશનલ રિપ્લાઇ કૂપન’[આઈઆરસી] શરૂ કરી હતી. ‘યુનિયન પોસ્ટલ યુનિયન’ સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થા હતી, જે બે દેશો વચ્ચે પોસ્ટલ વિભાગના નિયમોને નિર્ધારીત કરતી હતી. હવે જાણીએ કે આ ઇન્ટરનેશનલ રિપ્લાઇ કૂપન એટલે શું? વિગતવાર સમજીએ. માની લો કે તમે એક પોસ્ટ અમેરિકા મોકલી અને ત્યાંથી તમે જવાબ પણ ઇચ્છો છો. પણ તમને એમ લાગે છે કે જવાબ આપનારાને કોઈ ખર્ચ ન થાય તો તમે પોસ્ટ સાથે એક ‘ઇન્ટરનેશનલ રિપ્લાઇ કૂપન’ મોકલી દેશો. અમેરિકામાં આ કૂપનના બદલામાં જવાબ આપનાર સ્ટેમ્પ ખરીદી શકતો. અહીંથી જ ચાર્લ્સને કીમિયો સૂઝ્યો. હવે આ કીમિયો કામ કેવી રીતે કર્યો તે જાણીએ. ધારી લો કે ભારતનું ચલણ અમેરિકાના ડોલરથી અડધા ભાવે મળે છે. અમેરિકામાં કૂપનની સામે એક ડોલરનો પોસ્ટ સ્ટેમ્પ મળશે. હવે જો તે સ્ટેમ્પને તમે વેચશો તો બે ગણો નફો થશે. બીજા વિશ્વયુદ્ધ પછી યુરોપનું ચલણ ડોલરની સરખામણીએ નબળું હતું. ચાર્લ્સે આ ગણતરી માંડી અને યૂરોપની ઇન્ટરનેશનલ રિપ્લાઇ કૂપનના બદલામાં તે અમેરિકામાં સ્ટેમ્પ ખરીદતો હતો અને તેને વેચતો ત્યારે તેના નફાની ટકાવારી ચારસો ગણી રહેતી. આ રીતે તેણે મોટા પાયે સ્ટેમ્પ ખદીદ્યા અને લોકોને પણ તેમાં સામેલ કર્યા. પણ એક સમય પછી તે લોકોને વળતર ન આપી શક્યો અને તેનો ભાંડો ફૂટ્યો. ચાર્લ્સ ત્રણ વર્ષ જેલમાં રહ્યો. જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો ત્યારે ફરી તેણે જમીન લેવેચનો ધંધો શરૂ કર્યો હતો. અહીંયા પણ તેણે લોકોને ફસાવ્યા અને ફરી જેલમાં ગયો. એટલે ચાર્લ્સનો ભૂતકાળ જાણનારા પણ તેનાથી ફરી છેતરાયા. પોન્ઝી સ્કીમોનો ઇતિહાસ સ્થાનિકથી વિશ્વસ્તર સુધી જોઈએ તો એટલું સ્પષ્ટ છે કે આવી સ્કીમોને કાયદાથી અંકુશિત કરી શકાતી નથી. માત્ર લોકોએ આવી લાલચ છોડવી પડશે તો જ ચાર્લ્સ, અભય ગાંધી કે ભૂપેન્દ્રસિંહ ઊભા નહીં થાય.

- Advertisement -

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular