નવજીવન ન્યૂઝ.સુરતઃ સુરતના વરાછા વિસ્તારમાં એલ.એચ. રોડ પર આવેલી SBI બેંકની વરાછા બ્રાન્ચમાં 27 એપ્રિલ, સોમવારે બપોરે થયેલી અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ મામલે ચોંકાવનારી માહિતી સામે આવી છે. બેંકમાં લગાવાયેલ બર્ગલર એલાર્મ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેની જાણકારી બેંકના સર્વિસ મેનેજર સહિત સ્ટાફને નહોતી હોવાનું બહાર આવ્યું છે.
લૂંટ દરમિયાન સર્વિસ મેનેજર સહિત બે લોકોએ લૂંટારાઓની નજર ચૂકવીને ત્રણ વખત બર્ગલર એલાર્મ બટન દબાવ્યું હતું, પરંતુ એલાર્મ વાગ્યો નહોતો. જેના કારણે લૂંટારાઓએ રોકડ રકમ અને મોબાઈલ ફોન લૂંટી સહેલાઈથી ફરાર થવામાં સફળતા મેળવી હતી. આરોપીઓ એવા માર્ગેથી ભાગ્યા કે જે સીસીટીવીની નજરથી બહાર હતો, જેથી પોલીસ હજુ સુધી તેમનો કોઈ ચોક્કસ પત્તો મેળવી શકી નથી. છેલ્લા ત્રણ દિવસથી પોલીસ સતત તપાસમાં લાગી છે.

મળતી માહિતી મુજબ, ઘટનાના દિવસે બપોરે 6થી વધુ લૂંટારૂઓ ત્રણ બાઇક પર આવી બેંકમાં ઘૂસ્યા હતા. તેમણે પિસ્તોલના નાળચે સ્ટાફ અને ગ્રાહકોને ધમકાવીને બંધક બનાવ્યા હતા. ત્યારબાદ કેશ કાઉન્ટરમાં રહેલી અંદાજે 12 લાખની રકમ, સીએમએસ કર્મચારીઓ પાસેથી મળેલી 50 લાખની રોકડ તેમજ કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટી તેઓ બાઇક પર ફરાર થઈ ગયા હતા.
આ મામલે વધુ એક મહત્વની વાત સામે આવી છે કે બેંકમાં લગાવાયેલ બર્ગલર એલાર્મ વિશે સ્ટાફને પૂરતી જાણકારી નહોતી. જૂના એલાર્મ સિસ્ટમમાં બટન દબાવતા જ એલાર્મ વાગી જતો હતો, જ્યારે નવા એલાર્મમાં થોડો સમય બટન દબાવી રાખવું પડે છે. આ બાબતથી અજાણ હોવાથી એલાર્મ વાગી શક્યો નહોતો. જો સ્ટાફને આ અંગે જાણકારી હોત તો ઘટના સમયે એલાર્મ વાગી જતા પોલીસને તરત જાણ થઈ શકી હોત.
લૂંટારૂઓને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસ સહિતની 8થી વધુ ટીમો છેલ્લા 68 કલાકથી સતત પ્રયાસ કરી રહી છે. શહેરના કામરેજ, વેલંજા અને સાયણ સહિતના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ ચાલી રહી છે, છતાં હજુ સુધી કોઈ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી.
પોલીસે લૂંટ બાદ લગભગ 200થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. પોલીસની ટીમો વેલંજા થી પલસાણા સુધી અને સુરતના અનેક વિસ્તારોમાં તપાસ કરી ચૂકી છે, છતાં આરોપીઓનું ચોક્કસ લોકેશન મળી શક્યું નથી. કેટલાક સીસીટીવીમાં આરોપીઓ ઝડપથી બાઇક હંકારતા અને પૈસા ભરેલા થેલાઓ સાથે દેખાયા છે.
પોલીસે આરોપીઓની ઓળખ માટે વિવિધ રાજ્યોમાં પણ સંપર્ક સાધ્યો છે. બિહાર, મધ્યપ્રદેશ, યુપી, કર્ણાટક અને મુંબઈમાં બાતમીદારોને ફોટો અને વીડિયો મોકલવામાં આવ્યા છે, છતાં ઓળખ થઈ શકી નથી. હાઈ-ટેક ટેક્નોલોજીથી તૈયાર કરાયેલા ફોટોગ્રાફ્સ પણ તમામ રાજ્યોની પોલીસને મોકલવામાં આવ્યા છે, પરંતુ ત્યાંથી પણ કોઈ ચોક્કસ માહિતી મળી નથી.
આ ઉપરાંત, બેંકમાં કામ કરતા તમામ કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ કેશ વેનમાં કામ કરી ચૂકેલા લોકો અને હાલના વોચમેનની આર્થિક પરિસ્થિતિ સહિતની વિગતો પણ તપાસ હેઠળ છે, જેથી કોઈ આંતરિક સંડોવણી તો નથી ને તેની ખાતરી કરી શકાય.








