નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ રાજ્યના નાગરિકોને અસહ્ય ગરમીમાંથી આજથી આંશિક રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. ભેજવાળા પવન ફૂંકાતા હોવાના કારણે લોકો માટે ગરમીનો તાપ થોડો સહનશીલ બનશે. છેલ્લા 24 કલાકમાં પણ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. તેમ છતાં રાજ્યના આશરે 7 શહેરોમાં તાપમાન હજુ પણ 40 ડિગ્રીને પાર છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યના મોટા ભાગના શહેરોમાં તાપમાન સતત વધતું રહ્યું હતું. ઘણા શહેરોમાં તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રીને પાર જતા લોકો માટે પરિસ્થિતિ કઠિન બની ગઈ હતી અને બપોરના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળતા હતા. હવે હવામાનની પેટર્નમાં ફેરફાર થતાં તાપમાનમાં ઘટાડાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ, આજથી મોટાભાગના શહેરોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચ્યા બાદ તેમાં ઘટાડો થવાથી લોકોને રાહત મળશે. હાલમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 7 દિવસ સુધી કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું નથી અને વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે અને તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાશે. પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશામાં 15થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી વધારે છે. આગામી ત્રણ દિવસ સુધી તાપમાન 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.
ગુજરાતના ગરમીના ઐતિહાસિક રેકોર્ડની વાત કરીએ તો મે 2016માં અમદાવાદમાં 48.0°C અને કંડલામાં 48.4°C તાપમાન નોંધાયું હતું. હાલ એપ્રિલ મહિનો પૂર્ણ થવા આવ્યો છે અને મે મહિનો બાકી હોવાથી આગળ વધુ ગરમી વધવાની શક્યતા છે. મે મહિનો સામાન્ય રીતે ગુજરાતનો સૌથી ગરમ મહિનો માનવામાં આવે છે. આગામી 24 કલાકમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે અને તાપમાન 45 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.








