Friday, April 19, 2024
HomeGeneralતિસ્તા, સંજીવ અને શ્રીકુમાર પછી પણ ધરપકડનો દોર શરૂ રહેશે, 20 વર્ષના...

તિસ્તા, સંજીવ અને શ્રીકુમાર પછી પણ ધરપકડનો દોર શરૂ રહેશે, 20 વર્ષના ગાળામાં ઘણા નામો

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ઝાકીયા ઝાફરીની સુપ્રીમ કોર્ટે પીટીશન ફગાવી દીધા પછી સરકાર પક્ષે ઇન્સપેક્ટર દર્શનસિંહ બારડની ફરિયાદના આધારે તિસ્તા સેતલવાડ અને પૂર્વ ડીજીપી આર બી શ્રીકુમારની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે જેલમાં રહેલા પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. નોંધનીય બાબત એવી છે કે, એફઆઈઆર પ્રમાણે ગુનો બન્યાનો સમયગાળો જે દર્શાવવામાં આવ્યો છે તેમાં 1 માર્ચ 2002થી લઈ 25 જૂન 2022 સુધીનો દર્શાવવામાં આવ્યો છે. આમ 20 વર્ષના ગાળામાં રમખાણોના મુદ્દે સરકારને ભીંસમાં લેનાર અનેક લોકોની મુશ્કેલીઓ વધી શકે છે.



2002માં થયેલા રમખાણોમાં નરેન્દ્ર મોદી અને તેમની સરકારની ભૂમિકાને લઈ આરોપો થયા હતા. આ સમગ્ર મુદ્દે સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવાડ, પૂર્વ આઈપીએસ અધિકારી આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ભૂમિકાને લઈને સુપ્રીમ કોર્ટે સવાલો ઊભા કરતાં કોર્ટે નોંધ્યું હતું કે, કાયદાની પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી છે જેમણે પણ આ પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કર્યો છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે. ગુજરાત પોલીસ દ્વારા નોંધવામાં આવેલી આ ફરિયાદમાં ગુનો બન્યાનો સમયગાળો 20 વર્ષનો હોવાને કારણે આ સમયગાળામાં નરેન્દ્ર મોદી અને તેમની સરકારને આરોપીના પાંજરામાં ઊભા કરનારને હવે સરકાર આરોપી બનાવે તો નવાઈ નહીં.

20 વર્ષના ગાળામાં રાજકીય પક્ષો સહિત સ્વૈચ્છિક સંગઠનોએ પણ નરેન્દ્ર મોદી અને તેમની સરકાર ઉપર અનેક આરોપો કર્યા હતા. જાહેર માધ્યમો ઉપરાંત વિવિધ અદાલતોમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે માધ્યમને આપેલા ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી નરેન્દ્ર મોદી ઉપર આરોપ કરનાર કેટલાક પત્રકારો અને સ્વૈચ્છિક સંગઠનોએ મોદીની માફી માગવી જોઈએ, અમિત શાહના આ સૂચક નિવેદન પછી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ નોંધી હતી. સંભાવના એવી જોવાઈ રહી છે કે, તિસ્તા સેતલવાડ, આર બી શ્રીકુમાર અને સંજીવ ભટ્ટને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન કરનાર પર હવે તપાસ એજન્સીની નજર છે. ક્રાઈમ બ્રાન્ચની આ ફરિયાદમાં હાલમાં ભલે ત્રણ જ આરોપી હોય પરંતુ આરોપીઓની આ યાદી લાંબી થશે જ તેવું માનવામાં આવી રહ્યું છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular