Friday, May 29, 2026
HomeGujaratકેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની ચપ્પુના ઘા મારી હત્યા, પરિવાર પર તૂટી...

કેનેડામાં આણંદની 22 વર્ષીય વિદ્યાર્થિનીની ચપ્પુના ઘા મારી હત્યા, પરિવાર પર તૂટી પડ્યું આભ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવતા સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. આણંદ જિલ્લાના બોરસદની રહેવાસી 22 વર્ષીય વિધી કલ્પેશભાઈ મેઘાની કેનેડામાં ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. યુવતીના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સગાસંબંધીઓમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, વિધી મેઘા છેલ્લા ચાર વર્ષથી કેનેડાના નાયગ્રા રીજન વિસ્તારમાં રહેતી હતી. તે ત્યાં અભ્યાસ કરવાની સાથે નોકરી પણ કરતી હતી અને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે મહેનત કરી રહી હતી. અન્ય અનેક ભારતીય વિદ્યાર્થીઓની જેમ વિધી પણ ઉચ્ચ અભ્યાસ અને સારા ભવિષ્યના સપના લઈને કેનેડા ગઈ હતી.

- Advertisement -

આ ઘટનાની વિગતો અનુસાર, ગત 15 મેના રોજ અમેરિકાની સરહદ નજીક આવેલા વિસ્તારમાં વિધી પર કોઈ અજાણ્યા કારણોસર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે તેના પર ચપ્પુ વડે હુમલો કરતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હુમલાખોર કોણ હતો અને હત્યા પાછળનું ચોક્કસ કારણ શું હતું તે જાણવા માટે કેનેડાની પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી છે. હાલ આ કેસમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

વિધીના મોતના સમાચાર બોરસદમાં પહોંચતા જ પરિવાર પર આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સગાસંબંધીઓ અને ઓળખીતાઓ પરિવારને સાંત્વના આપવા પહોંચી રહ્યા છે. વિદેશમાં ગુજરાતીઓની સુરક્ષા મુદ્દે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular