નવજીવન ન્યૂઝ નેટવર્ક.સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં પોતાના ખેતરમાંથી વીજલાઈન પસાર ન થાય તે મુદ્દે ખેડૂતો દ્વારા ચાલી રહેલા શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને લઈને આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતે રાજ્ય સરકાર અને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. AAPના પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે વિડિયો સંદેશ મારફતે દાવો કર્યો છે કે ખેડૂતોના શાંતિપૂર્ણ આંદોલન સામે સરકાર દ્વારા પોલીસનો ઉપયોગ કરીને દમનાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પ્રવીણ રામના જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગરના ખેડૂતો પોતાના હકો અને જમીનના પ્રશ્નને લઈને શાંતિપૂર્ણ રીતે ધરણા કરી રહ્યા હતા, ત્યારે મોટી સંખ્યામાં પોલીસ ત્યાં પહોંચી હતી અને ખેડૂતોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તેમની અટકાયત પણ કરવામાં આવી હતી.
AAP નેતા પ્રવીણ રામે એવો દાવો પણ કર્યો હતો કે ખેડૂતો દ્વારા કરાયેલી તાળાબંધી દરમિયાન જો કોઈ તાળા તોડે તો પોલીસની ફરજ તેની સામે કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ અહીં પોલીસ પોતે જ તાળા તોડતી જોવા મળી રહી છે.
તેમણે રાજ્યમાં પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ પોતાની ફરજ બજાવવાની પદ્ધતિથી વિમુખ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. તેમના દાવા મુજબ, જો કોઈ ખેડૂતના ખેતર પર ભૂમાફિયાઓ કબજો કરે અને ખેડૂત પોલીસને જાણ કરે તો પણ પૂરતો પ્રતિસાદ મળતો નથી, પરંતુ વીજ કંપની તરફથી ફોન આવતા જ પોલીસનો મોટો કાફલો પહોંચી જાય છે.
પ્રવીણ રામે વધુમાં આક્ષેપ કર્યો હતો કે ખેડૂતો પર અત્યાચાર થાય, દમન થાય અથવા કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય ત્યારે પોલીસ સમયસર પહોંચી નથી, જ્યારે ખેડૂતોના વિરોધને દબાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાતમાં લૂંટ, મહિલાઓ પર અત્યાચાર, ડ્રગ્સ અને દારૂના વેપાર જેવી ગંભીર ઘટનાઓમાં યોગ્ય કાર્યવાહી અંગે લોકોમાં અસંતોષ છે, જ્યારે કેટલીક બાબતોમાં તરત જ તંત્ર સક્રિય થઈ જાય છે.
સુરેન્દ્રનગરના ખેડૂતોને સમર્થન આપતાં પ્રવીણ રામે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ખેડૂતોની લડતમાં સંપૂર્ણપણે તેમની સાથે છે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો સાથે ચર્ચા કરીને જે સ્તરે લડત લડવાની જરૂર પડશે, તે માટે પાર્ટી તૈયાર છે.
ખેડૂતોના મુદ્દે AAP દ્વારા કરાયેલા આ નિવેદનથી રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે.








