દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): અમદાવાદનાં વિકસિત કહેવાતા બોપલ વિસ્તારના પોલીસ સ્ટેશનની બહાર એક નોટિસ લગાવવામાં આવી છે જેમાં લખ્યું છે કે, ‘મુલાકાતીઓએ પોલીસ સ્ટેશનમાં ટૂંકા કપડાં પહેરીને આવવું નહીં.’ આવી જાહેર નોટિસ સમાન્યતઃ મંદિરોમાં જોવા મળે છે, પરંતુ અહીં એક પોલીસ સ્ટેશનમાં આવી નોટિસ લગાવવામાં આવી છે આ નોટિસ પોલીસ સ્ટેશનમાં લગાવવી તે કેટલું યોગ્ય છે તે તો હવે પોલીસ સ્ટેશનના અધિકારીઓ જ જાણે.
અમદાવાદનાં બોપલ અને સાઉથ બોપલ વિસ્તાર હાલમાં અમદાવાદનાં સૌથી ઝડપી વિકસિત થઈ રહેલા વિસ્તારો ગણવામાં આવે છે. આ વિસ્તારોમાં સામાન્ય રીતે ટૂંકા વસ્ત્રો પહેરવાની લોકોમાં કોઈ નવાઈ પમાડનારું નથી તે તેમના રોજીંદા જીવનમાં વણાઈ ગયું છે અને લોકો આવા વસ્ત્રો પહેરીને સહજતાથી હરતા ફરતા હોય છે, ત્યારે જો કોઈ ઘટના ઘટે તો શું આ લોકોને પોતાના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા માટે પહેલા પોતાના ઘરે જઈને કપડાં બદલવા પડશે? પોલીસ સ્ટેશનમાં ટૂંકા કપડાં જોઈ કોઈ વિચલિત થતું હોય તેવું પણ નહીં જ હોય તો પછી આ પ્રકારની નોટિસ અને લોકો પાસે આવો નિયમ પડાવવાના આગ્રહને સ્ટેશન ઈન્ચાર્જની માનસિકતા સાથે સરખાવવી પણ એટલી જ વિચિત્ર બાબત લાગી રહી છે કારણ કે કદાચ તેમને જાણકારી નહીં હોય કે આપણે ત્યાં પોલીસ પહેલા હાફ પેન્ટમાં જ ફરતી હતી.
આમ તો પોલીસનું કામ લોકોની ફરિયાદ નોંધવાનું, ફરિયાદની તપાસ કરવાનું, ત્યાર બાદ આરોપીને પકડવાના અને કોર્ટ સમક્ષ રજૂ કરી દેવાના, પરંતુ બોપલ પોલીસ તો હવે લોકો કેવા કપડા પહેરવા જોઈએ તે પણ નક્કી કરે છે. આ મામલે લોકો મજાક કરી રહ્યા છે કે, ખરેખર તો પોલીસે કયા દિવસે મહિલાએ કેવા અને પુરષે કેવા કપડાં પહેરવા તે પણ નક્કી કરી દેવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સુરતમાં એક વીડિયો વાયરલ થયો હતો જેમાં પોલીસ સ્ટેશનમાં હાફ પેન્ટ (બરમુડો) પહેરેલા યુવક સાથે ઘર્ષણ થયું હતું. ત્યારે હવે અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન બહાર તો પોસ્ટર લગાવી ટૂંકા કપડાં પહેરી પોલીસ સ્ટેશનમાં નહીં જવાનું ફરમાન આપી દેવાયું છે.
પોલીસ સ્ટેશનના વડા પોલીસ ઈન્સ્પેકટર કહેવાય છે તેથી આ સમગ્ર મામલે બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.આર.જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “બોપલ પોલીસ સ્ટેશનમાં મારૂ પોસ્ટિંગ દોઢ મહિના અગાઉ જ થયું છે, તેથી હું આ વાતથી અજાણ છું, આ પોસ્ટર મારા આવ્યા પહેલાથી લાગ્યા છે, પરંતુ પોસ્ટર લાગ્યું તેમાં ખોટું શું છે? પોલીસ સ્ટેશનની ગરિમા તો જળવાવવી જોઈએને, પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસકર્મીઓ પણ કામ કરે છે.”
આ સમગ્ર મામલે બોપલ પીઆઇ છટકવાનું વલણ ધરાવતા હોય તેવું દેખાતું હતું કારણ કે પીઆઈ જે દરવાજેથી રોજ પોલીસ સ્ટેશનની અંદર જાય છે તે જ દરવાજા પાસે આ પોસ્ટર લાગ્યું છે તેથી માનવામાં ન આવે કે તેઓ આ પોસ્ટરથી અજાણ છે. તેમણે જે ગરિમાની વાત કરી તે કોઈ પુરુષ કે સ્ત્રીના કપડાથી નક્કી થશે? જો કોઈ યુવતી શોર્ટ્સ પહેરીને કે કોઈ યુવક હાફ પેન્ટ પહેરીને પોતાની સાથે થયેલી ઘટનાની ફરિયાદ કરવા આવ્યો છે તો તે ફરિયાદ લઈને કામ કરવાથી પોલીસ સ્ટેશનની ગરિમા જળવાશે? કે પછી ફરિયાદીએ કેવા કપડાં પહેર્યા છે તેના પરથી પોલીસ સ્ટેશનની ગરિમા જળવાશે? ગરિમા જાળવવી અને લોકોની આઝાદી પર ટપકું મુકવું બંને અહીં જાણે એક બાબત બની જાય છે. અગાઉ પણ ઘણા નામી નેતાઓ લોકોના ટુંકા વસ્ત્રો પર નિવેદનો કરી જાહેરમાં ફજેતીનો ભોગ બન્યા છે તેવી ઘટનાઓને પણ ઉદાહરણ તરીકે લઈ શકાય. જોકે તે તો નેતાઓ હતા પરંતુ અહીં તો ભણેલા અને જવાબદારી સાથે આગળ આવેલા અધિકારીની વાત કરવામાં આવી રહી છે તો તેમના જ્ઞાન પર તો શંકા કેવી રીતે કરવી?
ભારત એક લોકશાહી દેશ છે અને બંધારણ મુજબ દેશ ચાલે છે. ભારતના બંધારણમાં નાગરિકોને કેટલીક ફરજોની સાથે સાથે કેટલાક અધિકાર પણ આપવામાં આવ્યા છે. દેશના બંધારણમાં કોઈ જગ્યાએ તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે દેશના નાગરિકોએ કેવા કપડાં પહેરવા જોઈએ, કપડાં પહેરવા તે જે તે વ્યક્તિની સ્વતંત્રતા છે. ત્યારે જો પોલીસ સ્ટેશનમાં જ આવી નોટિસ લાગશે તો જાહેર રસ્તાઓ ઉપર સ્ત્રીઓના કપડાં ઉપર ટિપ્પણી કરતાં અસામાજિક તત્વોને આપણે ખોટા કેવી રીતે કહી શકીએ?
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











