નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગઈકાલે અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા (Rath Yatra) નીકળી હતી. આ રથયાત્રા દેશમાં બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા માનવામાં આવે છે. ત્યારે ગઈકાલે રથયાત્રાના રૂટ પર એક દુર્ઘટના (Accident) સામે આવી હતી. શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી એક ઈમારતની છત ધરાશાયી થઈ હતી. જેના કારણે છત પર ઊભેલા અને છતની નીચે ઊભેલા 10 વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને એક યુવકનું મોત નિપજ્યું હતું. ત્યારે આ બનાવને લઈને ગુજરાત સરકારે (Gujarat Government) સહાયની જાહેરાત કરી છે.
શું હતો સમગ્ર મામલો
રથયાત્રાના રૂટ પર આવતા દરિયાપુર વિસ્તાર મોટી સંખ્યમાં લોકો રથયાત્રા નિહાળવા માટે ઊમટી પડ્યા હતા. ત્યારે દરિયાપુર વિસ્તારમાં કડિયાના નાકા પાસે આવેલી એક ઈમારતની બાલ્કનીમાં પણ લોકો રથયાત્રાના દર્શન કરવા માટે ઊભા હતા. આ દરમિયાન અચાનક બાલ્કનીનો સ્લેબ ધરાશાયી થતાં બાલ્કનીમા ઊભેલા લોકો નીચે પટકાયા હતા. સાથે જ નીચે ઊભેલા લોકો પર બાલ્કનીનો સ્લેબ માથે પડ્યો હતો. આ ઘાટણ બનતા જ થોડી વાર માટે દોડધામ મચી ગઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા. પરંતુ આ દુર્ઘટનામાં વસ્ત્રાલના એક યુવાનનું મૃત્યુ થયું હતું.
AMCએ હાથ અધ્ધર કર્યા
રથયાત્રાના રૂટ આવતા તમામ જર્જરીત મકાનો પર AMC નોટીસ લગાવતી હોય છે અને આવા મકાન પર કોઈએ ગેલેરીમાં ઊભું રહેવું નહીં તેવી જાણ કરવામાં આવે છે. પરંતું કદાચ આ મકાન પર AMC નોટીસ લગાવાનું ભુલી ગઈ હશે! કારણ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે, આ બનાવ પહેલા ઈમારત પર કોઈ પણ પ્રકારની નોટીસ લગાવામાં આવી ન હતી. દુર્ઘટના બાદ અધિકારીઓ દોડતા થયા હતા અને ઈમારત પર નોટીસ લગાવામાં આવી હતી. જ્યારે AMCના અધિકારીનું કહેવું છે કે, નોટીસ રથયાત્રા પહેલા લગવામાં આવી હતી અને જાહેર ચેતવણીનું બોર્ડ પણ મારવામાં આવ્યું હતું. આ બનાવ બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. પરંતું જર્જરિત મકાનોને નોટિસ આપવાની કાર્યવાહી માત્ર કાગળ ઉપર જ રહી ગઈ હોય તે આ બનાવ બાદ સ્પષ્ટ થાય છે અને જો AMCએ આવી નોટિસ લગાવી હતી, તો આ જવાબદારી બદોબસ્તમાં રહેલી પોલીસની હતી કે લોકો આવી જર્જરિત ઇમારત પર ન જાય. આમ જો નોટિસ લાગી હોય તો સ્પષ્ટપણે અમદાવાદ પોલીસ આ દુર્ઘટનાની જવાબદાર છે અને જો ન લાગી હોય તો AMC આ દુર્ઘટના માટે જવાબદાર છે.
દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત અને મૃતકને ગુજરાત સરકારની સહાય
રથયાત્રામાં ઘટેલી દુર્ઘટના બાદ ગઈકાલ મોડી રાત્રીના સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઈજાગ્રસ્ત અને મૃતકને સહાય આપવાની જાહેરાત ટ્વીટર પર કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર મકાનની બાલ્કની તૂટવાની ઘટના ખૂબ દુઃખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. રાજ્ય સરકાર મૃતકના પરિવારજનને રૂપિયા 4 લાખ તેમજ ઇજાગ્રસ્તોને રૂપિયા 50,000ની સહાય કરશે.
બે સંતાનાએ પિતાની છત્રછાયા ગુમાવી
રથયાત્રામાં બનેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવકનું નામ મેહુલ પંચાલ છે. તે પંદર વર્ષ પહેલા દરિયાપુર વિસ્તારના લુણસાવાડામાં રહેતો હતો. ત્યારબાદ વસ્ત્રાલ રહેવા માટે ગયો હતો. છેલ્લા પંદર વર્ષથી મેહુલ રથયાત્રા જોવા માટે અચુક વસ્ત્રાલથી દરિયાપુર આવતો હતો. દર વર્ષની જેમ કાલે પણ તે રથયાત્રા જોવા માટે દરિયાપુર આવ્યો હતો. આ દરમિયાન દુર્ઘટના બનતા મેહુલનું મોત નિપજ્યું હતું. મેહુલને સંતાનમાં એક 6 વર્ષની દીકરી અને સાડાત્રણ વર્ષનો દિકરો છે. મેહુલનું મોત નિપજ્તા બંને સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








