Thursday, April 16, 2026
HomeGujaratAhmedabadઇલેક્ટ્રિક વાહનોની જગવિખ્યાત કંપની ‘ટેસ્લા’નો ભારતમાં પ્રવેશ….

ઇલેક્ટ્રિક વાહનોની જગવિખ્યાત કંપની ‘ટેસ્લા’નો ભારતમાં પ્રવેશ….

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આવનારો યુગ રિન્યૂએબલ એનર્જીનો હશે અને તે કારણે વૈકલ્પિક ઉર્જા તરફ દુનિયા વળી રહી છે. આ પહેલમાં એક મોટો હિસ્સો ઇલેક્ટ્રિક વાહનોનો (Electric vehicles) પણ છે. પર્યાવરણને હાલના વાહનો કરતાં ન્યૂનત્તમ નુકસાન કરનારાં ઇલેક્ટ્રિક વાહનો સ્વાસ્થની રીતે પણ વધુ સારાં છે. અને એટલે અનેક વર્ષોથી ઇલેક્ટ્રિક વાહન વધુ સુલભ થાય તેવી માંગણી થતી આવી છે. તેના પરિણામે માર્ચ મહિનામાં કેન્દ્ર સરકારે ઇ-વાહન નીતિને મંજૂરી આપી છે. હવે દેશમાં વિશ્વભરની ઇલેક્ટ્રિક વાહનની મેન્યુફેક્ચરીંગ કંપની માટે દરવાજા ખુલી ગયા છે. વિશેષ કરીને ઇલેક્ટ્રિક વાહનનો કર ઘટાડવા અંગે આ નીતિમાં જોગવાઈ કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહન દેશમાં આવી ચૂક્યા છતાં, તેનું પ્રમાણ હજુય ન બરાબર છે. આ નીતિ અંતર્ગત અમેરિકાની જાયન્ટ કંપની ‘ટેસ્લા’ (Tesla) કંપની પણ આપણા દેશમાં આવી રહી છે, તેના જોરશોરથી ન્યૂઝ અખબારો-ન્યૂઝ ચેનલોમાં છવાયાં છે. ઇલેક્ટ્રિક વાહન માટે વિદેશી કંપનીઓના દરવાજાં ખુલ્લા રાખવાની વાત એ માટે અગત્યની છે કે વિદેશોમાં ઇલેક્ટ્રિક વાહનો મોટાં પ્રમાણમાં માર્ગ પર આવી ચૂક્યા છે. અમેરિકન ‘ટેસ્લા’ કંપની ભારતમાં આવી રહી છે અને છેલ્લા કેટલાંક મહિનાઓથી કંપનીના અધિકારીઓ પ્લાન્ટ નાંખવા દેશભરમાં પ્રવાસ ખેડી રહ્યા છે. તેમાં એક લોકેશનની પસંદગી ગુજરાતમાં પણ થઈ શકે છે.

Tesla Charging Station
Tesla Charging Station

વાહનોની દૃષ્ટિએ ભારત દુનિયાનું ત્રીજું મોટું માર્કેટ છે. પ્રથમ ક્રમે ચીન અને તે પછી આ માર્કેટમાં દબદબો જમાવનાર અમેરિકા છે. વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે અને 2023ના માર્કેટના આંકડા કહે છે કે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પંદર લાખથી વધુ છે. વર્તમાન કેન્દ્ર સરકારે પણ ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાની નીતિ અપનાવી છે. સરકાર તો એવું ઇચ્છે છે કે વર્ષ 2030 સુધી ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હિસ્સો કુલ વાહનોમાં ત્રીસ ટકા જેટલો થવો જોઈએ. આવું કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવવામાં ‘ટેસ્લા’ કંપની અગત્યની હશે. ‘ટેસ્લા’ મૂળે અમેરિકાની કંપની છે અને તેની સ્થાપના 2003ના અરસામાં થઈ હતી, ત્યારે તેનું નામ ‘ટેસ્લા મોટર્સ’ હતું. ટેક્સાસમાં વડું મથક ધરાવતી આ કંપનીની ઓટોમોટીવ ક્ષેત્રમાં ક્લિન એનર્જીના કારણે જાણીતી છે. ‘ટેસ્લા મોટર્સ’ને શરૂ કરનારા માર્ટીન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ નામના બે એન્જિનિયર હતા. અને કંપનીનું નામ ‘ટેસ્લા’ આપવાનું કારણ હતું, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને શોધક નિકોલા ટેસ્લાને અંજલિ આપવી. 2004માં આ કંપનીના શેરહોલ્ડર તરીકે એલન મસ્ક (Elon Musk) આવ્યા અને પછી તેઓ 2008માં આ કંપનીના સીઈઓ બન્યા. એલન મસ્કની ઓળખ આપવાની જરૂર નથી. અવકાશથી માંડિને એકવીસમી સદીના અકલ્પનીય પ્રોજેક્ટ લૉન્ચ કરવા માટે તે જાણીતા છે અને એ રીતે તેઓ ‘ટેસ્લા મોટર્સ’ને પણ અવનવા પ્રયોગોથી વિશ્વભરના નકશા પર લઈ આવ્યા.

- Advertisement -
Tesla New Car
Tesla New Car

માર્કેટમાં કેપિટાઇલાઇજેશનની રીતે ‘ટેસ્લા’ વિશ્વની ગણીગાંઠી કંપનીઓમાંની એક છે. માર્કેટ કેપિટાઇલાઇજેશનની એટલે માર્કેટમાં મૂડીની રીતે તે સતત વૃદ્ધિ પામતી કંપની. બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોમાં તેનો વિશ્વભરમાં હિસ્સો વીસ ટકાની આસપાસ છે. ‘ટેસ્લા’ જ્યાં એક વાર પહોંચે છે ત્યાં તે માર્કેટમાં રાજ કરે છે. અમેરિકામાં તો ‘ટેસ્લા’એ ધૂમ મચાવી છે અને તે પછી ‘ટેસ્લા’એ માર્કેટ કેપ્ચર કરવા યુરોપ તરફ મંડાણ કર્યા. યુરોપમાં સૌપ્રથમ 2009માં સ્ટોર લંડનમાં ખુલ્યો. 2016માં ‘ટેસ્લા’એ જર્મનીની એન્જિનિયરીંગ ફર્મ ગ્રોહમેન એન્જિનિયરીંગ ખરીદી અને એ રીતે યુરોપમાં પોતાનું મેન્યુફેક્ચરીંગ વધાર્યું. માર્ચ, 2022માં ‘ટેસ્લા’એ બર્લિન ખાતે ગીગાફેક્ટરી શરૂ કરી છે, જ્યાં અંદાજે વર્ષે પાંચ લાખ જેટલાં ઇલેક્ટ્રિક વાહનોનું મેન્યુફેક્ચરીંગ થશે. તે ઉપરાંત, કારની બેટરીનું પણ ઉત્પાદન અહીંયા થશે.

Tesla Car
Tesla Car

એશિયામાં સૌપ્રથમ ‘ટેસ્લા’એ જાપાનના ટોક્યો ખાતે શૉરૂમ નિર્માણ કર્યો હતો. આ વાત 2010ની છે અને તે પછી ચીનમાં પણ ‘ટેસ્લા’ પ્રવેશ્યું. 2018માં ચીનમાં પણ ‘ટેસ્લા’ કંપનીએ પોતાનું મેન્યુફક્ચરીંગ યુનિટ શરૂ કર્યું છે. હવે ‘ટેસ્લા’ ભારતના માર્કેટમાં પર નજર દોડાવી રહ્યું છે અને તે માટે પુના ખાતે ‘ટેસ્લા’ કંપનીએ પોતાની ઑફિસ પણ શરૂ કરી છે. ટૂંક સમયમાં જગ્યાની ખરીદી થશે અને મેન્યુફેક્ચરિંગ યુનિટ ઊભું કરવામાં આવશે.

Tesla Workshop
Tesla Workshop

‘ટેસ્લા’ની અત્યારે કારની ઉપલબ્ધ હોય તેવી પ્રોડક્ટમાં મોડલ ‘એસ’, મોડલ ‘એક્સ’, મોડલ ‘વાય’, ટેસ્લા ‘સેમી’ અને ‘સાબયબટ્રક’ છે. આ ઉપરાંત સેકન્ડ જનરેશનની ‘રોડસ્ટર’ પણ છે. આ બધી કાર જ્યારે પણ બજારમાં આવી ત્યારે તેનું ધૂમ વેચાણ થયું. જોકે આ કાર મોંઘી છે અને તેમાં પણ સેકન્ડ જનરેશન રોડસ્ટર કારની કિંમત બે લાખ ડોલરની આસપાસ થાય છે. સ્વાભાવિક છે કે સરેરાશ ભારતીય માટે આ કાર મોંધીદાટ લાગે. અને તે માટે ‘ટેસ્લા’એ મોંઘી કાર ઉપરાંત ભારતમાં નાની અને પોસાય તેવી કારનું ઉત્પાદન કરવાની નીતિ અપનાવી છે. ‘ટેસ્લા’ કારની ભારતમાં કિંમત અંદાજિત 30,000 ડોલરની આસપાસ રહેશે.

- Advertisement -
Tesla Semi Truck
Tesla Semi Truck

દેશમાં જ્યારે સરકાર અને કંપનીઓ આટલાં પ્રમાણમાં ઇલેક્ટ્રિક વાહનો માર્ગ પર લાવવા માંગતા હોય તો તે માટે ચાર્જિંગ સ્ટેશનનું નેટવર્ક પણ જોઈશે. અમેરિકામાં આવાં ચાર્જિંગ સ્ટેશન જગ્યાએ જગ્યાએ ઊભા કરવામાં આવ્યા છે. હવે તો હોટલનું નેટવર્ક ધરાવતી કંપનીઓ સાથે પણ ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવા માટે સમજૂતી થઈ રહી છે. મતલબ, કે ઇલેક્ટ્રિક વાહનો જો ભારતમા આવશે તો તે માટે ચાર્જિંગ સ્ટેશનની આખી નવી વ્યવસ્થા નિર્માણ કરવી પડશે. એ ઉપરાંત ‘ટેસ્લા’ ડ્રાઇવર વિના કાર ચાલે તે માટે પણ પ્રયોગો કરી રહ્યું છે. વિદેશના માર્ગો પર આ પ્રયોગ સફળ થતો પણ દેખાય છે, જોકે ભારતમાં માર્ગ પરનો ટ્રાફિક અને સ્થિતિ જોતા અહીં તે લૉન્ચ થાય તેમ લાગતું નથી.

‘ટેસ્લા’ ભારતમાં કેવી રીતે પ્રવેશશે તે અંગે અત્યારે તર્કવિતર્ક થઈ રહ્યા છે. જેમ કે, એક વાત એવી છે કે આ વર્ષથી ‘ટેસ્લા’ કાર ભારતમાં મળવા લાગશે અને તે માટે જર્મનીના મેન્યુફેક્ચરિંગ યુનિટ પરથી કારની આયાત કરવામાં આવશે. તે પછી ‘ટેસ્લા’ ગુજરાત સહિત, મહારાષ્ટ્ર, તમિલનાડુમાં પોતાના પ્લાન્ટ સ્થાપવા માટે વિચારી રહી છે. આ ત્રણેય રાજ્યો દરિયાકિનારે આવ્યા છે તે માટે પણ પ્લાન્ટ માટે આ રાજ્યોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એવું કહેવા છે કે અત્યાર સુધીનું સીધું વિદેશી રોકાણ જો કોઈ સૌથી વધુ આવશે તો તેમાં ‘ટેસ્લા’નો ક્રમ સૌથી ઉપર હશે.

જ્યારે આવી કોઈ કંપની આવે છે ત્યારે તેના આગતાસ્વાગતામાં તે કંપની જ્યાં છે તે રેકોર્ડ જાહેર થતો નથી, અને તે કારણે સૌ કોઈ કંપની પાસે રોજગારી ઉપરાંત અનેક આશા રાખે છે. દેખીતું છે કે ‘ટેસ્લા’ આવશે તો તેનાથી રોજગારી સર્જાશે અને ગ્રાહકોને ઇલેક્ટ્ર્કિ વાહનોમાં વિકલ્પ મળશે. પરંતુ ‘ટેસ્લા’ કંપનીના બે દાયકાના ઇતિહાસમાં તેના પર કાળાં ડાઘેય લાગેલા છે. જેમ કે, 2021માં ‘ટેસ્લા’ની સાત મહિલા કર્મચારી પોતાના પર થયેલા જાતિય અત્યાચાર વિશે ફરિયાદ કરી હતી. મહિલાઓ વિશે અણછાજતી ટીપ્પણી કરવામાં એલન મસ્કનું નામ પણ આવ્યું હતું. એટલું જ નહીં પણ કર્મચારીઓ સાથે વ્યવહારમાં ‘ટેસ્લા’નો રેકોર્ડ ખરાબ છે. 2019માં ‘ટેસ્લા’ કંપનીમાં કામદારોને થયેલી ઇજાની વાત ક્યાંય પ્રકાશમાં આવી નહોતી. આ ઉપરાંત 2019માં ‘ટેસ્લા’ના સિક્યુરીટી મેનેજરે એવો કંપની પર એવો આરોપ લગાવ્યો હતો કે કંપની કામદારોના ફોન લઈ લે છે અને તેમની જાસૂસી પણ કરે છે. આવા કેસો ‘ટેસ્લા’ વિરુદ્ધ અનેક છે. તે સિવાય ‘ટેસ્લા’ કંપનીના આર્થિક કૌભાંડો છે, જેમ કે 2012થી 2014 વચ્ચે કંપનીએ ‘ઝીરો એમિશન વેહિકલ’ ટેકનોલોજી ગ્રાહકોને ઉપલબ્ધ કરાવીને 295 મિલિયન ડૉલર કમાવ્યા હતા, પરંતુ તે પછી ક્યારેય આ પ્રકારની ટેક્નોલોજી ગ્રાહકોને મળી નથી. આ ઉપરાંત 2018માં ‘ટેસ્લા’ કંપનીએ પોતાના કારના પ્રોડક્શન અંગે સાચા આંકડા જાહેર કર્યા છે કે નહીં તેને લઈને અમેરિકાની તપાસ એજન્સી ‘એફબીઆઈ’એ કંપનીમાં તપાસ કરી હતી. ‘ટેસ્લા’ના આવા અનેક અપરાધો છે, જેની ચર્ચા અવારનવાર અમેરિકા અને યુરોપના દેશોમાં થાય છે. પરંતુ હવે આ કંપની એટલી મોટી થઈ ચૂકી છે કે તેની ગમે તેટલી મર્યાદા છતાં તેને આવકારવા લાલ જાજમ પાધરવી પડે એમ છે. આપણો દેશ પણ એ જ કરી રહ્યું છે. જોઈએ ‘ટેસ્લા’ કંપનીથી આપણે ત્યાં લાભ થાય છે કે નુકસાન?

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular