Monday, February 17, 2025
HomeGujaratયુદ્ધના માહોલની અભિવ્યક્તિમાં કળાના રંગ..

યુદ્ધના માહોલની અભિવ્યક્તિમાં કળાના રંગ..

- Advertisement -

કળાનો જીવન સાથે અભિન્ન સંબંધ છે. જીવનના દરેક રંગને કળા ઝીલે છે, પછી તે આનંદ હોય કે વિષાદ. કળા દ્વારા તે ઝીલાવવું અગત્યનું છે. યુદ્ધને ફોટોગ્રાફીના કળા દ્વારા ઝીલવાનો ઇતિહાસ ખાસ્સો લાંબો રહ્યો છે. આર્ટની રીતે વોર ફોટોગ્રાફી એક જૂદું જ ક્ષેત્ર છે, જેમાં સામાન્ય ફોટોગ્રાફી જેવાં નિયમો લાગુ પડતાં નથી. યુદ્ધ અંગેની ફોટોગ્રાફીનું ચલણ દુનિયાભરમાં ખૂબ છે. ઇવન, આપણે ત્યાં ફોટોગ્રાફી સાથે સંબંધિત લોકો પણ તે વિશે જાણે છે. પરંતુ તે સિવાયની આર્ટનું ચલણ યુદ્ધ દરમિયાન કેવું હોય છે, તે વિશે જૂજ જ પ્રયાસ થયા છે. તેમાંથી એક પ્રયાસ આ ‘ગાઝા-51’ ગ્રૂપનો છે. ‘ગાઝા-51’ ગ્રૂપ બેઝિકલી પેલેસ્ટાઈનનું છે અને તેમની કળામાં પેલેસ્ટાઈન જમીન પર ઇઝરાયેલ દ્વારા થયેલાં હૂમલાઓની તાસીર જોવા મળે છે. પેલેસ્ટાઈન કેટલાં હદે ખુંવાર થયું છે તે ગાઝા-51’ના દરેક આર્ટમાં જોવા મળે છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ગ્રૂપમાં 14થી 25 વર્ષ સુધીના જ યુવાનો છે. આ ઉંમરના હોવા છતાંય તેમાંથી કેટલાંય યુવાનો એવાં છે જેઓ ત્રણ-ત્રણ યુદ્ધ જોઈ ચૂક્યાં છે. યુદ્ધની અનુભૂતી જાણે તેમનામાં કંડારાઈ ગઈ હોય તે રીતે તેઓ પોતાની કળામાં યુદ્ધને લાવ્યા છે.

- Advertisement -

પેલેસ્ટાઈન કિશોર-યુવાનો પાસેથી આર્ટનું આ અદભુત કામ કરાવી શકનારા ભારતીય છે. મૂળે હૈદરાબાદના આ બહેનનું નામ મહનૂર યાર ખાન છે અને તેઓ ડ્રામા થેરેપીસ્ટ તરીકે કામ કરે છે. બે દાયકાથી તેઓ પેલેસ્ટાઈનમાં ડ્રામા થેરેપીસ્ટ તરીકે આવતાં-જતાં રહ્યાં છે અને તેમણે યુદ્ધની જ્યાં સૌથી વધુ અસર થાય છે, તેવા ગાઝા પટ્ટીમાં પાંચ વર્ષ સુધી કામ કર્યું છે. આ વર્ષો દરમિયાન તેમણે યુદ્ધની ખુંવારી ખૂબ નજીકથી જોઈ. યુવાનો સાથે કામ કરતાં મહનૂરને થયું કે, અહીંયા અભ્યાસમાં અવ્વલ રહેનારાં યુવાનો પાસે કંઈ જ કામ નથી અને તેઓ આ દોજખભરી સ્થિતિમાંથી બહાર નીકળવા પણ સક્ષમ નથી, એટલે અહીંયા જ તેમની પાસેથી કંઈ કામ લેવું. બસ, આ વિચારની પ્રક્રિયા આગળ વધી અને ગાઝા-51’ના બીજ રોપાયા. મહનૂર યાર ખાન દરેક યુવાન સાથે વાત કરે છે અને તે જે કળા દ્વારા પોતાની અભિવ્યક્ત કરવા માંગે છે તેની તેઓ અનુકૂળતા કરી આપે છે. મહનૂર યાર ખાનના આ સાહસ દ્વારા આજે હજારો પેલેસ્ટાઈન બાળકો અદભૂત આર્ટ વર્ક દ્વારા દુનિયાને સંદેશો પહોંચાડી રહ્યાં છે. આ ચિત્રોમાં ક્યાંકને ક્યાંક તેમનું રુદન છે, તેમની નિરાશા છે અને સાથે-સાથે તેમાંથી મુક્ત થવાની અપેક્ષા પણ દેખા દે છે.

આ યંગ આર્ટીસ્ટ દ્વારા તૈયાર થયેલાં પેઇન્ટિંગ, ક્લિક થયેલાં ફોટોગ્રાફ્સ અને અન્ય સર્જનમાં તેમના કળા દ્વારા યુદ્ધનો માહોલ તો ઝીલાય જ છે, પણ તેની સાથે તેમાં આપવામાં આવેલી કેપ્શનમાંય તેઓ સીધેસીધો સંદેશ પહોંચાડે છે. પંદર વર્ષના મઝ્દ અલ દસુકીએ પોતાની પેઈન્ટિંગ નીચે કંઈ આ પ્રમાણેની કેપ્શન લખી છેઃ “મેં મારું બાળપણ પથ્થરો વચ્ચે જ ગુમાવ્યું  અને અત્યારે આ કળાના માધ્યમથી હું બીજું કંઈ નહીં પણ મારી પીડાને જ શોધી રહ્યો છું” મઝ્દ અલ દસુકી માત્ર પંદર વર્ષનો જ છે અને તે પોતાની પીડાને આટલી તીવ્રતાથી પેઈન્ટિંગ અને શબ્દોમાં લાવી શકતો હોય તો તેની આસપાસની સ્થિતિ શું હશે અને તે આમાં કેવી રીતે પીડાયો હશે તેની તો કલ્પના જ કરવી રહી!

- Advertisement -

ગાઝા-51’ની પહેલ અંતર્ગત ખાન યુનુસ નામના કિશોરે પોતાની ‘વોર ડાયરી’ લખી છે. તેનું ટાઈટલ છેઃ ‘માય લાઈફ ઇઝ નોટ માય લાઈફ’.આ ડાયરીમાં યુનુસે ગાઝા સ્ટ્રીપમાં જે રીતે એફ16 બોમ્બમારો કરે છે, તેનું વર્ણન કર્યું છે અને બાળકો કેવી રીતે ઘરમાં પૂરાઈને ભૂખ્યા જ ટળવળતા હોય છે તે લખ્યું છે. યુનુસની આ ડાયરીમાં કટાક્ષના ચમકારાં છે અને તે ઇઝરાયલી સૈન્યએ તેમના જીવનને કેવી રીતે તહસનહસ કરી નાંખ્યું છે, તેનું વર્ણન બખૂબી કર્યું છે. કિશોર વયના બાળકની ડાયરીનો વિષય યુદ્ધ હોય તે જ કેટલું વિચિત્ર લાગે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે યુનુસ યુદ્ધની સ્થિતિને ખૂબ જ સહજતાથી આલેખી શકે છે.

ગાઝા-51’ની પહેલ અંતર્ગત માત્ર પેલેસ્ટાઈનના જ યુવાનો ભાગ લઈ શકે તેવું નથી, જેઓ પેલેસ્ટાઈન અને ત્યાંના લોકોની સ્થિતિ તીવ્રતાથી અનુભવી શકે, તેઓ પણ તેમના વતી કોઈ સર્જન કરી શકે. ચેન્નઈની ચૈતન્યા વિદ્યાલયની અશય અભ્ભી નામની કિશોરીએ ગાઝા પર કવિતા લખી છે, જે એક દસ વર્ષના બાળકીની સ્થિતિ બખૂબી વર્ણવે છે. જેમ કે તે કવિતામાં કહે છે કે, ‘હું આશ્ચર્યચકીત થઈને તારાથી છવાયેલાં આકાશને નિહાળું છું, હું જ્યારે એક રાતરે પ્રવાસી બનીને નીકળું છું ત્યારે હું તિમિરથી પ્રકાશ તરફ દોડી રહી છું.’ આ રીતે તે ગાઝાપટ્ટી પર ફરજ બજાવતાં ડોક્ટર અને સૈનિકોની વ્યથા પણ આ જ કવિતામાં આલેખે છે. જ્યારે કોઈ પંદર વર્ષની કિશોરી યુદ્ધની સ્થિતિને આટલી તીવ્રતાથી અનુભવીને શબ્દબદ્ધ કરે તો તેને સંદેશ દૂરસુદૂર સુધી પહોંચે છે.

પેલેસ્ટાઈન અને ઇઝરાયેલનો સંઘર્ષ સાત દાયકાઓથી ચાલી રહ્યો છે, ઇઝરાયેલની સૈન્ય શક્તિ સામે પેલેસ્ટાઈન લોકો ઝઝૂમી રહ્યાં છે અને કદાચ તેમના જેટલી ખુવારી કોઈ પ્રજાએ ભોગવી નહી હોય. જોકે આમાં પેલેસ્ટાઈનનો એ વર્ગ પણ છે કે જે આંતકવાદી પ્રવૃત્તિ કરીને વારંવાર ઇઝરાયેલને ઉશ્કેરે છે. આ રીતે ઇઝરાયેલી અને પેલેસ્ટાઈની પ્રજા સતત બાખડતી રહી છે, પરંતુ તેનો ઉકેલ આજ દિન સુધી આવ્યો નથી. ઇઝરાયેલના મજબૂત સૈન્ય સામે પેલેસ્ટાઈન કશું જ નથી અને એ માટે જ પેલેસ્ટાઈનમાંથી એક અરસાથી આર્ટ દ્વારા પોતાના સંદેશા વિશ્વ સુધી પહોંચાડવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

- Advertisement -

મહનૂર યાર ખાન યુદ્ધમાં સર્જાયેલી આ કળાને હાલમાં ભારતમાં લાવ્યાં, પરંતુ આ પ્રકારના થોડા જે સહાસો થયા તેમાં પેલેસ્ટાઈનનો હિસ્સો મોટો છે, અને તેમની પ્રદર્શની બ્રિટન અને અમેરિકા જેવાં દેશોમાં પણ થઈ છે. આર્ટ દ્વારા પેલેસ્ટાનીઓ પર થઈ રહેલાં અત્યાચારના આધાર પર જે સર્જન થઈ રહ્યું છે, તેની રાજકીય અસર ખૂબ જ વ્યાપક જોવા મળી છે. આર્ટ દ્વારા સંદેશાનો વિચાર તો પેલેસ્ટાઈનીઓમાં શરુઆતના દોરમાં જ ખીલ્યો હતો, પરંતુ તેની અસર થાય તેવો કાળ નેવું પછીના દાયકામાં આવ્યો. આજે તો આ પ્રકારના પેલેસ્ટાનીઓના આર્ટના ખિલાફ પણ ઇઝરાયેલે પોતાના મોરચા ખોલ્યા છે અને અનેક વખત પેલેસ્ટાઈનીઓની આ પ્રકારના આર્ટની પ્રદર્શની પણ ઇઝરાયેલના દબાણના કારણે રદ કરવામાં આવી છે.

આ ઉપરાંત પેલેસ્ટાઈનમાં સતત યુદ્ધના માહોલ હેઠળ લોકો રહેતાં હોવાથી સામાન્ય આર્ટીસ્ટનો વિષય પણ ક્યારેકને ક્યારેક આ યુદ્ધના માહોલ રહ્યો છે. યુદ્ધના માહોલને ઝીલવાનો પ્રયાસ માત્ર પીડિત પ્રજા પેલેસ્ટાઈન દ્વારા જ થયો નથી, બલ્કે ઇઝરાયેલના પણ ઘણાં ખરાં આર્ટીસ્ટનો વિષય યુદ્ધની આસપાસનો જોવા મળ્યો છે. મીકી ક્રાટ્સમેન નામના ઇઝરાયેલી ફોટોગ્રાફરે પેલેસ્ટાઈન ક્ષેત્રના એવાં કેટલાંય એસાઈમેન્ટ કર્યા છે, જેમાં પેલેસ્ટાઈન દ્વારા વાતાવરણ ડહોળવાનું થતું હોય. એ જ રીતે ઇઝરાયેલી ફોટોગ્રાફર રેવ હોરેશે પણ ઇઝરાયેલમાં થતા આત્મઘાતી હૂમલાઓને સ્થળના ફોટોગ્રાફ લીધા છે, જેમાં તે જગ્યા પરથી હૂમલાની સ્મૃતિ સાવ ભૂલાવી દે તેવી કાયાપલટની સ્થિતિ પણ સામેલ હોય. આ રીતે રેવ હોરેશ પોતાના ફોટોગ્રાફ્સને નવીનતા બક્ષી છે. આ સિવાય લખાણમાં પણ પેલેસ્ટાઈનીઓની કળા બખૂબી ખીલી છે, જેમાં નાટકો છે, નોવેલ છે અને કેટલુંક ઇતિહાસને આલેખતું સાહિત્ય પણ છે.

ભારતમાં જે પ્રકારે નક્સલીઓ સાથેનો સંઘર્ષ છે કે પછી કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય વિસ્તારનો સંઘર્ષ છે, તેમાં ક્યારેય આર્ટના માધ્યમથી સમસ્યાને રજૂ કરવાનો પ્રયાસ વ્યાપક સ્તરે થયો નથી, જો એમ બન્યું હોત તો આજે આ મુદ્દાઓ વિશે લોકોનો જે સામાન્ય ખ્યાલ કે દૃષ્ટિકોણ છે તે જુદો હોત.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular